A new twist in the Rajya Sabha: Alpesh Thakor's dream was overwhelming
  • Home
  • Ahmedabad
  • રાજ્યસભામાં ભાજપનો નવો વળાંક: અલ્પેશ ઠાકોરનું સપનું રોળાયું, કોંગ્રેસ સાથે ગદ્દારી ભારે પડી!

રાજ્યસભામાં ભાજપનો નવો વળાંક: અલ્પેશ ઠાકોરનું સપનું રોળાયું, કોંગ્રેસ સાથે ગદ્દારી ભારે પડી!

 | 8:30 am IST

ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો માટે એક જ દિવસે અલગ અલગ મતદાન કરવાનો ચૂંટણી પંચે નિર્ણય કર્યો છે. ચૂંટણી પંચના આ નિર્ણયને કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે પણ કોર્ટનો હુકમ આવે તે પહેલાં તો સ્થિતિ એ છે કે, ગુજરાતમાં બંને બેઠકો ભાજપ બહુમતીથી જીતી જાય તેમ છે એટલે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની સ્થિતિ સાપે છછુંદર ગળ્યા જેવી થઈ છે.

કેબિનેટ મંત્રી બનવા થનગની રહેલા અલ્પેશ ઠાકોરને તો ભાજપમાં જેમ બને તેમ જલદીથી પ્રવેશ મેળવવા ઉતાવળ છે પરંતુ રાજ્યસભામાં નવા વળાંકને પગલે ભાજપ પણ અલ્પેશ મામલે જાણીબૂઝીને ગોકળ ગાયની ગતિએ ચાલી મગનું નામ મરી પાડવા તૈયાર નથી.

લોકસભાની ચૂંટણીના ખરા સમયે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ સાથે ગદ્દારી કરી હતી, બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર અલ્પેશે અપક્ષ ઉમેદવાર ઊભો રખાવ્યો હતો, જોકે ભાજપ તો એટલી જંગી સરસાઈથી બેઠક જીત્યું કે અલ્પેશના ઉમેદવારથી કોઈ ફેર પડયો નહતો. કોંગ્રેસના મતમાં એટલા ગાબડાં પડયા નહોતા કે, અપક્ષના કારણે કોંગ્રેસ હારે.

જોકે અલ્પેશનો આખો ગેમ પ્લાન ભાજપને ખુશ કરવા માટેનો હતો અને તેના બદલામાં મંત્રી પદની ગોઠવણ થઈ હતી તેમ અલ્પેશની નજીકના સૂત્રો જ દાવો કરી રહ્યા છે. જોકે રાજ્યસભાની ચૂંટણીમાં નવો વળાંક આવતાં અલ્પેશ ઠાકોર નિરાશ થયો છે, કારણ કે ભાજપમાં અત્યારે તેનો ભાવ પૂછનાર કોઈ નથી, જેના કારણે તેની હાલત સાપે છછુંદર ગળ્યા જેવી થઈ હોવાનો આ વિવાદાસ્પદ ધારાસભ્યના ટેકેદારોમાં જ ગણગણાટ છે.

પરપ્રાંતીયો મુદ્દે અલ્પેશના ભડકાઉ નિવેદનના કારણે દેશભરમાં બદનામ થયો હતો એટલે ભાજપે લોકસભા ચૂંટણી સમયે પક્ષને નુકસાન થશે તેવી ભીતિથી તાત્કાલિક પ્રવેશ કરાવ્યો ન હતો. હવે રાજ્યસભામાં આ વિવાદાસ્પદ ધારાસભ્યની જરૂર નહિ પડે તેવું હાલ ભાજપ માની રહ્યું હોવાથી ભાજપ પ્રવેશ ઉપર હાલ પૂરતી રોક લાગતાં તે રઘવાયો થયો હોવાનું જાણવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન