9 Pm 9 Minutes It Seems That Diwali In India As Indians Show Solidarity Against Corona Through Diya-Candles
  • Home
  • Corona live
  • PM મોદીની એક જ હાકલે 9ના ટકોરે જ સવા સો કરોડ ભારતીયો કોરોનાને આપી દીધી ‘મ્હાત’

PM મોદીની એક જ હાકલે 9ના ટકોરે જ સવા સો કરોડ ભારતીયો કોરોનાને આપી દીધી ‘મ્હાત’

 | 10:04 pm IST

કોરોના વાયરસ વિરૂદ્ધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બીજી એક અપીલને દેશના સવાસો કરોડ લોકોએ શબ્દશ: ઝીલી લીધી હતી. વડાપ્રધાનની અપીલ પર કોરોના વાયરસને મ્હાત અપાવા આજે રાત્રે બરાબર 9 વાગ્યાના ટકોરે દેશ આખામાં લાઈટો બંધ થઈ ગઈ હતી અને લોકોએ ઘરમાં અને ઘરની બાલ્કનીઓમાં આવીને દિવડા, મિણબત્તી, ટોર્ચ તેમજ મોબાઈલની લાઈટ સળગાવીને 9 મીનીટ સુધી અંધકાર કરી દીધો હતો.

આમ કરીને દેશના લોકોએ કોરોનાની આ મહામારીમાં પણ દેશવાસીઓ એકજુથ હોવાનો સંદેશ પાઠવ્યો હતો. જોકે આ દરમિયાન કેટલીક ઠેકાણે ફટાકડા પણ ફૂટ્યા હતાં. તો શંખનાદ પણ થયો હતો. તો કેટલીક જગ્યાએ દેશભક્તિના ગીતો વગાડીને લોકોનો ઉત્સાહ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કેટલાક લોકોએ તો ભારત માતા કી જયના નારા પણ લગાવ્યા હતાં.

કોરોના નામના જીવલેણ વાયરસના કારણે ઉભી થયેલી ભયંકર મહામારી વચ્ચે પણ જાણે ભારતવાસીઓએ નિડરતા અને એકજુથતા દાખવી દુનિયાને અદભુત અને સકારાત્મક સંકેત આપ્યો હતો. આજે જાણે દિવાળીનો તહેવાર હોય તેવો અદભુદ નજારો દેશભરમાં જોવા મળ્યો હતો. સૌથી નોંધપાત્ર એ છે કે, કોરોના વાયરસને લઈને જાહેર કરવામાં આવેલા 21 દિવસના લોકડાઉન વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી ઘરમાં જ રહેલા લોકોએ પોતાનું મનોબળ સહેજ પણ ડગમગાવ્યુ નથી અને હિંમતનો પરચો દેખાડ્યો હતો.

વડાપ્રધાન મોદીએ 5 એપ્રિલના રોજ સમગ્ર દેશવાસીઓને 9 વાગ્યે અને 9 મીનિટે પોતાના ઘરની લાઈટો બંધ કરી બાલ્કનીમાં આવી દીવડા, મીણબતી અને મોબાઈલની ફ્લેશ લાઈટ અથવા ટોર્ચ ચાલુ કરવા આહ્વાન કર્યું હતું. જ્યોતિષશાસ્ત્ર મુજબ આ તમામનું જ્યોતિષમાં પણ અનેરુ મહત્વ છે.

પીએમ મોદીની આ અપીલને દેશવાસીઓનીએ સાથો સાથ મોદી સરકારના મંત્રીઓએ આવકારી હતી. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સત્તાવાર નિવાસસ્થાન પર દિપ પ્રગટાવ્યો હતો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનમાં પરિવારના સભ્યો સાથે દિવદા પ્રગટાવ્યા હતાં. તો સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ઘરે જ દિપ પ્રાગટ્ય કરી જુસ્સો વધાર્યો હતો. તો ગૃહમંત્રી અમિત શાહે દિપ પ્રાગટ્ય કર્યુ હતું. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ પણ પોતાના નિવાસ સ્થાને પરિવાર સાથે દિપ પ્રાગટાવ્યા હતાં.

ઉપરાષ્ટ્રપતિએ કોરોનાની સામે જંગ જીતવા માટે વડાપ્રધાનના આહ્વાનને સ્વિકાર્ય હતું. સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષ વર્ધને મોઢા પર માસ્ક પહેરીને દિપ પ્રાગટ્ય કર્યું હતું. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ દિપ પ્રાગટ્યમાં જોડાયા હતાં. તેલંગણાના મુખ્યમંત્રી કેસીઆર પણ બહાર આવ્યા હતાં.

પીએમ મોદીના માતા હિરાબાએ પણ દિવડા પ્રગટાવ્યા હતાં. હિરાબાએ પોતાના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી અપીલને ઝીલતા થાળીમાં દિવડા પ્રગટાવ્યા હતાં.

દેશના તમામ શહેરો, મહાનગરો અને ગામડાઓમાં પીએમ મોદીની અપીલના કારણે દિપ પ્રાગટ્ય કર્યું હતું. કાશ્મીરથી લઈને કન્યાકુમારી અને કચ્છથી લઈને અરૂણાચલ પ્રદેશ સુધી આજે રાત્રે બરાબર 9ના ટકોરે અંધકાર છવાયો હતો અને દેશની ધરતી દિવડાઓ, મીણબત્તીઓ, ફ્લેશ અને મોબાઈલ લાઈટથી ઝગમગી ઉઠ્યો હતો.

અગાઉ થાળી વગાડી જનતા કર્ફ્યુ સફળ બનાવ્યો હતો

અગાઉ વડાપ્રધાન મોદીએ જનતા કર્ફ્યુના દિવસે થાળી વગાડવાની અપીલ કરી હતી. સમગ્ર દેશમાં લોકડાઉન લાગૂ કરતા પહેલા વડાપ્રધાન મોદીએ 22 માર્ચના રોજ લોકોને જનતા કર્ફ્યુનું પાલન કરવાની અપીલ કરી હતી. આપને જણાવી દઈએ કે, વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવેલી આ પહેલની સારી એવી અસર સમગ્ર દેશમાં જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન