A Man Mauled to Death by Lion He Kept in Back Yard
  • Home
  • Featured
  • સિંહ પાળવો પડ્યું મોઘું, જીવ ગુમાવીને ચૂકવવી પડી કિંમત

સિંહ પાળવો પડ્યું મોઘું, જીવ ગુમાવીને ચૂકવવી પડી કિંમત

 | 4:49 pm IST

ચેક રિપબ્લિકના રહેવાસી માઇકલે સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે તેમના દ્વારા પાળવામાં આવી રહેલું જાનવર જ એક દિવસ તેમના મોતનું કારણ બની જશે. તેઓ આ જાનવરને રાખવા માટે પ્રશાસન અને ત્યાંના અન્ય રહેવાસીઓ વિરુદ્ધ થઇ ગયા હતા અને અંતે આ જ જાનવર તેના મોતનું કારણ બન્યું છે. સ્થાનિક પોલીસને 33 વર્ષીય માઇકલની લાશ પિંજરામાંથી મળી આવી છે.

માઇકલને પહેલાથી જ સિંહ પાળવાનો શોખ હતો અને તે પોતાના ઘરની પાછળ એક પિંજરુ બનાવીને આ સિંહને રાખી રહ્યો હતો. જોકે પ્રશાસન દ્વારા આ રીતે સિંહને રાખવાની પરવાનગી આપવામાં આવી નહોતી તેમજ તેમના આ સિહં પાળવાના નિર્ણયનો સ્થાનિકો દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો.

માઇકલ પ્રાસેક પોતાના ઘરની પાછળ આવેલી જગ્યામાં સિંહ અને સિંહણને રાખી રહ્યા હતા. તે વર્ષ 2016માં આ સિંહને લઇને આવ્યા હતા, જ્યાર બાદ વર્ષ 2018માં પ્રજનન માટે સિંહણને પણ લાવવામાં આવી હતી. માઇકલના આ પ્રકારના જાનવર પાળવાના શોખથી સ્થાનિકો પણ ચિંતામાં મૂકાયા હતા અને લોકોને ડર પણ લાગી રહ્યો હતો કે આ સિંહ અને સિંહણ તેમને નુકસાન પહોંચાડી શકે છે.

આ પ્રકારના જાનવરો સાથે જોડાયેલા જોખમો જાણવા છતા પણ માઇકલ જેડીશોક ગામમાં આવેલા પોતાના ઘરની પાછળ આવેલા વાડામાં એક પિંજરુ બનાવીને આ બન્ને પ્રાણીઓને રાખી રહ્યા હતા. પ્રશાસન દ્વારા પણ તેમને આ પ્રકારના જંગલી પ્રાણી રાખવા માટેની પરવાનગી આપવામાં આવી ન હોતી. અગાઉ પ્રશાસન દ્વારા આ પ્રકારના પિંજરા બનાવવાને લઇને પણ વિરોધ દાખવવામાં આવ્યો હતો તેમજ અવૈધ પ્રજજનને લઇને માઇકલને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.

ચેક રિપબ્લિકમાં જાનવરોને રાખવા માટે કોઇપણ પ્રકારની વૈકલ્પિક સુવિધા ન હોવાથી અને જાનવરો પર ત્રાસ ગુજારવાને લઇને કોઇ પ્રમાણ ન મળવાથી આ સિંહ અને સિંહણને ત્યાંથી હટાવી શકાયા નહીં. આ રીતે માઇકલને જાનવરો પાળવાની આડકતરી પરવાનગી મળી ગઇ હતી.

જોકે માઇકલ સમાચારમાં ત્યારે આવ્યા જ્યારે એકવાર માઇકલ પોતાની સિંહણને લઇને વોક પર નીકળ્યા હતા. આ સમયે એક સાયકલ ચાલકની સિંહણ સાથે ટક્કર થઇ ગઇ હતી. આ મામલો ત્યાંની સ્થાનિક પોલીસ સુધી પહોંચ્યો અને તેને રોડ અકસ્માત તરીકે ગણવામાં આવ્યો હતો. જોકે અંતે એક દિવસ આવી ગયો કે માઇકલ દ્વારા પાળવામાં આવેલા સિંહ અને સિંહણ જ તેની મોતનું કારણ બની ગયા.

સ્થાનિક મીડિયાના રિપોર્ટ મુજબ માઇકલની લાશ પિંજરામાંથી મળી આવી હતી અને પિંજરુ અંદરથી બંધ હોવાનો દાવો સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો. ઘટના સ્થળ પર હાજર રહેલી પોલીસની ટીમ દ્વારા આ બન્ને પ્રાણીઓને ગોળી મારીને મારી નાખવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન