દુર્ઘટનાઓને રોકવા માટે અસરકારક પગલાં કેમ નહીં? - Sandesh
NIFTY 10,195.15 -165.00  |  SENSEX 33,176.00 +-509.54  |  USD 64.9300 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • દુર્ઘટનાઓને રોકવા માટે અસરકારક પગલાં કેમ નહીં?

દુર્ઘટનાઓને રોકવા માટે અસરકારક પગલાં કેમ નહીં?

 | 1:30 am IST

કરન્ટ અફેર :-  આર. કે. સિંહા

બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં રાષ્ટ્રીય રાજમાર્ગ પર થયેલા એક માર્ગઅકસ્માતમાં એક સાથે આંખના પલકારામાં નવ માસૂમ બાળકોનાં મોતના સમાચાર જે કોઈએ સાંભળ્યા, તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. આખું બિહાર જ નહીં, આખો દેશ આ દર્દનાક અકસ્માતથી આઘાતમાં છે. ઘટનામાં ૨૫ બાળકો પણ ઘાયલ થઈ ગયાં છે, તેઓ પણ હજુ આઘાતમાંથી બહાર આવી શક્યાં નથી.

આ તમામ બાળકો વિદ્યાલયની રજા પડતાં રાજમાર્ગ નં-૭૭ ક્રોસ કરીને બીજી તરફ વસેલાં ગામમાં પોતાનાં ઘરે જઈ રહ્યાં હતાં અને ત્યારે જ એક ઝડપથી દોડતી બોલેરોએ આ બાળકોને અડફટે લીધાં હતાં.

મુઝફ્ફરપુર અકસ્માત બાદ એક વખત એ વાતને સમર્થન મળે છે કે આપણા દેશમાં પગપાળા જતાં લોકોની સ્થિતિ દિન પ્રતિદિન ખરાબ થતી જાય છે. આખરે, ક્યાં સુધી દેશના પગપાળા જતા સામાન્ય ગરીબને રસ્તા પર કોઈ કાર, ટ્રક, મોટરસાઇકલ વગેરે કચડીને જતાં રહેશે? તેને બચાવવાવાળું કોઈ નથી. રાહદારીને લાલ સિગ્નલ લાઇટના સમયે રસ્તો પાર કરવા દેતા નથી, બિનજવાબદાર વાહનચાલકો. પગપાળા જતાં લોકોનાં હિતને કોણ જુએ છે? માર્ગ પર પગપાળા જતાં લોકોને કચડી નાખનારાઓ ઉપર ક્યારે લગામ કસી દેવાશે? દેશમાં દર વર્ષે લગભગ દોઢ લાખ લોકો પોતાના દેશમાં માર્ગઅકસ્માતમાં માર્યાં જાય છે, તેમાંથી લગભગ ૨૦ ટકા લોકો પગપાળા જતાં હોય છે. લગભગ એટલા જ સાઇકલસવાર હોય છે. અકસ્માતને કારણે જીવનભર માટે વિકલાંગ થઈ જાય છે, તેમની સંખ્યા તો મોટી છે. દરેક ગામમાં કોઈને કોઈ તો માર્ગઅકસ્માતમાં વિકલાંગ થયેલા મળી આવશે. સાથે એવો પરિવાર પણ મળશે જેનો પીંખાયેલો પરિવાર જે વધુ એક પરિવારના અપંગ સભ્યની દેખભાળમાં મંડી પડતો હોય છે, તો બીજી બાજુ પરિવાર માટે દાળ-રોટી મળતી રહે એ માટે પણ સંઘર્ષ ચાલુ થઈ જાય છે. એક સમય હતો, જ્યારે રસ્તા પર આટલાં વાહનો ન હતાં અને ન તો આટલી ગીરદી. પગપાળા જતાં લોકો માટે ફૂટપાથ પણ હતી, જેના પર હવે તો ખુમચાવાળાઓનો એકાધિકાર જોવા મળે છે.

જ્યારે વાત માર્ગને પહોળા કરવાની, તેને સુંદર બનાવવાની અને તેને મોટા કરવાની થાય ત્યારે પદયાત્રીઓ અંગે કોઈ જ વિચારતું નથી. તેનું એક કારણ એ છે કે જે સમાજનો છેવાડાનો માણસ છે તે ગરીબ છે, તેની આર્થિક-સામાજિક હેસિયત નબળી છે, તો શું તેથી તે રસ્તા પર તડપી તડપીને મરવાનો શાપિત છે? શું અમીરો સડક પર રાહદારીને કચડતા રહેશે? હું માનું છું કે રાહદારીને કચવા અને વાહનોની માર્ગ ઉપર સતત વધતી જતી સંખ્યાનો સીધો સબંધ છે. કારોનું વેચાણ તો રોકી નહીં શકાય, પરંતુ સરકાર કડક પગલાં ભરીને પગપાળા જતાં લોકોને રાહત તો આપી શકે છે. ફૂટપાથને ફરીથી રાહદારીઓ માટે બરાબર બનાવી શકાય ને? માર્ગની બાજુમાં જ્યાં શાળા, હોસ્પિટલ, મંદિર-મસ્જિદ જેવાં સાર્વજનિક સ્થળો હોય ત્યાં અંડરપાસ કે ફૂટ ઓવરબ્રિજ બનાવી શકાય ને? કમસે કમ શાળા બંધ થાય ત્યારે એક ટ્રાફિક પોલીસ તો તહેનાત કરી જ શકાય છે.

મુઝફ્ફરપુર માર્ગઅકસ્માતે ફરી વખત એ સાબિત કરી દીધું છે કે વધુ વસતીવાળાં ઉત્તર પ્રદેશ, બંગાળ અને બિહારમાંથી પસાર થતાં હાઇવે રાહદારી માટે દેશના સૌથી ખતરનાક બની ગયા છે. તે ક્રોસ કરવો કે તેના પર ચાલવું સતત ભયજનક બની રહ્યું છે. બીજી તરફ ભીષણ અકસ્માત તથા લૂંટફાટ સામાન્ય વાત થઈ ગઈ છે. આ રસ્તા પર સામાન્ય રીતે મૃતદેહો મળતા રહે છે. હત્યારાઓ લાશને હાઇવે ઉપર ફેંકી દેતા હોય છે, જેથી એમ પુરવાર થાય કે તેઓ દુર્ઘટનામાં જ માર્યા ગયા છે. ખરેખર જોઈએ તો એ રસ્તાઓ લોહીથી લથપથ થઈ ચૂક્યા છે. આ હાઇવે પરથી પોતાનાં ગંતવ્ય સ્થળો પર જતા મુસાફરો અને રસ્તાના કિનારે રહેતાં લોકો સતત અકસ્માતનો ભોગ બને છે. તેના પર દરરોજ લૂંટ, ધાડ અને બળાત્કારના કેસો પણ થતા રહે છે. કેટલાક સમય પહેલાં નોઇડાથી શાહજહાંપુર જઈ રહેલા એક પરિવારની સાથે ગાઝિયાબાદ-કાનપુર નેશનલ હાઇવે નંબર ૧ પર સતત લાશો મળતાં પોલીસની ઊંઘ ઊડી ગઈ છે. કહેનારા તો ત્યાં સુધી કહે છે કે નેશનલ હાઇવે નંબર ૧ લાશોને ફેંકી દેવાનું એક સ્થળ બની ગયું છે. ઉત્તર પ્રદેશના લગભગ તમામ હાઇવે ખરાબ જેવા જ છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના આંકડા પર નજર કરીએ તો સમજી જવાય કે ઉત્તર પ્રદેશ અને બિહારના હાઇવે કેટલા અસુરક્ષિત છે. એ બાદ ક્રમશઃ ઓડિશા, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશનો નંબર આવે છે. વાસ્તવમાં ઉત્તર પ્રદેશ અને બિહારને દેશનાં ક્રાઇમ સ્ટેટનો દરજ્જો મળી શકે છે. તેને આ રાજ્યોમાંથી પસાર થતા હાઇવે પર થતી ડઝનો અપરાધિક ઘટનાઓમાં જોઈ શકાય છે. હાઇવે પર થતા અપરાધ પોલીસ માટે માથાનો દુઃખાવો બની ગયા છે, પરંતુ એ પણ એટલું જ સાચું છે કે આખા હાઇવે પર થોડા થોડા અંતરે પોલીસને તહેનાત કરવી પણ શક્ય નથી. ભારતમાં લગભગ એક લાખ કિલોમીટર લાંબો નેશનલ હાઇવેનું નેટવર્ક છે. સૌથી મોટા હાઇવેનું નેટવર્ક ઉત્તર પ્રદેશમાં છે. રાજ્યમાં ૮,૪૮૩ કિલોમીટર લાંબો હાઇવે છે. બિહારમાં પણ નેશનલ હાઇવેની લંબાઈ ૪,૯૬૭ કિલોમીટર છે. બાકીનાં રાજ્યોમાં પણ હાઇવેની લંબાઈ સારીએવી છે, તો પ્રશ્ન એ છે કે આખરે કઈ રીતે આ ગુના અને અકસ્માતો રોકી શકાય? તેનો એક ઉપાય જણાય છે કે ગુનેગારોનાં મનમાં પોલીસનો ખોફ હોવો જોઈએ. તેઓ અપરાધ કરતાં પહેલાં દસ વખત વિચારે. એ જ રીતે હાઇવે પર નક્કી થયેલી ઝડપથી વધુ ઝડપે પોતાનું વાહન ચલાવનારા ઉપર કેમેરાથી નજર રખાવી જોઈએ. હાઇવે પર વાહનવ્યવહારના નિયમોનું પાલન ન કરનારાઓ માટે કડક સજા હોવી જોઈએ. તેઓનાં લાઇસન્સ રદ કરી દેવાં જોઈએ. આપરાધિક લાપરવાહીના ગુનાની સજા સખત હોવી જોઈએ. જ્યારે સંસાધનોનો વિકાસ થાય છે ત્યારે નિશ્ચિત રીતે નવી સભાવના વધી જાય છે, તે શુભ છે, એમ થવું પણ જોઈએ, પરંતુ જ્યાં સંભાવના અને અવસર પેદા થાય ત્યાં નવા પડકારો પણ પેદા થાય. બુદ્ધિનું કામ તો એમાં જ છે કે કડક પગલાં ભર્યાં વિના હાઇવે સુરક્ષિત થઈ શકે નહીં. મુઝફ્ફપુરના હાઇવે પર થતા અકસ્માત બાદ દેશનાં તમામ રાજ્યોની આંખો ખૂલી જવી જોઈએ. સરકારી તંત્રે કડકાઈથી નશો કરીને વાહન ચલાવનારા સામે પગલાં ભરવાં જોઈએ. અહીં એ વાત પણ છે કે જેઓ નિયમ તોડીને વાહન ચલાવે છે તે પણ આવી જાય. હવે તમામ રાજ્યોએ એ નિશ્ચિત કરવું પડશે કે આ પ્રકારના કેસોનું પુનરાવર્તન ન થાય. તમામ રાજ્ય હાઇવે પેટ્રોલનાં નામથી અલગ ટુકડી રચવી જોઈએ. તેની પાસે વાહન અત્યાધુનિક ઉપકરણ અને હાઇવે પર અપરાધ સામે કામ પાર પાડવા ખાસ પ્રકારની તાલીમ હોવી જોઈએ. અહેવાલ મુજબ ભારતમાં વર્ષ ૨૦૧૩માં ૩૯,૮૨૮ લોકો હાઇવે પર થયેલા વિવિધ અકસ્માતોમાં માર્યા ગયાં હતાં. ૨૦૧૪માં એ આંકડો ૪૦,૦૪૯ સુધી પહોંચી ગયો હતો.  સરવાળે જોઈએ તો એક વાત સ્પષ્ટ છે કે દેશનાં નાનાં-મોટાં શહેરોથી લઈને હાઇવેને રાહદારીઓ માટે સુરક્ષિત બનાવવો પડશે. આખરે, કેમ એ માટે વિલંબ કરી રહ્યા છીએ? ચેતી જાઓ, ખતરાની ઘંટડી વાગી રહી છે.

(લેખક રાજ્યસભાના સાંસદ છે)

;