A private resort owner built on the river illegally, now the system woke up
  • Home
  • Featured
  • ખાનગી રિસોર્ટ માલિક દ્વારા નદી પર બાંધવામાં આવ્યો ગેરકાયદે પુલ, હવે તંત્ર સફાળું જાગ્યું

ખાનગી રિસોર્ટ માલિક દ્વારા નદી પર બાંધવામાં આવ્યો ગેરકાયદે પુલ, હવે તંત્ર સફાળું જાગ્યું

 | 6:16 pm IST

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના શિવરાજપુર ગામે ખાનગી રિસોર્ટ માલિક દ્વારા કોઇ પણ પ્રકારની મંજુરી લીધા વિના બાંધવામાં આવેલા પુલ અંગેનો એહવાલ પ્રસારિત કરવામાં આવ્યા બાદ તંત્ર સફાળું જાગ્યું હતું અને આજે હાલોલ મામલતદાર દ્વારા સ્થળ તપાસ કરી રિસોર્ટ માલિકને નોટીસ આપી બાંધકામ બંધ કરાવવામાં આવ્યું હતું .

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના શિવરાજપુર પાસે હાલ એક ખાનગી રિસોર્ટ માલિક દ્વારા પોતાના રિસોર્ટમાં આવન જાવન કરવા માટે સરકારી કોતરની જમીનમાં સરકારની કોઈપણ પ્રકારની પૂર્વ મંજુરી લીધા વિના પુલનું બાંધકામ શરુ કરવામાં આવતા શિવરાજપુરના જાગૃત નાગરિક દ્વારા આ બાંધકામ અંગે વાંધો ઉઠવવામાં આવ્યો હતો પરંતુ આ જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવેલી રજૂઆત બાદ પણ પુલનું બાંધકામ અટકાવવામાં નિષ્ફળ ગયેલું. તંત્ર આ સમગ્ર બાબતે એહવાલ પ્રસારિત કરવામાં આવ્યા બાદ સફાળું જાગ્યું હતું. અને આજે હાલોલ મામલતદાર દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી. સ્થળ તપાસ દરમિયાન પુલનું બાધકામ સરકારી કોતરની જમીનમાં જ કોઈપણ પ્રકારની પૂર્વ મંજુરી વિના કરવામાં આવ્યું હોવાનું જણાઈ આવતા મામલતદાર દ્વારા રિસોર્ટ માલિકને આ અંગે નોટીસ પાઠવી પુલનું બાંધકામ બંધ કરાવ્યું હતું. જોકે આ સમગ્ર મામલે રિસોર્ટ માલિક દ્વારા એક જ રટણ આલાપવામાં આવી રહ્યું છે કે તેના દ્વારા ગ્રામ પંચાયત શિવરાજપુરની મંજુરી મેળવ્યા બાદ જ આ પુલનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે.

સમગ્ર મામલે પંચમહાલ જિલ્લા અધિક કલેકટરને પૂંછવામાં આવતા તેઓ દ્વારા સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું અને સાથે સાથે જણાવ્યું હતું કે રિસોર્ટ માલિક દ્વારા સરકારની કોઈપણ પૂર્વ મંજુરી મેળવ્યા વગરજ પુલનું બાંધકામ કરવામાં આવ્યું છે.

પંચમહાલ જિલ્લા અધિક કલેકટર દ્વારા આપવામાં આવેલા તપાસના આદેશ બાદ હાલોલ મામલતદાર દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી. સ્થળ તપાસમાં પુલનું બાંધકામ ગેરકાયદેસર રીતે કરવામાં આવ્યું હોવાનું માલુમ પડતા પંચનામું સહિતની કાર્યવાહી કરી રિસોર્ટ માલિકને પુલનું બાંધકામ બંધ કરવા તેમજ બાંધકામ અંગેની મંજુરી લીધા વિના કરવામાં આવેલા બાંધકામ અંગે સ્થળ પર જ કારણદર્શક નોટીસ આપવામાં આવી હતી.

શિવરાજપુર ખાતે સરકારી જમીનમાં રિસોર્ટ માલિક દ્વારા બાંધવામાં આવેલા પુલ અંગે ભલે રિસોર્ટ માલિક દ્વારા મંજુરી લેવામાં આવ્યાની વાત કરવામાં આવતી હોય પરંતુ તેઓ દ્વારા કોઈપણ પ્રકારની પુલના નિર્માણ અંગેની મંજુરી મેળવવામાં આવી જ નથી અને પોતાના ખાનગી ઉપયોગ માટે પુલનું નિર્માણ કરવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ થાય છે, ત્યારે તંત્ર દ્વારા હાલ તો આ રિસોર્ટ માલિકને નોટીસ આપીને બાંધકામ બંધ કરવાનું જણાવવામાં આવ્યું હોય. પરંતુ હવે આ પુલને તોડી પાડવામાં આવે છે કે પછી સરકારી કાગળોની આંટી ગુટી વચ્ચે રિસોર્ટ માલિકને આ પુલ કાયદેસરનો બનાવી આપવામાં આવે છે તે જોવું રહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન