એ લોકો તો હોય જ એવાં... આવું તમે માનો ખરાં? - Sandesh
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • એ લોકો તો હોય જ એવાં… આવું તમે માનો ખરાં?

એ લોકો તો હોય જ એવાં… આવું તમે માનો ખરાં?

 | 4:22 am IST

એક વાતની સો વાતઃ દીપક સોલિયા

વાસણ ભેગાં થાય ત્યારે ખખડે અને માણસો ભેગા થાય ત્યારે બાખડે એમાં નવાઈ શી છે? કશી નવાઈ નથી. આવું થાય જ.

આ પાકિસ્તાન જુઓ. ધર્મની દ્રષ્ટિએ પાકિસ્તાન ‘એક-જૂથ’ હોવા છતાં, દેશમાં લગભગ બધા જ લોકો મુસ્લિમો હોવા છતાં ત્યાં એક તરફ્ શિયા-સુન્ની ઝઘડે છે, બીજી તરફ્, સેના-શાસકો વચ્ચે તંગદિલી રહ્યા કરે છે (એ જાણે વારા કરે છેઃ પહેલાં તમે રાજ કરો, પછી અમે રાજ કરીએ), સારા તાલિબાનો-ખરાબ તાલિબાનોના નામે માથાકૂટો ત્યાં ચાલે છે, એક જૂથ ‘અલ્યા શાંતિ જાળવો, જંપો’ એવો આગ્રહ સેવે છે તો સામે પક્ષે ‘ભાંગી નાખો, તોડી નાખો, બોમ્બ ફેડો’ એવું ઇચ્છનારું ઉગ્ર જૂથ જોર કરે છે. ટૂંકમાં, ધરમ એક જ હોવા છતાં પાકિસ્તાનમાં પંગાના પાર નથી. તો પછી ભારત જેવા -જબરદસ્ત ધાર્મિક તેમજ સાંસ્કૃતિક વૈવિધ્ય ધરાવતા- દેશમાં વિવિધ જૂથો વચ્ચે ચણભણ થાય એની કોઈ નવાઈ ન હોઈ શકે.

હા, એક ‘ફ્રિયાદ’ વિશે નવાઈ લાગી શકે ખરી. સમાજના બે જૂથો બાખડે ત્યારે એમની આ એક ‘ફ્રિયાદ’ વિચિત્ર હોય છેઃ ‘તમારે લીધે અમે પાછળ રહી ગયા.’ કશાય દંભ વિના સીધેસીધી વાત કરીએ તો ભારતમાં હિન્દુઓને અને મુસ્લિમોને એકમેક સામે આ ફ્રિયાદ છે જઃ આ મામલો બહુ સેન્સિટિવ છે, લોકો બહુ આળા છે અને જમાનો બહુ ખરાબ છે. એટલે સીધેસીધી હિન્દુ-મુસ્લિમની વાત કરવાને બદલે આપણે અમેરિકાના શ્વેત-અશ્વેત વચ્ચેના સમીકરણ દ્વારા આ મામલો સમજી રહ્યા છીએ.

તો વાત એ ચાલી રહી હતી કે ૧૯૯૦ની દાયકાના આરંભે અમેરિકામાં ટીનેજર્સ (કિશોર-કિશોરીઓ) દ્વારા આચરવામાં આવતા ગુનાઓનું પ્રમાણ ચિંતાજનક હદે વધી ગયેલું, પરંતુ ૧૯૯૫ પછી આ ગુનાખોરી ઝડપભેર ઘટવા લાગી. આ અણધાર્યા અને સુખદ પરિવર્તન વિશે અભ્યાસુઓએ ત્રણ તારણ તારવ્યાં. ૧) અર્થતંત્ર સુધરવાથી છોકરા-છોકરીઓ ગુનાખોરી છોડીને કામ-ધંધે લાગી ગયા. ૨) ગન કંટ્રોલ (બંદૂકની ખરીદી અને ઉપયોગ પરના અંકુશ) વધવાથી હત્યાઓ ઘટી. ૩) પોલીસોનાં નવાં વ્યૂહ, નવી નીતિઓ કામ કરી ગઈ. આ કારણો સૌને વાજબી લાગ્યા, પણ એવામાં અર્થશાસ્ત્રી લેવિટ અને પત્રકાર-લેખક ડબનરનું એક સંયુક્ત પુસ્તક પ્રગટ થયું. એ પુસ્તકનું નામ હતું ‘ફ્રિકોનોમિક્સ’. જગતભરમાં ધૂમ વેચાયેલા આ પુસ્તકમાં લેખકોએ એવો દાવો કર્યો કે અગાઉ અમેરિકાના મોટા ભાગના રાજ્યોમાં ગર્ભપાત ગેરકાયદે હોવાથી નાની વયે ભૂલથી માતા બનનારી અપરિણીત ગરીબ છોકરીઓએ પરાણે સંતાનો પેદા કરવા પડતા, પરંતુ ૧૯૭૦ના ‘રો વિરુદ્ધ વેડ કેસ’ના ચુકાદા બાદ અમેરિકામાં ગર્ભપાત કાયદેસર બન્યો. એટલે પરાણે જન્મતાં અવાંછિત સંતાનોનું પ્રમાણ ઘટયું. ટૂંકમાં ગુનાખોરીની શક્યતા ધરાવતા બાળકોના જન્મનું પ્રમાણ ઘટવાથી આગળ જતાં ગુનાખોરી ઘટી એવી દલીલ ‘ફ્રિકોનોમિક્સ’ પુસ્તકમાં કરવામાં આવી. ૨૦૦૫માં આ પુસ્તક પ્રગટ થયું. એ વખતે તરત તો ગર્ભપાત-ગુનાખોરી વચ્ચેના સંબંધની આ દલીલના મામલે ખાસ હોબાળો ન મચ્યો, પણ પછી એ જ વર્ષે અમેરિકાના રૂઢિવાદી રાજકારણી-કમ-વિચારક બિલ બેનેટના રેડિયો શોમાં આ મુદ્દે થયેલા એક સંવાદને કારણે આખા અમેરિકામાં ભારે હોબાળો મચ્યો.

થયું એવું કે પરંપરાપ્રેમી બિલ બેનેટે એમના એક મોર્નિંગ શોમાં કોઈ અજાણ્યા રેડિયો-શ્રોતા સાથે વાત કરી. એ બંનેની લાઈવ વાતચીતમાં ‘ફ્રિકોનોમિક્સ’નો ઉલ્લેખ થયો અને ગર્ભપાત-ગુનાખોરી વચ્ચેના સંબંધની વાત નીકળી. એ વિશે બેનેટે લાઈવ ચેટમાં એવું કહ્યું કે ‘એ વાત (ગર્ભપાત-ગુનાખોરી વચ્ચે સંબંધ હોવા વિશેની ‘ફ્રિકોનોમિક્સ’માં થયેલી રજૂઆત) તો મને પણ વિશ્વસનીય નથી લાગતી, કારણ કે આમાં (ટીનેજર્સની ગુનાખોરીમાં) અનેક પરિબળો કામ કરતાં હોય છે અને એ વિશે આપણે બધેબધું ન જાણી શકીએ. પણ હા, એ વાત સાચી છે કે જો તમે ગુનાખોરી ઘટાડવા માગતા હો તો એ કામ તમે (ગર્ભપાતનું પ્રમાણ વધારીને) કરી શકો ખરા.

જો એ જ તમારો એકમાત્ર હેતુ હોય અને તમે દેશના તમામેતમામ અશ્વેત સંતાનોનો ગર્ભપાત કરાવો, તો હા, એનાથી ગુનાખોરી ઘટે. આવું કરવું અશક્ય છે, બેહુદું છે અને નૈતિક રીતે અત્યંત અયોગ્ય છે. છતાં, એનાથી ગુનાખોરી ઘટે ખરી. (પણ છોડો) ધારણાને આટલે દૂર સુધી ખેંચવાનો માર્ગ લપસણો છે.’

આ દલીલ અત્યંત ચકચારી હતી. બિલ બેનેટ રેડિયો પર બોલતાં તો બોલી ગયા, પણ પછી આખા દેશમાં ખળભળાટ મચ્યો. ઇવન, વ્હાઈટ હાઉસ (રાષ્ટ્રપ્રમુખની ઓફ્સિ)માં પણ એના પડઘા પડયા અને સરકારે સત્તાવાર નિવેદન દ્વારા આ વિધાનને વખોડી કાઢયું. નેચરલી, તમામ અશ્વેતોના ગર્ભપાત કરાવવાની વાતને (ભલે એ એક થિયરિટિકલ કલ્પના હોય તો પણ) કયો રાષ્ટ્રપ્રમુખ વધાવવાનો હતો?

પછી ‘ફ્રિકોનોમિક્સ’ના મુખ્ય લેખક લેવિટે પોતાના બ્લોગમાં આ મુદ્દે સ્પષ્ટતા કરી. એમણે પેલા વિવાદાસ્પદ વિધાનના મામલે પહેલાં તો લેવિટનો બચાવ કરતાં લખ્યું, ‘આ એક લાઈવ રેડિયો શો હતો. એમાં સ્ક્રિપ્ટ અગાઉથી તૈયાર નથી હોતી. લેવિડ પ્રશ્નકર્તા શ્રોતાને લાઈવ વાતચીતમાં (પૂર્વતૈયારી વિના) જવાબ આપી રહ્યા હતા. આ જ લેવિટ જો છાપામાં એડિટ પેજના સામેના પાને કોઈ લેખ લખી રહ્યા હોત તો એમાં એમણે આવી વાત ન જ લખી હોત.’

ટૂંકમાં, માણસ તૈયારી વિના, સહજ રીતે, સ્ફ્ૂરણાને અનુસરીને બોલે ત્યારે આવી ‘ભૂલ’ થઈ શકે છે અને એને બહુ સિરિયસલી ન લેવી જોઈએ એવું લેવિટનું કહેવું હતું. આટલી સ્પષ્ટતા પછી, ગર્ભપાત-ગુનાખોરી-અશ્વેત બાળકોવાળા વિવાદાસ્પદ મુદ્દે લેવિટે પોતાના બ્લોગમાં એવી સ્પષ્ટતા કરી કે ગર્ભપાત કરાવનાર સ્ત્રી શ્વેત છે કે અશ્વેત એ મુદ્દો નથી. મુદ્દો એ છે કે જે છોકરીઓ કિશોરાવસ્થામાં પ્રેગ્નન્ટ થઈ જાય છે, જે કુંવારી માતાઓ છે, જે એકલા હાથે (ઘરમાં અન્ય પુરુષની હાજરી વિના) છોકરાં ઉછેરે છે, જે અમુક ચોક્કસ (પછાત-ગરીબ-ગુનાખોરીપ્રેરક) વિસ્તારોમાં રહે છે એ મહિલાઓનાં સંતાનો ગુનાખોરી તરફ્ ધકેલાય એવી શક્યતા વધારે હોય છે. લેવિટે પોતાના બ્લોગમાં ભારપૂર્વક એવી સ્પષ્ટતા કરી કે આખી વાતમાં મહિલા શ્વેત છે કે અશ્વેત એ વાત મહત્ત્વની નથી, મહત્ત્વ એ વાતનું છે કે માતાની આવક કેટલી છે, માતા બનનારી સ્ત્રી કિશોરી છે કે મોટી ઉંમરની છે, માતા પરણેલી છે કે કુંવારી છે, માતા કેવા એરિયામાં રહે છે…

આટલી સ્પષ્ટતા પછી લેવિટે પોતાના બ્લોગમાં નોંધ્યું કે ‘દેશના તમામેતમામ અશ્વેત સંતાનોનો ગર્ભપાત કરાવો, તો હા, એનાથી ગુનાખોરી ઘટે’ એ વિધાન સાચું હોય તો પણ મહત્ત્વની વાત એ છે કે આવું કરવું ઇચ્છનીય નથી. વિધાન સાચું છે કે ખોટું એના કરતાં નૈતિક રીતે વાત યોગ્ય છે કે અયોગ્ય એ વધુ મહત્ત્વનું છે.

‘ગર્ભપાત અને ગુનાખોરી’ના આ ચકચારી કિસ્સામાં અને વિચારપ્રેરક મુદ્દામાં વધુ ઊંડા ઊતરીશું, આવતા લેખમાં. એ દરમિયાન, આપણે ત્યાં ભારત દેશમાં અમુક જૂથો ફ્ક્ત ધર્મ, જ્ઞાાતિ કે વર્ણને લીધે ગુનાખોરી તરફ્ વધુ ધકેલાતા હોવાનું તમે માનો છો ખરા? જો માનતા હો તો તમારી એ માન્યતાને ફ્રી એક વાર ચકાસી જોવાનું તમને જરૂરી લાગે છે ખરું? આ વિશે શાંતિથી થોડું મનોમંથન કરવા જેવું ખરું. બાકી, એઝ યુ વિશ, જેવી તમારી મરજી. (ક્રમશઃ)