ડી.આર.આઈ. શા કારણે ”પ્રોપર” કસ્ટમ ઓફિસર નથી – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • ડી.આર.આઈ. શા કારણે ”પ્રોપર” કસ્ટમ ઓફિસર નથી

ડી.આર.આઈ. શા કારણે ”પ્રોપર” કસ્ટમ ઓફિસર નથી

 | 8:13 am IST

લેખાંક – ૨

માલની આયાત થાય ત્યારે કસ્ટમના કાયદાની કલમ નં. ૪૬ હેઠળ રજૂ થતી બિલ ઓફ એન્ટ્રી ઉપર જે તે કસ્ટમ સ્ટેશન પર હકુમત ધરાવતાં કસ્ટમ અધિકારી ડયૂટીની આકારણીનો હુકમ કરે છે, જેને ”એસેસમેન્ટ ઓર્ડર” કહેવામાં આવે છે. કલમ નં. ૪૭ હેઠળ કસ્ટમ સ્ટેશન પર હકુમત ધરાવતાં અધિકારી આયાત થયેલા માલને આપણા દેશમાં વાપરવા માટે લઈ જવાનો હુકમ કરે છે, જેને ”આઉટ ઓફ ચાર્જ”નો ઓર્ડર કહેવામાં આવે છે. આ હુકમ કરતાં પહેલાં સક્ષમ અધિકારી તપાસ કરે છે કે માલની આયાત પ્રતિબંધિત નથી અને આકારણી થયેલી કસ્ટમ ડયૂટીની ચુકવણી થઈ ગઈ છે. આઉટ ઓફ ચાર્જના હુકમ બાદ આયાત કરવામાં આવેલા માલને કસ્ટમના કબજામાંથી લઈ લેવામાં આવે છે, જેને ”ક્લિયરન્સ ફોર હોમ કન્સમ્પશન” કહેવાય છે. આ આખી પ્રક્રિયાને ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગણાવીને ના. સુપ્રીમ કોર્ટે મેસર્સ કેનન ઇન્ડિયા પ્રા.લિ.નો ચુકાદો આપ્યો છે, અને ઠરાવ્યું છે કે ડી.આર.આઈ.ના અધિકારીને કસ્ટમના ”પ્રોપર ઓફિસર” ગણી શકાય નહીં.

એસેસમેન્ટનું મહત્ત્વ

એપ્રિલ, ૨૦૧૧ અગાઉ કલમ ૧૭ હેઠળ બિલ ઓફ એન્ટ્રીમાં દર્શાવેલી વિગતો અને માહિતીની મૂલવણી કરી કસ્ટમ ડયૂટીની આકારણી (એસેસમેન્ટ) કરવાની જવાબદારી જે કસ્ટમ સ્ટેશન પર આયાત થઈ હોય ત્યાં હકુમત ધરાવતાં કસ્ટમ ઓફિસર પર હતી. તા. ૮-૪-૨૦૧૧થી કલમ ૧૭ હેઠળ આયાત કરનાર વ્યક્તિ ઉપર પોતાની જાતે આકારણી કરવાની જવાબદારી નાખવામાં આવી છે, જેને ”સેલ્ફ એસેસમેન્ટ” તરીકે ઓળખવામાં આવે છે. પણ સેલ્ફ એસેસમેન્ટની ચકાસણી એટલે કે, વેરિફિકેશન, કસ્ટમ સ્ટેશન ઉપર હકુમત ધરાવતાં કસ્ટમ ઓફિસરે કરવાની રહે છે, અને આ અધિકારીને રિએસેસમેન્ટ કરવાની સત્તા પણ છે. આયાતકર્તાના સેલ્ફએસેસમેન્ટ માન્ય ન હોય તો કસ્ટમ અધિકારી માલનું ટેસ્ટિંગ કરાવી શકે છે, જરૂરી માહિતી-ખુલાસા તથા પુરાવાની માગણી કરી શકે છે, અને અન્ય કોઈપણ તપાસ કરવાની સત્તા પણ કલમ ૧૭ હેઠળ આ અધિકારીને અપાઈ છે. આ પ્રકારે ડયૂટીની આકારણી, એટલે કે એસેસમેન્ટ, કરવામાં આવે છે અને એસેસમેન્ટ થયા પછી જ માલના ક્લિયરન્સ ફોર હોમ કન્સમ્પશન બાબતે ઓર્ડર કરવામાં આવે છે. આકારણી-એસેસમેન્ટ માટેની સત્તા તથા જવાબદારી જે અધિકારીને સોંપાઈ છે તેનો આ કલમોમાં ”ધ પ્રોપર ઓફિસર” તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

કલમ ૨૮ અને રિએસેસમેન્ટ

આયાત અથવા નિકાસ થઈ ગયા બાદ જો એવું લાગે કે આકારણી યોગ્ય રીતે થઈ નથી અને વસૂલવામાં આવેલી ડયૂટી કરતાં વધુ રકમ ડયૂટી તરીકે આકારવાની હતી, તો કસ્ટમ એક્ટની કલમ ૨૮ હેઠળ નોટિસ આપવી ફરજિયાત છે. આ નોટિસ પણ ફક્ત ”ધ પ્રોપર ઓફિસર” આપી શકે છે. આ નોટિસમાં કયા કારણોસર ડયૂટીની વધારાની રકમ લેવા પાત્ર છે તેની માહિતી તથા વધારાની ડયૂટીની રકમ અને તેની ગણતરીના આધારની માહિતી સ્પષ્ટરૂપે આપવી પણ ફરજિયાત છે. કેનન ઇન્ડિયા પ્રા.લિ.ના કેસમાં કલમ ૨૮ હેઠળ નોટિસ તા. ૧૯-૮-૨૦૧૪ના રોજ આપવામાં આવેલી અને આયાતકર્તા પાસેથી ડયૂટીની વધારાની રકમની માગણી કરવાનું કારણ એ જણાવેલું કે કેમેરાની આયાત કરવાના સમયે કસ્ટમના નોટિફિકેશનનો લાભ આપી ડયૂટીમાંથી સંપૂર્ણ કરમુક્તિ આપવામાં આવેલી, પણ અધિકારીઓને કેમેરા વગેરે માલ પર પૂરેપૂરું એક્સેમ્પશન આપવાના એસેસમેન્ટ કર્યા બાદ એવું લાગેલું કે નોટિફિકેશનનો લાભ ખોટી રીતે અપાઈ ગયેલો કારણ કે આયાતકર્તાએ માલ અંગેની સાચી માહિતી છુપાવેલી અને નોટિફિકેશન હેઠળ કરમુક્તિ મેળવવા માટે આયાત થયેલા માલ બાબતે ખોટી માહિતીની રજૂઆત કરેલી. તા. ૧૯-૮-૨૦૧૪ની નોટિસ આ પ્રકારના આક્ષેપો સાથે ડી.આર.આઈ.ના અધિકારીએ આપેલી, કારણ કે આયાત થયેલા માલ અંગે ઇન્ક્વાયરી અને તપાસ (ઇન્વેસ્ટિગેશન) ડી.આર.આઈ. દ્વારા કરવામાં આવેલા.

રિએસમેન્ટ અને ”રિવ્યૂ”

ના. સુપ્રીમ કોર્ટે નોંધ્યું છે કે કેમેરા વગેરેની આયાત થઈ ત્યારે જે સ્થળે આયાત થઈ ત્યાંના ડેપ્યુટી કમિશનર ઓફ કસ્ટમે સ્વીકારેલું કે માલને સંપૂર્ણપણે કરમુક્તિ આપવી જોઈએ કારણ કે આયાત થયેલ માલ માટે નોટિફિકેશન નં. ૧૫/૨૦૧૨ લાગુ પડતું હતું. આ પ્રમાણે કરમુક્તિનું એસેસમેન્ટ કસ્ટમના ડેપ્યુટી કમિશનરે કરેલું, કારણ કે ડેપ્યુટી કમિશનર જે તે કસ્ટમ સ્ટેશન પર હકુમત ધરાવતા હતા. ના. સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું છે કે કલમ ૨૮ હેઠળ ડયૂટીની વસૂલાતની સત્તા હેઠળ અગાઉ કરવામાં આવેલ એસેસમેન્ટની ફેરતપાસ, જેને કાયદામાં ”રિવ્યૂ” કહેવામાં આવે છે, કરવાની રહે છે, અને આ પ્રકારે રિવ્યૂ કરવાની સત્તા કલમ ૨૮ હેઠળ ફક્ત ”ધ પ્રોપર ઓફિસર”ને આપવામાં આવી છે. ના. કોર્ટે ઠરાવ્યું છે કે ”ધ પ્રોપર ઓફિસર” એટલે તે અધિકારી જેણે આયાત થયેલા માલના ક્લિયરન્સના સમયે માલ અને ડયૂટીની આકારણી કરેલી, કારણ કે કસ્ટમ એક્ટ હેઠળ એવું કોઈ પ્રોવિઝન નથી કે એકવાર એસેસમેન્ટ થઈ ગયા બાદ તેની ફેરતપાસ અથવા રિઓપનિંગ કોઈપણ અન્ય ઓફિસર દ્વારા થઈ શકે. જ્યારે એક અધિકારીએ કાયદા હેઠળ એસેસમેન્ટ કર્યું હોય ત્યારે રિએસેસમેન્ટ પણ એ જ અધિકારી કરી શકે, અને કોઈ અન્ય ખાતાના સમાન કક્ષા (રેન્ક)ના અધિકારીને પણ રિએસેસમેન્ટની સત્તા નથી. આ પ્રમાણે કલમ ૨૮નું અર્થઘટન કરી ના. સુપ્રીમ કોર્ટે વધારાની ડયૂટીની વસૂલાત માટેની કલમ ૨૮ હેઠળની સત્તાને રિવ્યૂ અને રિએસેસમેન્ટ ગણી ડી.આર.આઈ. દ્વારા અપાયેલી નોટિસને ગેરબંધારણીય ઠેરવી છે, કારણ કે ડી.આર.આઈ.ના અધિકારીએ આયાત થયેલા માલ અને તેના પરની ડયૂટી (તથા કરમુક્તિ) બાબતે એસેસમેન્ટ કરેલાં ન હતા.

કસ્ટમ ઓફિસર અને ”ધ પ્રોપર ઓફિસર”

ના. સુપ્રીમ કોર્ટ સમક્ષ સરકાર તરફથી કસ્ટમ એક્ટની અમુક કલમો અને નોટિફિકેશનની રજૂઆત કરવામાં આવેલી, અને રજૂઆત કરવામાં આવેલી કે ડી.આર.આઈ.ના એડિશનલ ડાયરેક્ટર અને અન્ય અધિકારીઓને કસ્ટમના ઓફિસર તરીકેની સત્તા આપવામાં આવી છે, અને ડી.આર.આઈ. અધિકારીઓને કસ્ટમના ઓફિસર ગણવામાં આવે છે. પણ આ દલીલ તથા તેના સંદર્ભે દર્શાવેલ કલમો અને નોટિફિકેશનો બાબતે કોર્ટે ઠરાવ્યું છે કે ડી.આર.આઈ.ના ઓફિસરોને કસ્ટમ એક્ટ હેઠળ તપાસ કરવાની સત્તા, કોઈપણ વ્યક્તિના નિવેદન લેવાની સત્તા, માલની જપ્તિની સત્તા, કોઈપણ વ્યક્તિની એરેસ્ટ કરવાની સત્તા વગેરે બાબતે કસ્ટમ ઓફિસર ગણી શકાય, પણ ડયૂટીના રિએસેસમેન્ટની સત્તા કલમ ૨૮ હેઠળ કસ્ટમ ઓફિસરને આપવામાં આવી નથી, આ સત્તા ફક્ત ”ધ પ્રોપર ઓફિસર”ને આપવામાં આવેલ છે. ડી.આર.આઈ.ના ઓફિસરો આયાત કરેલા માલ તથા તેના પરની ડયૂટીનું એસેસમેન્ટ કરતાં નથી, અને તેથી રિએસેસમેન્ટ માટે આ અધિકારીઓને ”ધ પ્રોપર ઓફિસર” ગણી શકાય નહીં.

(ક્રમશઃ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;