૮૦% નિકાસકારોનું GST રિફંડ ૭ માસથી પેન્ડિંગ - Sandesh
  • Home
  • Business
  • ૮૦% નિકાસકારોનું GST રિફંડ ૭ માસથી પેન્ડિંગ

૮૦% નિકાસકારોનું GST રિફંડ ૭ માસથી પેન્ડિંગ

 | 2:55 am IST

નવી દિલ્હી, તા.૮

દેશના ૮૦ ટકા નિકાસકારોનું જીએસટી રિફંડ છેલ્લા સાત મહિનાથી પેન્ડિંગ છે. નાના નિકાસકારોની સમસ્યા એટલી છે કે તેઓ નવા ઓર્ડર લઇ નથી રહ્યા કેમ કે તેમની પાસે ઓર્ડર પૂરા કરવા માટે રોકડ રકમ નથી. જીએસટી સિસ્ટમમાં નિકાસકારો પહેલા ટેક્સ ચૂકવે છે અને ત્યારબાદ રિફંડ માટે દાવો કરે છે. છેલ્લાં સાત મહિનામાં રિફંડ નહીં મળવાને પરિણામે તેમની કાર્યકારી મૂડીની સમસ્યા વકરી ગઇ છે.

ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સ્પોર્ટ ઓર્ગેનાઇઝેશન (ફિઓ)ના ડીજી અને સીઇઓ અજય સહાયે જણાવ્યું હતું કે જીએસટીના અમલથી રોકડ પ્રવાહની સમસ્યા સર્જાઇ છે અને તેને કારણે નિકાસકારો નવા ઓર્ડર રદ કરી રહ્યા છે. નાની અને મધ્યમ કંપનીઓ માટે ભંડોળની સમસ્યાને કારણે તેમણે કર્મચારીઓની સંખ્યા પણ ઘટાડવી પડી છે.

જીએસટી પહેલા નિકાસકારોને ડયૂટીમાં છૂટ મળતી હતી પરંતુ જીએસટી આવ્યા બાદ હવે તેમણે પહેલા ટેક્સ ભરવો પડે છે અને ત્યાર બાદ ચૂકવેલા ટેક્સ માટે રિફંડનો દાવો કરવો પડે છે. ફિઓના જણાવ્યા અનુસાર સરકાર પાસે નિકાસકારોની કુલ રૂ.૧.૮૫ લાખ કરોડની રકમ અટકી ગઇ છે.  સહાયે જણાવ્યું હતું કે નિકાસકારો પાસેથી મળેલી માહિતી અનુસાર આજની તારીખમાં ૮૦ ટકા રિફંડ પેન્ડિંગ છે અને ટેક્સ ઓથોરિટી દ્વારા ઇન્પુટ ટેક્સ ક્રેડિટ માટે અરજીઓ પણ સ્વીકારાતી નથી.

એશિયન હેન્ડિક્રાફ્ટ પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન રાજકુમાર મલ્હોત્રાએ જણાવ્યું હતું કે નિકાસકારોને ગયા જુલાઇથી રિફંડ મળ્યું નથી. નિકાસકારોની રકમ સરકાર પાસે અટકેલી છે.

;