8 મહિના પહેલાં આ મહિલાને ના છોડાવી હોત તો આજે ભાનુશાળી જીવતા હોત - Sandesh
  • Home
  • Ahmedabad
  • 8 મહિના પહેલાં આ મહિલાને ના છોડાવી હોત તો આજે ભાનુશાળી જીવતા હોત

8 મહિના પહેલાં આ મહિલાને ના છોડાવી હોત તો આજે ભાનુશાળી જીવતા હોત

 | 6:40 am IST

। અમદાવાદ ।

પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીને મનીષા અને તેના સાગરીતો સતત બ્લેકમેઈલિંગ કરતાં ક્રાઈમ બ્રાંચે આઠ માસ પહેલાં તેમણે ઝડપી લીધા હતા. ત્યારે મનીષા અને તેના સાગરીતોએ બે સેક્સસીડીઓ લીક કરી દીધી હતી. બીજી વધુ સીડીઓ લીક ન થાય તે માટે ક્રાઈમ બ્રાંચમાં સમાધાન થયું હતું. જો આ સમાધાન ન થયું હોત તો આ ગેંગ આખી જેલમાં હોત અને આજે જયંતી ભાનુશાળીની હત્યા થઈ નહોત. આ ગેંગ જ્યારે પકડાઈ ત્યારે તેમની પાસે બે દેશી તમંચા પણ હતા. એટલે આ ગેંગ કેટલી ખતરનાક હતી તેનો અંદાજો આવી શકે છે. આમ, ત્યાર પછી જયંતી ભાનુશાળીનું બ્લેકમેઈલિંગ ચાલુ રહેતાં તેના ભત્રીજાએ મનીષા સહિત અન્ય સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે મનીષા સહિત અન્યોની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી જ જયંતી ભાનુશાળીનું કાસળ કાઢવાનો પ્લાન ઘડવામાં આવતો હતો.

એસઆઈટીમાં ભાગલા પડતાં ખેંચતાણ શરૂ થઈ

એસઆઈટીમાં સામેલ એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચ એમ બે એજન્સીઓ અલગ-અલગ રીતે તપાસ કરીને રહી છે.જેના લીધે તપાસ એજન્સીઓમાં ખેંચતાણ ચાલુ થઈ ગઈ છે. બીજી તરફ સત્તાધારી પક્ષના કદાવાર નેતાની હત્યા થઈ હોવા છતા અત્યાર સુધી શું તપાસ કરી તેની માહીતી કેમ મિડીયાને આપવામાં આવતી નથી તે પણ પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે. એસઆઈટીએ સયાજીનગરી ટ્રેનમાં જયંતી ભાનુશાળી બેઠા અને ટ્રેનમાં હત્યા થયાની જાણ થઈ ત્યાંના સીસીટીવી ફૂટેજ મેળવીને તેનું એફએસએલના નિષ્ણાતોની મદદથી બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યુ છે. એસઆઈટી દ્વારા અત્યાર સુધીમાં ૧૦૭ થી વધુ લોકોનાં નિવેદનો લેવામાં આવ્યાં છે. એટલું જ નહીં પરંતુ એસઆઈટીના ઉચ્ચ પોલીસ અધિકારીઓ વડાપ્રધાન અને વાઈબ્રન્ટના બંદોબસ્તમાં વ્યસ્ત થઈ ગયા છે. જેથી તપાસમાં વિલંબ થઈ રહ્યો છે.

સેક્સકાંડ નલિયાથી બહાર આવ્યું

નલિયાના સેકસકાંડથી કચ્છ-ભુજના રાજકારણીઓના નામો બહાર આવ્યા હતા. સરકારે નલિયાકાંડની તપાસ માટે જસ્ટીસ એ.એલ.દવે તપાસ પંચની રચના કરી હતી. આ તપાસ પંચની ઓફિસ ત્રણ માસ ફાળવવામાં આવી હતી. નલિયાકાંડમાં ભોગ બનેલી યુવતી કોર્ટમાં નાટકીય ઢબે હોસ્ટાઈલ થઈ ગયા બાદ પણ તપાસ પંચ ચાલુ રહેવા પામ્યુ હતુ. સરકારે નલિયાકાંડ તપાસ પંચની રચના કરી ત્યારે ત્રણ માસમાં તપાસ પુરી કરવા માટે જણાવ્યુ હતુ પરંતુ ત્રણ માસ બાદ ઓફિસ ફાળવી આપી હતી. એક પછી એક રાજકારણીઓની સેકસકાંડ બહાર આવ્યા હતા. પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી સામે દુષ્કર્મની ફરિયાદ થઈ હતી. પછી તુરત પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ સામે દુષ્કર્મની ફરિયાદ થઈ હતી.

મનીષા પાસે હજુ રાજકારણીઓની ૩૦થી પણ વધારે સેક્સ-સીડી છે

મનીષા ગોસ્વામી પાસે પડેલી રાજકારણીઓની સેક્સ-સીડીઓ શોધવા માટે એટીએસ અને ક્રાઈમ બ્રાંચના એક ડઝનથી વધુ અધિકારીઓએ અમદાવાદ, ભુજ, વાપી અને સુરતમાં જુદી-જુદી જગ્યાએ ખાનગીમાં તપાસ હાથ ધરી હતી. જો કે, હજુ સુધી એક પણ સેકસ-સીડી મળી આવી નથી. બીજી તરફ મનીષા સાથે સપર્ક ધરાવનારાઓની પોલીસે તપાસ હાથ ધરી છે. આ સીડીઓ મળે પછી જ આરોપીઓની ધરપકડ થયાની જાહેરાત કરવા માટે કહેવામાં આવ્યું છે.

બીજી તરફ મનીષા ગોસ્વામીને ગત વર્ષે નરોડા પોલીસ સ્ટેશનમાં ધરપકડ કરાઈ હતી જેમાં તેને આપેલા નિવેદનની કોપી મેળવી છે. જેમાં મનીષાની જન્મકુંડળી હોવાથી તે દિશામાં પણ ATS અને ક્રાઈમ બ્રાન્ચ ખાનગીમાં તપાસ ચલાવી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, મનીષા પાસે રાજકારણીઓની ૩૦થી વધુ સેકસ-સીડીઓ છે. આ સેકસ-સીડીઓ કોઈપણ ભોગે કબજે કરવી જરૂરી છે.

એટીએસ અને ક્રાઈમ બ્રાંચે લીડ લીધી 

જયંતી ભાનુશાળીની હત્યાનો ભેદ ઉકેલવા માટે સાતથી વધુ પોલીસની એજન્સીઓ કામે લાગી છે પરંતુ હજુ કશું ઉકાળી શકી નથી. વધુમાં કહેવાયું છે કે, હાલ આ કેસની લગતી માહીતી બીજા કોઈની પાસે જાય નહીં તેની ખાસ તકેદારી રાખવી. આ કેસમાં એટીએસ અને ક્રાઈમ બ્રાંચ તપાસની લીડ લેશે. જેમાં અન્ય એજન્સીઓએ તપાસમાં સહયોગ આપવો તેમ મૌખિક સૂચના આપવામાં આવી હોવાનુ સુત્રોએ જણાવી રહ્યા છે.એટીએસ અને ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ તપાસમાં એકબીજાને આપ-લે કરે છે પરંતુ સીઆઈડી ક્રાઈમ, રાજકોટ રેલવે અને ગાંધીધામ પોલીસને તપાસથી દૂર રાખવામાં આવી રહી છે.

૨૫,૦૦૦ થી વધુ મોબાઈલની તપાસ કરવામાં આવી

ગુજરાત એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચના ટેક્નિકલ સર્વેલન્સ દ્વારા અત્યાર સુધીમાં ૨૫૦૦૦થી વધુ મોબાઈલ ફોનની તપાસ કરવામાં આવી હતી.જેમાં જયંતી ભાનુશાળીની હત્યા કેટલા વાગ્યે થઈ હતી ? તેનો સમય મેળવવામાં આવ્યો હતો. હત્યાના સમયગાળા વખતે કેટલા મોબાઈલ ચાલુ હતા ? તેની માહિતી મેળવામાં આવી હતી. તેના આધારે કેટલાક શકમંદોને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને એટીએસ ઉપાડી લાવી હતી.જેમાં બે શકમંદોની પોલીસે અટકાયત કરી હતી.જેઓ હત્યામાં સામેલ હોવાનું આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળે છે. આ બે શકમંદો કોની-કોની સાથે સપર્કમાં હતા તેની ટેકનીકલ સર્વેલન્સ દ્વારા તપાસ કરીને એક પછી એકને તપાસમાં એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચ બોલાવી રહી છે.

ધમકી મામલે એસઆઇટી નિવેદન ક્યારે નોંધશે ?

જયંતી ભાનુશાળીના પરિવારના સભ્યોને ધમકીઓ મળતા પોલીસની નિષ્ફળતા છતી થઇ રહી છે. શહેર પોલીસ કમિશનરને જાણ કરી હતી અને નરોડા પોલીસને સુચના આપતા જયંતી ભાનુશાળીના મકાન પર હથિયાર ધારી પોલીસ મુકી દેવામાં આવ્યા છે. એક પીસીઆર વાન પણ તેમના ઘર નજીક તૈનાત રાખવામાં આવી છે. આ અંગે એક અધિકારીએ જણાવ્યું હતું કે, ભાનુસાળીના ભત્રીજા સુનીલની અરજી આધારે તેને બંદોબસ્ત ફાળવાયો છે પરંતુ તેના નિવેદનો કે અન્ય કંઇ જવાબ લેવાની જરૂર નથી હાલના સંજોગો અનુસાર તેમને નુકસાન ન થાય તે જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન