૭૦ વર્ષ બાદ મહિલાઓ યુદ્ધ મોરચા પર - Sandesh
  • Home
  • Columnist
  • ૭૦ વર્ષ બાદ મહિલાઓ યુદ્ધ મોરચા પર

૭૦ વર્ષ બાદ મહિલાઓ યુદ્ધ મોરચા પર

 | 12:38 am IST

રેડ રોઝ  :- દેવેન્દ્ર પટેલ

જો તમે ઈઝરાયેલ ગયા હોવ તો જેરૂસલેમના રાજમાર્ગોનાં બસ સ્ટોપ પર હાથમાં એસોલ્ટ રાઈફલ સાથે મિલિટરી ગણવેશમાં સજ્જ કોલેજમાં ભણતી યુવતીઓ જોવા મળશે. તેમના સુંદર ચહેરા પર લશ્કરી શિસ્ત પણ દેખાશે. ઈઝરાયેલમાં દરેક યુવક અને યુવતી માટે લશ્કરી તાલીમ ફરજિયાત છે. ઈઝરાયેલમાં સ્ત્રીને અબળા કે નિર્બળ ગણવામાં આવતી નથી.

હવે ભારતીય સેના પણ એક મોટા બદલાવની તૈયારી કરી રહી છે. ટૂંક સમયમાં મહિલા સૈનિકોને યુદ્ધના મેદાનમાં મોકલવા તૈયારીઓ થઈ રહી છે. આ નિર્ણય પર ભારતીય લશ્કરના વડાના દસ્તખત થઈ ચૂક્યા છે.

ભારતીય વાયુસેનામાં અત્યાર સુધીમાં ૧૩૦૦ મહિલા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. તેમાંથી મોટા ભાગની મહિલા અધિકારીઓ જમીન પરની કામગીરી સંભાળે છે, પરંતુ હવે પહેલી જ વાર ત્રણ મહિલાઓ એરફોર્સનાં યુદ્ધ વિમાનોની પાયલટ બની છે. તેમાં (૧) અવની ચતુર્વેદી (૨) ભાવનાકાંત અને (૩) મોહના સિંહનો સમાવેશ થાય છે.

અત્રે એ નોંધવું જરૂરી છે કે ભારતીય લશ્કર હવે ૭૦થી વધુ વર્ષનું થઈ ચૂક્યું છે. ૧૯૪૯માં અંગ્રેજો પાસેથી જનરલ કે.એમ. કરિઅપ્પાએ ભારતીય લશ્કરનું સુકાન સંભાળ્યું હતું.

હવે મહિલા સૈનિકોને યુદ્ધના મોરચે-સરહદ પર પણ મોકલવાના નિર્ણય થયા છે. તે પછી દર વર્ષે પર મહિલા સૈનિકોને લશ્કરમાં સામેલ કરવામાં આવશે. મહિલા કર્મચારીઓને કાશ્મીરની ખીણમાં તૈનાત કરવામાં આવી શકે છે. કાશ્મીરમાં ઓપરેશન દરમિયાન કેટલીયે વાર આતંકીઓ મહિલાઓને ઢાલ બનાવી સામે આવતા હોય છે. આવી પરિસ્થિતિનો સામનો કરવા માટે આર્મી પોલીસમાં મહિલાઓની ભરતી જરૂરી બની ગઈ છે.

મિલિટરી પોલીસમાં ભરતી થનારી મહિલા સૈનિકોને પુરુષ સૈનિકોની જેમ જ ૬૨ અઠવાડિયાં સુધી તાલીમ આપવામાં આવશે. તેની ભરતી પ્રક્રિયા આ વર્ષથી જ શરૂ થશે.

અત્યારે ભારતીય લશ્કરમાં મહિલાઓ માત્ર અફસર જ બની શકે છે. જો કે અર્ધસૈનિક દળોમાં મહિલા જવાનોની ભરતી થાય છે. નોંધપાત્ર વાત એ છે કે ભારતીય લશ્કરના તબીબી વિભાગમાં મહિલાઓનો દબદબો છે. ભારતીય સેનામાં કુલ ૫૬૬૦ મહિલા અધિકારીઓ છે. તેમાંથી ૪૨૨૪ મહિલા અધિકારી મેડિકલ ક્ષેત્રમાં છે. જ્યારે ૧૪૩૬ અધિકારી અન્ય શાખાઓમાં છે. નેવીમાં ૮૧૯ મહિલા અધિકારી છે. ૪૦૬ મહિલા અધિકારી મેડિકલ અને નર્સિંગમાં છે. ૪૧૩ અન્ય વિભાગોમાં છે. વાયુસેનામાં મહિલા અધિકારીઓની સંખ્યા ૧૮૭૧ છે તેમાંથી ૫૪૩ મેડિકલ નર્સિંગ બ્રાંચમાં છે. એ સિવાય ૧૩૨૮ મહિલા અધિકારીઓ કાનૂની શૈક્ષણિક, સિગ્નલ અને ઈજનેરી જેવી શાખાઓમાં કામ કરે છે.

ભારતીય સેનામાં કુલ ૧૩ લાખ જવાન છે, જેમાંથી ૩૭ હજાર પુરુષ અધિકારી છે. મહિલા અધિકારીઓની સંખ્યા માત્ર ૧૩૦૦ની છે. અર્થાત્ ભારતીય લશ્કરમાં દર ૫૮ પુરુષ અધિકારીની તુલનામાં માત્ર એક મહિલા અધિકારી છે.

પરંતુ હવે તે બધામાં ભારે મોટું પરિવર્તન આવી રહ્યું છે. માત્ર ભૂમિ પર જ નહીં, પરંતુ જળ અને વાયુ સેનામાં પણ દેશની દીકરીઓ મોરચો સંભાળશે તે દેશ માટે ગૌરવની વાત છે.

કેરળ સ્થિત ઈન્ડિયન નેવલ એકડેમીની પાસિંગ આઉટ પરેડમાં સામેલ શુભાંગી સ્વરૂપને એક મહિલા પાયલટ તરીકેનું પરમેનેન્ટ કમિશન મળ્યું. હિન્દ મહાસાગરમાં ચીનની ગતિવિધિઓ પર નજર રાખવા માટે મહિલા પાયલટનો ઉપયોગ કરવામાં આવી શકે છે. કહેવાય છે કે યુદ્ધ જહાજો પર પણ હવે ટૂંકમાં મહિલાઓને મોકલવામાં આવશે. નેવી આ માટેની તૈયારી કરી રહી છે.

ભારતીય લશ્કરમાં તો હવે મહિલાઓને મોરચા પર મોકલવાની તૈયારીઓ થઈ રહી છે, પરંતુ અર્ધસૈનિક દળોમાં તો મહિલાઓ પહેલેથી જ સીમા પર તૈનાત છે. સીમા સુરક્ષા બળના ઈતિહાસમાં પર વર્ષ બાદ મહિલા અધિકારી તનુશ્રી પારીકે ભારત-પાક આંતરરાષ્ટ્રીય સરહદ પર દેશની સુરક્ષાની કમાન સંભાળી લીધી છે. રાજસ્થાનમાં જન્મેલી તનુશ્રી ૨૫ માર્ચ ૨૦૧૭ના રોજ બીએસએફમાં એક મહિલા અધિકારી તરીકે સામેલ થઈ હતી. તેમણે બીએસએફ એકડેમીમાં અધિકારીઓની ૪૦મી બેચમાં સહાયક કમાન્ડરનું પ્રશિક્ષણ પર અઠવાડિયામાં પૂરું કરી દીધું હતું. તનુશ્રીની નિમણૂક થઈ. હવે મહિલા કોન્સ્ટેબલોની કેટલીયે સમસ્યાઓ દૂર થઈ જશે જે તકલીફો તેઓ પુરુષ અધિકારીઓ સામે કહી શક્તી નથી.

હવે જો વિદેશો સાથે સરખામણી કરવામાં આવે તો ભારતીય સેનામાં મહિલાઓનું પ્રમાણ ઓછું રહ્યું છે. ઈઝરાયેલનાં લશ્કરમાં ૩૩ ટકા, અમેરિકામાં ૨૦ ટકા, કેનેડામાં ૧૩ ટકા, બ્રિટનમાં ૯.૧ ટકા અને ભારતમાં લશ્કરની સંખ્યામાં માત્ર ૩ ટકા જ મહિલાઓ છે.

વિશ્વના જુજ દેશોમાં જ મહિલાઓને યુદ્ધના મેદાનમાં મોકલવામાં આવે છે. તેમાં જર્મની, બ્રિટન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ડેન્માર્ક, ફીનલેન્ડ, ફ્રાંસ, નોર્વે, સ્વિડન અને ઈઝરાયેલનો સમાવેશ થાય છે. સંખ્યાબળની દ્રષ્ટિએ વિશ્વનું સહુથી મોટું લશ્કર ચીન પાસે છે ચીન પાસે ૨૩ લાખ ૩૩ હજાર સૈનિકો છે. તે પછી અમેરિકા આવે છે. અમેરિકા પાસે ૧૪ લાખ ૯૨ હજાર સૈનિકો છે. ભારત પાસે ૧૩ લાખ ૨૫ હજાર સૈનિકો છે. ઉત્તર કોરિયા પાસે ૧૧ લાખ ૯૦ હજાર, રશિયા પાસે ૮ લાખ ૪૫ હજાર, પાકિસ્તાન પાસે ૬ લાખ ૪૩ હજાર, દક્ષિણ કોરિયા પાસે ૬ લાખ ૩૦ હજાર, ઈરાન પાસે ૫ લાખ ૨૩ હજાર, તુર્કી પાસે ૫ લાખ ૨૩ હાજર અને વિયેતનામ પાસે ૪ લાખ ૮૨ હજાર સૈનિકો છે.

ભારત માટે ગૌરવની વાત એ છે કે આઝાદી બાદ નિર્મલા સીતારમણ દેશના પહેલાં પૂર્ણકાલીન મહિલા રક્ષામંત્રી છે. તેમની પહેલાં એ વખતનાં વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીએ બે વખત તા.૧ ડિસેમ્બરથી ૨૧મી ડિસેમ્બર ૧૯૭૫ સુધી તથા ૧૪મી જાન્યુઆરી ૧૯૮૦થી ૧૫ જાન્યુઆરી ૧૯૮૨ સુધી સંરક્ષણ મંત્રી પદ પણ સંભાળ્યું હતું.

www.devendrapatel.in

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન