A shivling that disappears from time to time in the ocean
  • Home
  • Featured
  • દર્શન કરો ગુજરાતના આ શિવલિંગના: સમયાંતરે અદ્રશ્ય થઈ જાય, પાંડવોના દુર કર્યા કલંક… VIDEO

દર્શન કરો ગુજરાતના આ શિવલિંગના: સમયાંતરે અદ્રશ્ય થઈ જાય, પાંડવોના દુર કર્યા કલંક… VIDEO

 | 9:06 am IST

એક એવુ શિવલિંગ જે સમુદ્રમાં સમયાંતરે અદ્રશ્ય થઈ જાય છે. એક એવુ શિવલિંગ જેણે પાંડવોના કલંક દૂર કર્યા. જી હા આજે આપને દર્શન કરાવીશુ ભાવનગરના ઘોઘા તાલુકામાં સમુદ્રકાંઠે આવેલા નિષ્કલંક મહાદેવ મંદિરના. મહાભારતકાલીન આ શિવાલય પ્રત્યે આજના કળિયુગમાં પણ ભક્તોની અપાર આસ્થા જોડાઈ છે. તો આવો કરીએ નિષ્કલંક મહાદેવ મંદિરના દર્શન.

ભાવનગર જીલ્લાના ઘોઘા તાલુકાનું આ છે કોળિયાક ગામ. આમ તો કૈલાશ જેનું સ્થાનક છે એવા મહાદેવ અહિં સમુદ્રમાં જમીનથી 3 કિમી દૂર સ્થાપિત થયા છે. જી હા મહાભારત કાળથી આ મંદિર આજે પણ અપાર ખ્યાતિ ધરાવે છે. કહેવાય છે કે મહાભારતના યુદ્ધમાં કૌરવોનો નાશ ભલે પાંડવોએ કર્યો પરંતુ આખરે તેઓ એકબીજાના ભાઈ જ થતા હતા. દુખી થયેલા પાંડવોનું માર્ગદર્શન કરતા શ્રી કૃષ્ણે કહ્યુ તમે કાળી ધજા અને કાળી ગાય લઈને પૃથ્વીનું ભ્રમણ કરો.

જે સ્થાને આ કાળી ધજા અને ગાય સફેદ રંગના થઈ જાય ત્યાં જ દૂર થશે તમારા પર લાગેલુ આ કલંક. માધવની વાત માની પાંડુપુત્રો પૃથ્વીનું ભ્રમણ કરતા કરતા આ સ્થાને પધારે છે. જ્યાં શિવજીની કૃપાથી તેમના તમામ પાપ અને કલંક દૂર થઈ ગયા. પાંડવો પર થયેલી શિવકૃપાને કારણે જ આ ધામ કહેવાયુ નિષ્કલંક મહાદેવ. આમ તો સમુદ્રથી 3 કિમી અંદર આવેલુ છે ભોળાનાથનું શિવલિંગ જે ભરતી ઓટની રમતમાં ક્યારેક ધરતી પર લાગે છે તો ક્યારે સમુદ્રમાં ગરકાવ થઈ જાય છે. વિશ્વભરમાં પ્રસિદ્ધ એવા આ નિષ્કલંક મહાદેવ મંદિરનો અપાર મહિમા છે. એ વાત તો અહિં જોવા મળતી ભક્તોની ભીડથી જ સમજી શકાય. મહાભારતકાળના એ સમયમાં ચમત્કારથી અભિભુત થયેલા પાંડવોએ પાંચ શિવલિંગની સ્થાપના પણ કરી.

ભાવનગરના કોળીયાક નજીક સમુદ્ર કિનારે આવેલા આ શિવાલયમાં દર માસની અમાસ અને પૂનમે દર્શનનો અપાર મહિમા છે. વિશ્વભરમાંથી આવતી ભક્તો અહિં ભોળાનાથને વિવિધ સામગ્રીથી પૂજન કરે છે. એવા અસંખ્ય ભક્તો છે જેને મળ્યા છે મહાદેવના પરચા. વર્ષ દરમિયાન ભાદરવી અમાસ. ઋષિ પાંચમ તથા મહાશિવરાત્રીએ તો અહિં ભવ્ય ઉજવણી થાય છે. અસંખ્ય ભક્તો સમુદ્રસ્નાન કરી નીલકંઠના દર્શન કરે છે અને અપાર પુણ્યની પ્રાપ્તિ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન