૬૯ બિનખેતીની ફાઈલોને જિ.પં.માંં બહાલી - Sandesh
  • Home
  • Mehsana
  • ૬૯ બિનખેતીની ફાઈલોને જિ.પં.માંં બહાલી

૬૯ બિનખેતીની ફાઈલોને જિ.પં.માંં બહાલી

 | 3:35 am IST

અમદાવાદ  , મહેસાણા  તા.૬

મહેસાણા જિલ્લા પંચાયતના હોલમાં મંગળવારના રોજ મળેલી કારોબારી બેઠકમાં જિલ્લાના વિવિધ તાલુકાના ૬૯ જેટલા બીનખેતી(એનએ)ના કેસો સર્વાનુમતે મંજુર કરાયા હતા. તે સિવાય જિલ્લા પંચાયતનો મિટિંગ હોલ રિનોવેશન કરી તેમજ પ્રમુખ, ઉપપ્રમુખ અને ચેરમેનની ચેમ્બરોમાં અગત્યના ડોક્યુમેન્ટ જાળવવા માટે કબાટો વસાવવા સહિતના મુદ્દાઓની ચર્ચા કરી નિર્ણય લેવાયો હતો. અત્રે ઉલ્લેખનીય છેકે ગઈ વખતની કારોબારીમાં પેન્ડીંગ રખાયેલા તેમજ નવીન મળી તમામ કેસોને મંજુર કરાયા હતા.

મહેસાણા જિલ્લા પંચાયત સંકુલમાં કોમ્યુનિટી હોલ ખાતે મળેલી કારોબારી સમિતિની બેઠકમાં ગત ૩૧, જાન્યુઆરીની કારોબારીમાં લેવાયેલા નિર્ણયો ઉપર લીધેલાં પગલાંના અમલવારી અહેવાલને અવલોકનમાં લઈ બહાલી આપવામાં આવી હતી. મહેસાણા જિલ્લા પંચાયતની કારોબારી કમિટીની બેઠકમાં સ્ટેશનરીના ભાવો મંજૂર કરવા અને ઈજારો આપવા ઠરાવ કરવામાં આવ્યો હતો. વધુમાં પંડિત દિનદયાળ ઉપાધ્યાય કોમ્યુનિટી હોલના પ્રથમ માળે એક્ષ્ટેન્શન બાબતે વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. કોમ્યુનિટી હોલના પ્રથમ માળે એક્ષ્ટેન્શન બાબતે વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. કોમ્યુનિટી હોલના પ્રથમ માળે હોલના એક્ષ્ટેન્શનના કામ માટે વર્ષ-ર૦૧૭-૧૮ના સુધારેલા બજેટમાં રૂ.ર.૦૦ લાખની જોગવાઈ કરવામાં આવી હતી. આ અંગે પેન્ટ્રી અને પેઈલેટની જરૂરિયાત જણાતાં કાર્યપાલક ઈજનેર દ્વારા રૂ.૧૪,૭૬,૩૮૦ની દરખાસ્ત મળી હતી. હવે, તુલનાત્મક ભાવ મેળવવા નિવિદા બહાર પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વધુમાં, મહેસાણા જિલ્લા પંચાયત હસ્તકના શોપિંગ સેન્ટરને વિકસાવવા માટે એજન્સી નક્કી થઈ ગઈ હોવાથી ૧પ દિવસમાં દુકાનો ખાલી કરાવવા તા.૧૭-ર-ર૦૧૮ના રોજ ભાડુઆતોને પત્ર દ્વારા જાણ કરવામાં આવી હતી. આ સંદર્ભે બે દુકાનદારોનો વાંધો મળ્યો હતો જેનો નિર્ણય આ કારોબારી બેઠકમાં લેવાયો હતો.

જિલ્લા પંચાયતનો મિટિંગ હોલ નવીન બનશે

મંગળવારના રોજ જિલ્લા પંચાયતની મળેલી કારોબારી બેઠકમાં જિલ્લા પંચાયતનો મિટિંગ હોલ કે જે સાંકડો પડે છે તેને રિનોવેશન કરી પહોળો કરી નવીન બનાવવાનો નિર્ણય કરાયો હતો. તે સિવાય જિલ્લા પંચાયતમાં ઈન્ટર કોલની સુવિધા તો છે પરંતુ ટેલીકોલર માણસ ન હોવાથી આઉટસોર્સ મારફતે તેની ભરતી કરવી તેમજ પંચાયતના પદાધિકારીઓને ફાળવેલી કેબિનમાં અગત્યના ડોક્યુમેન્ટની જાળવણી માટે નવીન કબાટો વસાવવાનો પણ નિર્ણય કરાયો હતો.

ધનાલીમાં એક વર્ષ અગાઉ જ બનાવેલી ટાંકીમાંથી પાણી ટપકે છે

કડી તાલુકાના ધનાલી ગામમાં એક વર્ષ અગાઉ બનાવવામાં આવેલી પાણીની ઓવરહેડ ટાંકી લિકેજ થતાં કેટલાક ગ્રામજનોએ જિલ્લા પંચાયતમાં રજૂઆત કરી હતી. ધનાલી ગામમાં બનેલી આ ઓવરહેડ ટાંકી બબ્બે વખત રિપેરીંગ કરવામાં આવી હતી તેમ છતાં પણ આ સમસ્યા યથાવત રહેવા પામી છે. ગ્રામજનો દહેશત સેવી રહ્યા છે કે, આ ઓવરહેડ ટાંકીમાંથી પાણી લિકેજ થવાને કારણે ગમે ત્યારે ભારે નુકશાન થવાની સંભાવના છે. ગ્રામજનોએ દહેશત વ્યકત કરી છે કે, આ સમસ્યા લાંબો સમય ચાલુ રહેશે તો પાણીની આ ઓવરહેડ ટાંકી ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેમ છે. બબ્બે વખત મરામત કરવા છતાં પણ પાણીની આ ઓવરહેડ ટાંકીમાંથી પાણીનું લિકેજ બંધ થયું નથી. જેના કારણે આ ટાંકીના નિર્માણ કાર્યમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. ધનાલી ગામની આ ઓવરહેડ ટાંકીની હલકી ગુણવત્તા અંગે ગ્રામજનોએ જિલ્લા પંચાયતમાં રજૂઆત કરી હતી.