94 lakh trees destroyed in Gir-Sasan The tremors demanding crores to remove it
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ગીર-સાસણમાં તૌકતે વાવાઝોડાથી 94 લાખ વૃક્ષો ધ્વસ્ત! એ હટાવવા કરોડો મંગાતાં હડકંપ   

ગીર-સાસણમાં તૌકતે વાવાઝોડાથી 94 લાખ વૃક્ષો ધ્વસ્ત! એ હટાવવા કરોડો મંગાતાં હડકંપ   

 | 9:05 am IST
  • Share

ગુજરાતના પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ-વાઇલ્ડ લાઇફ શ્યામલ ટીકાદારે તૌકતે વાવાઝોડાથી ગીર નેશનલ પાર્કમાં તથા ગીર અભયારણ્યમાં ધ્વસ્ત થયેલા વૃક્ષોને અંદાજ ક્રમે ક્રમે વધારતાં જઈ છેલ્લે ૯૪ લાખથી વધુની ગણતરી બતાવીને તે ખસેડવા માટેનો કુલ ખર્ચ રૃ. ૫૦૦ કરોડ દર્શાવી, તાત્કાલિક ધોરણે રૃ. ૧૦ કરોડની માગણી મૂકતાં વનવિભાગમાં અને બ્યૂરોક્રેટ્સમાં હડકંપ મચી ગયો છે. આ સમગ્ર પ્રકરણને શંકાની નજરે જોવાઈ રહ્યું છે.

વનવિભાગ સંભાળતા અધિક મુખ્ય સચિવ અરુણકુમાર સોલંકીએ આ સંદર્ભે વનવિભાગના વડા અને પીસીસીએફ ડો. દિનેશ કુમાર શર્માની અધ્યક્ષતામાં ૮ સભ્યોની હાઇલેવલ કમિટી રચી તેની પાસે વિસ્તૃત રિપોર્ટ માગ્યો છે.

પીસીસીએફ-વાઇલ્ડ લાઇફની પ્રપોઝલ પછી તાજેતરમાં જ વનમંત્રી ગણપત વસાવાએ સાસણ ગીરમાં જઈ જાતમાહિતી મેળવી હોવાનું જણાવાઈ રહ્યું છે.   સૂત્રો કહે છે, પીસીસીએફ-વાઇલ્ડ લાઇફ દ્વારા જે દરખાસ્ત રજૂ કરાઈ છે, તેમાં નેશનલ પાર્ક તથા અભયારણ્યમાં જમીન ઉપર ઊખડેલી હાલતમાં પડેલા વૃક્ષો હટાવી સિંહોની આવનજાવન સુગમ બનાવવાને નામે કુલ રૃ. ૫૦૦ કરોડનો ખર્ચ બતાવ્યો છે, પરંતુ તબક્કાવાર આ કામગીરી કરવા માટે વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટમાં રૃ. ૫૦ કરોડ ફાળવી તે પેટે અત્યારે તાત્કાલિક રૃ. ૧૦ કરોડ આપવાની રજૂઆત કરી છે. આ પ્રપોઝલ પણ ભારે ચાલાકીથી બનાવાઈ છે, જેમાં પ્રત્યેક રૃ. ૧૦ કરોડના ખર્ચ સામે પડેલા વૃક્ષોની હરાજી કરીને એમાંથી ત્રણથી ચાર ગણી આવક રળવાની ગણતરી મુકાઈ છે.  

હવે બોલ પીસીસીએફ તથા હેડ ઓફ ધ ફોરેસ્ટની કોર્ટમાં છે, જેઓની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિ શું રિપોર્ટ આપે છે, તેની ઉપર સઘળો મદાર છે. આ સમિતિમાં શ્યામલ ટીકાદાર ઉપરાંત બે એડિશનલ પીસીસીએફ, સીસીએફ-વન્ય જીવ વર્તુળ-જૂનાગઢ તેમજ ગીર-સાસણના ત્રણ ડીએફઓને પણ સામેલ કરાયા છે.

તૌકતે વાવાઝોડું ગત ૧૭-૧૮ મે દરમિયાન પસાર થયું એ પછી પીસીસીએફ-વાઇલ્ડ લાઇફ શ્યામલ ટીકાદારે ગીર-સાસણમાં ૨૦થી ૨૫ લાખ વૃક્ષો ધરાશાયી થયા હોવાનું જાહેર કર્યું હતું. વાવાઝોડાના ૧૦ દિવસ બાદ કેન્દ્ર સરકારની ટીમ નુકસાનીનો અંદાજ મેળવવા આવી ત્યારે એની સમક્ષ ૩૦ લાખ વૃક્ષો પડયાં હોવાનું જણાવાયું હતું. એ પછી ગણતરી વધીને ૯૪ લાખથી ઉપર કઈ રીતે ગઈ એ વિશે શ્યામલ ટીકાદાર મગનું નામ મરી પાડતા નથી, પણ આ અંદાજ સાયન્ટિફિક હોવાનું અને એ વિશે આરટીઆઇમાં પૂછશો તો જણાવીશ, એટલું જ કહે છે.

અલબત્ત, વનવિભાગના સૂત્રો કહે છે કે, કેટલાક પ્લોટ્સનો સેમ્પલ સર્વે દર્શાવી ૯૪ લાખથી વધુ વૃક્ષોનો આંકડો મુકાયો છે અને આ સેમ્પલ સર્વે નેશનલ પાર્ક તથા અભયારણ્યના કુલ ક્ષેત્રફળના અડધા ટકા વિસ્તારને પણ આવરતો નથી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો