મહેસાણાના 9 વર્ષના વિદ્યાર્થીનો દટાયેલો મૃતદેહ મળ્યો સ્કૂલના મેદાનમાંથી - Sandesh
  • Home
  • Gujarat
  • મહેસાણાના 9 વર્ષના વિદ્યાર્થીનો દટાયેલો મૃતદેહ મળ્યો સ્કૂલના મેદાનમાંથી

મહેસાણાના 9 વર્ષના વિદ્યાર્થીનો દટાયેલો મૃતદેહ મળ્યો સ્કૂલના મેદાનમાંથી

 | 2:38 pm IST

મહેસાણાના ચીકણા ગામના ગુમ વિદ્યાર્થીનો મૃતદેહ 9 દિવસ બાદ શાળાના મેદાનમા દટાયેલો મળ્યો હતો. 9 વર્ષના માસૂમ બાળકની હત્યા કરાયેલી લાશ તેની જ શાળાના મેદાનમાં દાટેલી હાલતમા મળી આવતા વિદ્યાર્થીઓના વાલીઓમાં ભયનો માહોલ પ્રવર્ત્યો છે.

એક ફૂટના ખાડામાં દટાયેલો હતો હિરેનનો મૃતદેહ
મળતી માહિતી પ્રમાણે સતલાસણાના ચીકણા ગામમાં ધોરણ ત્રણમાં ભણતા 9 વર્ષના માસૂમ હિરેનનું અઠવાડિયા પહેલા અપહરણ થયું હતું. અપહરણને લઈ પરિવારજનો ચિંતિત બન્યા હતા. આ અંગે પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના પગલે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આ દરમ્યાન રવિવારે સાંજે ગામની શાળાના મેદાનમા એક ફૂટના ખાડામાંથી નવ વર્ષના માસૂમ હિરેનની લાશ મળી આવી હતી. લાશ પર પથ્થર મુકેલા હતા અને મોડી સાંજે મહેસાણાથી ડોગ સ્ક્વોડની ટીમ ગામમાં પહોંચીને હત્યાના પગેરું શોધવા કામે લાગી હતી.

હિરેનનું ગત 23 મી ડિસેમ્બરે થયું હતું અપહરણ
સતલાસણાના ચીકણા ગામમાંથી 9 વર્ષના બાળક હિરેન બાબુજી ઠાકોરનું ગત 23 મી ડિસેમ્બરે અપહરણ થયું હતું. જેને લઈને પોલીસ પંથકમા તાપસ લાગી હતી ત્યાં તપાસ કરતી પોલીસે ગામની શાળાના વિવિધ રૂમ સંકુલમા રવિવારે તપાસ કરી હતી. જેમાં મેદાનના પટ્ટામા એક ભાગમા એક ફૂટ દાટેલી હાલતમા હિરેન મૃત હાલતમા મળતા હત્યાને લઈને પંથકમા અરેરાટી પ્રસરી હતી.

પુત્રની લાશ જોઇ માતા-પિતા પડી ભાંગ્યા
જોકે લાશ મળતાની સાથે ગ્રામ જનો અને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસ ને આરોપી જલ્દી પકડાય તેવી માંગ કરી વિરોધ દર્શાવ્યો હતો. બેચરાજી વિધાનસભાના ધારાસભ્ય પણ ઘટના સ્થળે પોહચ્યા હતા. ત્યારે ગ્રામ જનોમા પણ ભારે રોષ જોવા મળ્યો હતો. પરંતુ પોલીસ હાલ ડોગસ્કોવડ અને અન્ય પ્રક્રિયાઓ કરી આરોપીને પકડવાની કવાયાતો કરી દીધી છે. ત્યારે ફક્ત નવ વર્ષના બાળક ની લાશ જોઈ તેના માતા પિતા ભાંગી પડ્યા હતા.