એ તેના સ્વભાવની મર્યાદા છે - Sandesh

એ તેના સ્વભાવની મર્યાદા છે

 | 2:18 am IST

પ્રભાતનાં કિરણો

સદીઓથી ઉત્ક્રાંતિની દિશામાં આગળ વધી રહેલા માનવે આજે ઘણી જ પ્રગતિ સાધેલી જણાય છે. પોતાની બુદ્ધિના વિકાસથી તેણે કેટલીય અશક્ય વસ્તુઓને શક્ય બનાવી છે. સ્થળ,કાળનાં અંતરો ઘટાડયાં છે. અવકાશની સફરોને શક્ય બનાવી છે, છતાંય માનવ હજુ પોતાની જાતનો સ્વામી બની શક્યો નથી. પોતાનાં મન, પ્રાણ અને શરીરની ક્રિયા-પ્રક્રિયાઓ ઉપર એનો કાબૂ નથી. પોતાની પ્રકૃતિની ગુલામી એ તેની મોટામાં મોટી મર્યાદા છે. તેને ક્રોધ કરવો હોતો નથી, છતાં ક્રોધ થઈ જાય છે. તે જાણતો હોય છે કે આ ખાવાથી મને નુકસાન થશે છતાં તેનાથી ખવાઈ જાય છે. ખોટું કરવું તેને ગમતું નથી, છતાં તેનાથી થઈ જાય છે, કેમ કે એ તેના સ્વભાવની મર્યાદા છે.

મર્યાદા એટલે નબળાઈ. તે મનુષ્યના સ્વભાવ સાથે જોડાયેલી છે.સ્વભાવમાં રહેલી નિર્બળતા કે કંઈ પણ કરવાની અશક્તિને મર્યાદા કહેવામાં આવે છે. કોઈ પણ મનુષ્ય પૂર્ણ નથી એટલે પ્રત્યેકના સ્વભાવમાં કોઈ ને કોઈ પ્રકારની ઓછી કે વત્તી મર્યાદાઓ રહેલી હોય છે જ. આ મર્યાદાઓને પાર કરી પૂર્ણતા પ્રાપ્ત કરવી એ મનુષ્યનું ધ્યેય છે. બધાં જ મનુષ્યો આ ધ્યેય પ્રત્યે ગતિ કરી રહ્યાં છે, પણ જેઓ જાગ્રત અને સભાન છે તેઓ પોતાની મર્યાદાઓને પાર કરીને ઝડપથી ગતિ કરે છે. જેઓ આ ધ્યેયને જાણતાં નથી, તેઓ ઠોકરો ખાતાં ખાતાં, પ્રકૃતિની નિશાળમાં આકરા પાઠોને શીખતાં શીખતાં અનેક જન્મોમાં ધીમેધીમે મર્યાદાઓ પર કરે છે ને અંતે તો પૂર્ણતા તરફ જ તેમની ગતિ હોય છે.

જો મનુષ્ય ધારે અને સભાનતાપૂર્વક પ્રયત્ન કરે તો તે જરૂર પોતાની મર્યાદાઓ પાર કરી શકે, પરંતુ તે માટે મનુષ્યે પહેલાં જાગ્રત થવું જોઈએ. પોતાની જાતથી અલિપ્ત થઈને, પોતાની જાતનું તટસ્થતાપૂર્વક અવલોકન કરીને પોતાની મર્યાદાઓ જાણવી જોઈએ. જે મનુષ્ય પોતાની જાતમાં જ ઓતપ્રોત રહેતો હોય, સ્વાર્થમાં જ રચ્યોપચ્યો હોય તે કદી પણ પોતાની મર્યાદાઓ જોઈ શકતો નથી. આથી પોતાની મર્યાદાઓ જાણવા માટે મનુષ્યે પોતાના સ્વકેન્દ્રી સ્વભાવથી ઉપર ઊઠવું જોઈએ. પોતાની મર્યાદાઓ જાણવી એટલું જ પૂરતું નથી. પણ એ મર્યાદાઓમાંથી મુક્ત થવાની તીવ્રતમ ઈચ્છા હોવી જોઈએ. કેટલાય મનુષ્યો એવા હોય છે કે જેઓ પોતાની મર્યાદાઓ જાણતા હોય છે છતાં તેમાંથી મુક્ત બની શકતા નથી, કેમ કે તેમને તેમાંથી મુક્ત થવું હોતું નથી. આથી મર્યાદાનું ભાન થયા પછી એમાંથી મુક્ત થવા માટે સક્રિય પ્રયત્ન કરવા જરૂરી છે.

મારાથી બીજી રીતનું બની જ ન શકાય. એ સાચું નથી. તમે એવા છો એનું કારણ એ કે તમારે તેનાથી તદ્દન ઊલટા પ્રકારનું બનવું જોઈએ. તમારી અંદર મુશ્કેલી રહેલી છે, કેમ કે એ મુશ્કેલી પાછળ એક સત્ય ગુપ્તપણે રહેલું છે, અને તમારે એ નિર્બળતા અને એ મુશ્કેલીનું એ સત્યમાં રૂપાંતર કરવાનું છે. મર્યાદા પ્રત્યેનું આવું વલણ રાખવાથી પછી મર્યાદા નબળાઈ રહેતી નથી પણ તે આત્મવિકાસનું એક પગથિયું બની જાય છે. મનુષ્ય પોતાની મર્યાદાઓને પાર કરીને જેમજેમ આગળ વધતો જાય છે તેમતેમ તે પોતાની અંદર રહેલી અને અત્યાર સુધી પોતાની નિમ્ન પ્રકૃતિની મર્યાદાઓએ ઢાંકી રાખેલી મર્યાદાઓની વચ્ચે સભાનપણે જીવતા તેના જીવન કરતાં આ જીવન ક્યાંય ચઢિયાતું છે અને પોતાના સ્વભાવની નબળાઈઓને જીતવા માટે તેણે જે પરિશ્રમ કર્યો છે, તેના કરતાં અનેક ગણું વધારે વળતર તેને પ્રાપ્ત થયું છે. આમ, પ્રત્યેક મર્યાદાની અંદર એક મહાન શક્યતાનું બીજ રહેલું છે. મર્યાદાઓથી ડરી જનાર અને પોતાનાં હથિયાર હેઠાં મૂકીને પ્રયત્ન જ બંધ કરી દેનાર વ્યક્તિ ઈશ્વરે આપેલી મહાન શક્યતાનાં દ્વાર જ બંધ કરી દે છે. એ તો મર્યાદાઓની સામે અણનમ રહીને ઝઝૂમનાર જ સિદ્ધિને પ્રાપ્ત કરે છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન