NIFTY 10,146.55 -64.30  |  SENSEX 32,389.96 +-194.39  |  USD 65.0350 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • ૯ વર્ષે ફરી એ જ સવાલ, આરુષીની હત્યા કરી કોણે? 

૯ વર્ષે ફરી એ જ સવાલ, આરુષીની હત્યા કરી કોણે? 

 | 9:47 am IST

દેશના બહુચર્ચિત આરુષી હત્યાકાંડમાં હાઈકોર્ટ દ્વારા ગુરુવારે ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટે આ કેસમાં આદેશ આપ્યો કે, આરુષી અને હેમરાજની હત્યા તલવાર દંપતી દ્વારા કરવામાં આવી નથી. કોર્ટે તેમને નિર્દોષ જાહેર કરીને છોડી મૂકવાનો આદેશ આપ્યો. આ કેસમાં બે કોર્ટ દ્વારા અલગ અલગ ચુકાદા અપાયા હતા. સીબીઆઈ કોર્ટે તલવાર દંપતીને દોષિત જાહેર કર્યું હતું તો અલ્હાબાદ હાઈકોર્ટે નિર્દોષ જાહેર કર્યું હતું. અહીંયાં મહત્ત્વનો સવાલ એ છે કે, નવ વર્ષે પણ તપાસ એજન્સીઓ, પોલીસ કે પછી સમગ્ર તંત્ર એ નથી શોધી શક્યું કે આરુષી અને હેમરાજની હત્યા ખરેખર કરી કોણે. નવ વર્ષે આ સવાલ લોકો સામે જીવતો થયો છે કે હત્યારો કોણ છે?… આ સવાલનો જવાબ તો ક્યારે મળશે તે ખ્યાલ નથી પણ નજર કરીએ આ કેસના અત્યાર સુધીના ચડાવ-ઉતાર અને બીજી ઘણી બાબતો…

મુદ્દાને આધારે તલવાર દંપતીને CBIએ સજા આપી હતી

આરુષી હત્યા કેસમાં તલવાર દંપતીની ૨૩ મે ૨૦૦૮માં ધરપકડ કરાઈ હતી. ૨૬ નવેમ્બર ૨૦૧૩માં CBI કોર્ટ દ્વારા આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. સીબીઆઈની કેટલીક દલીલો અને તથ્યો ઉપર એક નજર…

ઘરમાં માત્ર ચાર લોકો જ હતા. ઘરનો દરવાજો અંદરથી બંધ હતો.

તલવાર દંપતીની દલીલ : દરવાજે ઓટોમેટિક લોક હતું જે બહાર અને અંદર બંને તરફથી બંધ કરી શકાય તેમ છે. મુખ્ય દરવાજાને હત્યા બાદ બહારની તરફથી ખેંચીને પણ લોક કરી શકાય છે.

આરુષીના રૂમની ચાવી રાજેશ પાસે રહેતી હતી, તો પછી અંદર કોણ જઈ શકે?

તલવાર દંપતીની દલીલ : નૂપુરે નિવેદનમાં જણાવ્યું હતું કે, તેઓ ઈન્ટરનેટનું રાઉટર ખોલવા માટે આરુષીના રૂમમાં ગયા હતા. આ દરમિયાન આરુષીના રૂમની ચાવી લોકમાં ફસાયેલી હતી.

બધા લોકો ઊંઘી રહ્યા હતા તો રાઉટર જાતે ઓન-ઓફ કેવી રીતે થઈ રહ્યું હતું?

તલવાર દંપતીની દલીલ : તપાસ કરનાર ટીમને હત્યાના દિવસે સવારે છ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી રાઉટર ચાલુ-બંધ થવાના પુરાવા મળ્યા હતા. જ્યારે યુપી પોલીસ ઘરમાં હતી ત્યારે પણ રાઉટર જાતે જ ચાલુ-બંધ થતું હતું.

આરુષીની હત્યા બાદ તેના માતા-પિતા તેને ભેટયા નહોતા. રાજેશ-નૂપુરના કપડાં ઉપર લોહીના ડાઘ નહોતા.

તલવાર દંપતીની દલીલ : આરુષીનું ગળું કપાયેલું હતું. આ સંજોગોમાં રાજેશ અને નૂપુર કેવી રીતે પોતાની દીકરીને ભેટી શકે. રાજેશ અને નૂપુરના કપડાં ઉપર લોહીના ડાઘ નહોતા તે કહેવું ખોટું છે.

દાદરાની ચાવી તલવાર દંપતીએ પહેલા દિવસે શા માટે ન આપી?

તલવાર દંપતીની દલીલ : ટેરેસ ઉપર જતા દરવાજાની ચાવીઓ હેમરાજ પાસે જ રહેતી હતી. પોલીસે પહેલા દિવસે ટેરેસ ઉપર જવા માટે ચાવીની રાહ જોવાના બદલે નાનકડું તાળું તોડી કેમ ન નાખ્યું?

હત્યા બાદ શરાબ પીવાયો હતો. શરાબની બોટલ ઉપર લોહીના ડાઘ હતા.

તલવાર દંપતીની દલીલ : તપાસમાં બોટલ ઉપર રાજેશના ફિંગર પ્રિન્ટ નહોતા મળ્યા. નોકરના રૂમમાં પણ શરાબની બોટલ મળી હતી.

હેમરાજની લાશ ખેંચીને ટેરેસ ઉપર લઈ જવાઈ.

તલવાર દંપતીની દલીલ : એવું પણ બની શકે કે, હેમરાજને ટેરેસ ઉપર લઈ જઈને હત્યા કરવામાં આવી હોય. હેમરાજને તેના જ રૂમમાં મારવામાં આવ્યો હોય તો તકિયા, બેડશીટ અને કામળા ઉપર હેમરાજના લોહીના ડાઘ શા માટે નહોતા? રાજેશ અને નૂપુર માટે શક્ય હતું કે તેઓ આ તમામ વસ્તુઓ ઉપરથી હેમરાજના લોહીના ડાઘ દૂર કરી શકે?

સજા આપનાર સીબીઆઈ જજે કહ્યું હતું, ધર્મ રક્ષતિ રક્ષિતઃ 

૨૬ નવેમ્બર ૨૦૧૩ના રોજ ગાઝિયાબાદની વિશેષ સીબીઆઈ અદાલતના ન્યાયાધીશ શ્યામલાલે આરુષી-હેમરાજ હત્યા કેસમાં આરુષીનાં માતા-પિતા એટલે કે તલવાર દંપતીને આજીવન કેદની સજા સંભળાવી હતી. આ દરમિયાન તેમણે ગીતાના એક શ્લોકનું ઉચ્ચારણ કર્યું હતું. તેમણે કહ્યું હતું, ‘ધર્મ રક્ષતિ રક્ષિતઃ.’ તેમણે અર્થ સમજાવતાં કહ્યું હતું કે, ધર્મ તેનું જ રક્ષણ કરે છે જે ધર્મનું રક્ષણ કરે છે.

મુદ્દાને આધારે હાઈકોર્ટે દંપતીને નિર્દોષ જાહેર કર્યા

અલ્હાબાદ હાઈકોર્ટે સીબીઆઈના આજીવન કેદના ચુકાદાથી તદ્દન વિરુદ્ધ નિર્દોષતાનો ચુકાદો આપતાં લોકોને ઔઆૃર્ય થયું હતું. આ કેસમાં કોર્ટે મહત્ત્વનાં સૂચનો કર્યાં હતાં. કોર્ટે સીબીઆઈની સાત દલીલોની ઊલટતપાસ કરી હતી અને તેના આધારે જ તલવાર દંપતીને નિર્દોષ જાહેર કરાયું હતું. આ સાત દલીલો ઉપર નજર કરીએ…

સીબીઆઈની દલીલ : ડો. રાજેશ તલવાર અને નૂપુર તલવાર પોતાની દીકરી આરુષીના હત્યારાં છે.

કોર્ટનો સવાલ : સીબીઆઈ દ્વારા ૨૯ ડિસેમ્બર ૨૦૧૦ના રોજ આરુષી હત્યા કેસમાં ક્લોઝર રિપોર્ટ ફાઇલ કરાયો હતો. તલવાર દંપતી હત્યારું હોત તો તેઓ ક્લોઝર રિપોર્ટની વિરુદ્ધ અરજી શા માટે કરે?

સીબીઆઈની દલીલ : આરુષીના બેડરૂમમાં હેમરાજ અને આરુષી શારીરિક સંબંધ બાંધતાં હતાં, ત્યાં જ ડો. રાજેશ તલવારે હેમરાજની હત્યા કરી હતી.

કોર્ટનો સવાલ : તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી ૨૪ ફિંગરપ્રિન્ટ મળ્યા હતા. આ તમામ સેમ્પલમાં ક્યાંય હેમરાજના ફિંગરપ્રિન્ટ નહોતા. ડો. તલવારે હેમરાજના ફિંગરપ્રિન્ટ નષ્ટ કર્યાં હોય તો તેમને કેવી રીતે ખબર પડે કે હેમરાજના ફિંગરપ્રિન્ટ કયાં છે અને ક્યાં છે?

સીબીઆઈની દલીલ : આરુષીના રૂમમાંથી આવતા અવાજ સાંભળીને ડો. તલવાર હેમરાજના રૂમમાં ગયા. હેમરાજ ત્યાં નહોતો એટલે તેઓ આરુષીના રૂમમાં ફરી ગયા.

કોર્ટનો સવાલ : અવાજ આરુષીના રૂમમાંથી આવતો હતો તો પછી ડો. તલવારે પોતાની દીકરીના રૂમનો દરવાજો ખખડાવવો જોઈતો હતો. તેઓ આરુષીના બેડરૂમથી ૪૦-૫૦ ફૂટ દૂર ટેરેસ ઉપર આવેલા સર્વન્ટરૂમમાં શા માટે ગયા?

સીબીઆઈની દલીલ : હેમરાજ અને આરુષીને કઢંગી હાલતમાં જોઈને રાજેશ તલવારે હેમરાજ ઉપર ગોલ્ફ સ્ટિકથી હુમલો કર્યો પણ હેમરાજ ખસી ગયો અને ગોલ્ફસ્ટિક આરુષીનાં માથામાં વાગી.

કોર્ટનો સવાલ : આ ઘટનાનું કોર્ટમાં રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એવી ઈજાઓ નહોતી જણાઈ જેવી તપાસમાં રજૂ કરાઈ હતી, તેનાથી સાબિત થાય છે કે, ગોલ્ફસ્ટિકનાં એ એન્ગલથી જણાવી હતી તેવી ઈજા શક્ય નથી, આવું શા માટે?

સીબીઆઈની દલીલ : આરુષીના બેડરૂમમાં હેમરાજની હત્યા કર્યા બાદ તલવાર દંપતી તેની લાશને ચાદરમાં લપેટીને ઢસડીને ટેરેસ ઉપર લઈ ગયાં.

કોર્ટનો સવાલ : અદાલત સામે આ ઘટનાનું પણ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ચાદરમાં લપેટીને કોઈને દાદાર દ્વારા ઉપર લઈ જવામાં આવે તો ઘસાવાના અને ઉઝરડાનાં જે નિશાન પડે તે હેમરાજની બોડી ઉપર ક્યાંય નહોતાં, એવું કેવી રીતે બને?

સીબીઆઈની દલીલ : ડો. રાજેશ તલવારે હેમરાજની હત્યા આરુષીના બેડરૂમમાં આરુષીના બેડ ઉપર જ કરી.

કોર્ટનો સવાલ : હેમરાજનું લોહી આરુષીના રૂમમાં તેના તકિયા ઉપર નહીં પણ હેમરાજના જ રૂમમાં તેના તકિયા ઉપર મળ્યું હતું.

સીબીઆઈની દલીલ : સીબીઆઈના મતે તત્કાલીન પુરાવાઓ સાબિત કરે છે કે, આરુષીની હત્યા તેનાં માતા-પિતાએ જ કરી હતી.

કોર્ટનો સવાલ : નાર્કો ટેસ્ટમાં તલવાર દંપતીનું હત્યા કરવાનું કારણ સામે શા માટે ન આવ્યું.

આરુષી કી કહાની

આરુષી-હેમરાજ કેસમાં નવ વર્ષે ફરીથી નવો વળાંક આવ્યો છે. તેના માતા-પિતાને અલ્હાબાદ હાઈકોર્ટે છોડી મૂક્યા છે ત્યારે ડોકિયું કરીએ આરુષીના અંગત જીવન ઉપર….

નાની સાથે રહેતી હતી આરુષી

આરુષીના નાની જણાવે છે કે, તે ભણવામાં ખૂબ જ તેજસ્વી હતી. સવારે રાજેશ અને નૂપુર પોતાના ક્લિનિક જતા ત્યારે આરુષીને નાનીના ઘરે મૂકી જતા. સાંજે નૂપુર તેને લેવા આવતી હતી. આરુષી તેની ખૂબ જ નજીક હતી.

દિલ્હીથી નોઈડા રહેવા આવ્યા હતા

ડો. રાજેશ નહોતા ઈચ્છતા કે તેમની દીકરીનો ઉછેર કોઈ કામવાળી કે આયાના હાથે થાય. તેના કારણે જ તેઓ નોઈડા રહેવા આવ્યા જેથી તેની સારસંભાળ માટે નાની પાસે તેને રાખી શકાય.

ગોડ ગિફ્ટેડ હતી આરુષી

આરુષીના નાનીએ જણાવ્યું કે, આરુષી ગોડ ગિફ્ટેડ હતી. તેઓ ઘણી વખત નૂપુરને કહેતા કે, આરુષી ખૂબ જ પ્રતિભાશાળી છોકરી છે.

મિત્રનાં મોત ઉપર ખૂબ જ રડી હતી

આરુષીને એક મિત્ર હતી ગઝલ. એક અકસ્માતમાં ગઝલનું મોત થયું હતું. આરુષી તેની ખૂબ જ અંગત મિત્ર હતી. તેના કારણે આરુષી દિવસો સુધી રડતી રહી. તે સ્કૂલ પણ નહોતી જતી. ગઝલ વગર તેને સ્કૂલ જવું કે અન્ય કોઈ કામ કરવું પણ પસંદ નહોતું.