૮મીના મહિલા દિને જન્મનાર બાળકીને અપાશે ખાસ ગિફ્ટ - Sandesh
  • Home
  • Ahmedabad
  • ૮મીના મહિલા દિને જન્મનાર બાળકીને અપાશે ખાસ ગિફ્ટ

૮મીના મહિલા દિને જન્મનાર બાળકીને અપાશે ખાસ ગિફ્ટ

 | 11:31 am IST

ગુજરાતમાં લગભગ ૧૫ વર્ષથી ચાલતી ‘બેટી બચાવો’ ઝુંબેશ છતાંય જાતિનો રેશિયો યાને જન્મ સમયે ૧,૦૦૦ છોકરાઓ સામે છોકરીઓનું પ્રમાણ ૯૧૧થી ચિંતાજનક રીતે ઘટતું ઘટતું ૮૪૮ ઉપર પહોંચ્યું હોઈ ગુજરાત સરકારે ૮મી માર્ચનો વિશ્વ મહિલા દિન આ વિષય આધારિત ઊજવવા ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. ત્રણ પ્રકાર લોકજાગૃતિના કાર્યક્રમો મોટા પાયે રાજ્યભરમાં ઊજવવાનું નક્કી થયું છે, જેમાં ૭મી માર્ચના રાત્રીના ૧૧:૫૯ વાગ્યા પછીની મિનિટથી ૮મી રાત્રીના ૧૧:૫૯ વાગ્યા દરમિયાન જન્મ લેનારી દરેક બાળકીનું ગુલાબના ફૂલથી સ્વાગત કરી તેના મા-બાપને બેબી કિટ, શુદ્ધ ઘીની મીઠાઈનો ડબ્બો તથા ૫ ગ્રામનો ચાંદીનો સિક્કો ભેટ આપવામાં આવશે. આઠમીએ રાજ્યભરમાં રેલીનું આયોજન થશે તેમજ બપોરે ૨થી ૪ વાગ્યા સુધી પાટનગરમાં મહાત્મા મંદિર ખાતે રાજ્યકક્ષાના સેમિનાર સાથે દરેક જિલ્લામાં લોકજાગૃતિ શિબિરો યોજવામાં આવશે.

રાજ્યના ગ્રામ વિકાસ સચિવ મોના ખંધાર, આરોગ્ય કમિશનર ડો. જયંતી રવિ તથા મહિલા અને બાળકલ્યાણ વિભાગનો ચાર્જ સંભાળતા સચિવ મિલિન્દ તોરવણે દ્વારા મંગળવારે ગાંધીનગરમાં પત્રકાર પરિષદ યોજી આ જાહેરાત કરાઈ હતી.

ગ્રામ વિકાસ સચિવે એવું પણ જાહેર કર્યું હતું કે, કેન્દ્ર સરકારની આજીવિકા ગ્રામીણ એક્સ્પ્રેસ યોજના તળે રાજ્યના પંચમહાલ જિલ્લાના અતિપછાત ઘોઘંબા તાલુકામાં ટોકન સ્વરૂપે ૭ બહેનોને ટેક્સી ચલાવવા વાહન પૂરું પાડવામાં આવશે.

રાજ્યના જન્મ સમયે છોકરાઓ સામે છોકરીઓનું પ્રમાણ વધે એ દિશામાં સામાજિક બદલાવ માટે સામૂહિક પ્રયાસો જરૂરી છે અને મા-બાપોએ એક નહીં પણ બે બાળકો પેદા કરવાનું વલણ અપનાવવું અતિ જરૂરી છે, તેમ ઉલ્લેખી આરોગ્ય કમિશનરે એમ પણ જણાવ્યું હતું કે, આઠમીએ જન્મ લેનાર બાળકીને વધાવવા માટેના કાર્યક્રમમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા સોલા સિવિલ હોસ્પિટલ ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહેશે.