72 Hours Pulwama attack: All Steps Modi government has taken
  • Home
  • Featured
  • પુલવામા હુમલાના 72 કલાક પૂરા, અત્યાર સુધીમાં મોદી સરકારે ઉઠાવ્યા આ પગલાં

પુલવામા હુમલાના 72 કલાક પૂરા, અત્યાર સુધીમાં મોદી સરકારે ઉઠાવ્યા આ પગલાં

 | 1:05 pm IST

પુલવામામાં આતંકી હુમલાના 72 કલાકની અંદર ભારતે પાકિસ્તાનની ધરતી પર ફૂલ્યા-ફાલી રહેલા આતંકના વેપારને બેનકાબ કરી દીધો છે. પાકિસ્તાનમાં મૌલાના મસૂદ અઝહર જેવા ખૂંખાર આતંકી ખુલ્લામાં ફરી રહ્યા છે. આતંકવાદની વિરૂદ્ધ આ લડાઈમાં ભારતને વૈશ્વિક સ્તરથી સમર્થન મળી રહ્યું છે. પહેલાં જ આર્થિક મોર્ચા પર ધ્વસ્ત પાકિસ્તાન વૈશ્વિક સ્તર પર એકલું પાડવા માટે ભારતે વ્યાપક સ્તર પર કૂટનીતિક કોશિષોને તેજ કરી દીધી છે. પુલવામાના હુમલાખોરના માસ્ટરમાઇન્ડ સહિતના બે આતંકીઓને ઠાર કરી દેવાયા છે. 

P5 દેશો સાથે વાતચીત અને પાકિસ્તાનને એકલું પાડવાની કોશિષ
પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ દ્વારા પુલવામાં આતંકી હુમલાની જવાબદારી લીધા બાદ ભારતે 25 દેશોની સાથે બેઠક કરી. તેમાં P5 રાષ્ટ્ર અમેરિકા, ચીન, રૂસ, બ્રિટેન અને ફ્રાન્સ પણ સામેલ હતું. આ દેશોને ભારતે આતંકી હુમલાની માહિતી આપી દીધી અને કહ્યું કે આતંકી ગતિવિધિઓ પાકિસ્તાનની નીતિનો હિસ્સો છે. વિદેશ સચિવ વિજય ગોખલે એ તમામ દેશોના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી અને સ્થિતિ અંગે જણાવ્યું. ભારતે દુનિયાના દેશોને કહ્યું કે આતંકવાદ પાકિસ્તાનની ‘સ્ટેટ પોલિસી’નો ભાગ છે. વિદેશ મંત્રાલય પુલવામા આતંકી હુમલામાં પાકિસ્તાનની ભૂમિકાને બેનકાબ કરતું રહેશે અને પાકિસ્તાનમાં આશ્રિત જૈશ-એ-મોહમ્મદના અઝહર મસૂદની વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરશે.

– આતંકી હુમલાને બ્રિટન, ફ્રાન્સ, રૂસ દ્વારા નિંદા કરાઇ આ સિવાય અમેરિકાએ પાકિસ્તાનને કઠઘરામાં ઉભું કરી દીધું અને કહ્યું કે અમેરિકા ભારતની સાથે આતંકવાદ વિરૂદ્ધની જંગમાં સાથે ઉભું છે. આ દરમ્યાન જૈશના અઝહર મસૂદનો બચાવ કરનાર ચીન ચૂપચાપ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ એશિયામાં ચીન પાકિસ્તાનનો અત્યારે સૌથી નજીકનો દેશ છે.

પાકિસ્તાનનો હટી ગયો MNF દરજ્જો અને નિકાસ પર 200% ડ્યૂટી
પાકિસ્તાન સમર્થિત પુલવામા આતંકી હુમલા બાદ શુક્રવારના રોજ નાણાંમંત્રી અરૂણ જેટલીએ પાકિસ્તાનની આર્થિક ગતિવિધિને પાંગળી બનાવા માટે તરત કાર્યવાહી અમલમાં મૂકી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે સુરક્ષા બાબતોની કેબિનેટ કમિટીની બેઠકમાં ભારતે પાકિસ્તાનને 1996થી આપેલ મોસ્ટ ફેવર્ડ નેશન (MNF)નો દરજ્જો છીનવી લીધો. બેઠક બાદ જેટલીએ કહ્યું કે ભારત પાકિસ્તાનને દુનિયામાં એકલું પાડીને જ જપશે. આ સિવાય ભારતે પાકિસ્તાનથી આયાત થનારી તમામ પ્રોડક્ટસ પર 200 ટકા કસ્ટમ ડ્યૂટી નાંખી દીધી છે.

કાશ્મીરના અલગતાવાદી નેતાઓની સુરક્ષા હટાવી દીધી
શહાદતથી દેશભરમાં ઉભો થયેલો આક્રોશ જોતા સરકારે અલગતાવાદી નેતાઓને આપેલી સુરક્ષા પાછી ખેંચી લીધી છે, તેમાં ઓલ પાર્ટીઝ હુર્રિયત કોન્ફરન્સ (APHC)ના ચેરમેન મીરવાઇઝ ઉમર ફારૂક, શબ્બીર શાહ, હાશિમ કુરૈશી, બિલાલ લોન, ફઝલ હક કુરેશી અને અબ્દુલ ગની બટ સામેલ છે. અધિકારીઓએ રવિવારના રોજ કહ્યું કે આ 6 નેતાઓ અને બીજા અલગતાવાદીઓને કોઇપણ પ્રકારનું સુરક્ષા કવચ મળશે નહીં. ઑર્ડર પ્રમાણે રવિવાર સાંજે જ અલગતાવાદીઓને મળેલ તમામ સુરક્ષા અને ગાડીઓને હટાવી લેવાઇ. કોઇપણ પ્રકારની આ છ નેતાઓને કે બીજા કોઇપણ અલગતાવાદીઓને કોઇ કવર કે સુરક્ષાબળ ઉપલબ્ધ થશે નહીં. જો તેમને સરકાર દ્વારા કોઇ બીજી સુવિધાઓ મળી રહી છે તો તે પણ તત્કાલ હટાવી લેવાશે.

આંસુઓના એક-એક ટીપાનો બદલો લેશે ભારત
આતંકી હુમલા બાદ વડાપ્રધાન મોદીએ તાબડતોડ કેટલીય બેઠકો બોલાવી. તેમણે લોકોને સંબોધિત કરતાં કહ્યું કે ભારત પોતાના શહીદ સૈનિકોને લઇ ખૂબ જ દુખી છે. પરંતુ સુરક્ષાબળોને છૂટો દોર આપી દેવાયો છે. જેમણે આ હરકત કરી છે તેમને સજા ભોગવવી પડશે. મહારાષ્ટ્રમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આ સમયે શોક મનાવાનો અને સંવેદનશીલતા દેખાડવાનો છે. હું દરેક પરિવારને વિશ્વાસ અપાવા માંગું છું કે આપના આંસુઓનો પૂરેપૂરો જવાબ લેવાશે.

ભારત સરકારની સાથે ઉભું થયું વિપક્ષી દળ
જવાનો પર થયેલા હુમલાની વિરૂદ્ધ એકતાને દર્શાવતા તમામ રાજકીય પક્ષો એ એક સૂરમાં કેન્દ્ર સરકારને કાર્યવાહી કરવાનું આહ્વાન કર્યું છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિપક્ષી દળો એ પાકિસ્તાનની વિરૂદ્ધ કાર્યવાહીમાં પૂરો સાથ આપવાનું કહ્યું છે. મીડિયાને સંબોધિત કરતાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતના તમામ રાજકીય પક્ષ એકજૂથ છે. આ કાયરતાભર્યા હુમલાનો જવાબ આપવો જોઇએ. કોંગ્રેસ સિવાય ટીએમસી પ્રમુખ મમતા બેનર્જી, આપના નેતા અરવિંદ કેજરીવાલ, ટીડીપી પ્રમુખ ચંદ્રબાબુ નાયડુ, નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂખ અબ્દુલ્લા, શિવસેના અને તમામ બીજા રાજકીય પક્ષોએ હુમલાની નિંદા કરી અને દેશને એકજૂથ થવાનું આહ્વાન કર્યું.

14મીએ આતંકવાદીઓએ CRPFના જવાનોને બનાવ્યા નિશાન
14મી ફેબ્રુઆરીના રોજ સીઆરપીએફના કાફલા પર આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકી અદિલ અહમદ ડારે ફિદાયીન હુમલો કર્યો હતો. જમ્મુ-કાશ્મીર હાઇવે પર આદિલે વિસ્ફોટક ભરેલી ગાડીને સુરક્ષાબળોની બસ સામે ટક્કર મારી દીધી હતી. આ આત્મઘાતી હુમલામાં 40 જવાન શહીદ થયા જ્યારે કેટલાંય ઘાયલ થયા. સુરક્ષાબળોના કાફલામાં 87 બસો હતી,જેમાં 2500 પેરામિલિટ્રીના જવાન જમ્મુથી કાશ્મીર જઇ રહ્યા હતા. તેમાંથી મોટાભાગના રજા બાદ પોતાની ડ્યુટી જોઇન કરવા જઇ રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન