A unique tradition in the country for a happy marriage!
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • લગ્નજીવન સુખી રહે તે માટે દેશદેશમાં નોખી પરંપરા!

લગ્નજીવન સુખી રહે તે માટે દેશદેશમાં નોખી પરંપરા!

 | 7:00 am IST
  • Share

રોમાંચકારી : માખન ધોળકિયા

ગયા અઠવાડિયે આપણે સ્કોટલેન્ડ ભારત અને ચીનના રિવાજો વિષે જાણ્યું. હવે અન્ય દેશના રિવાજો જાણીએ…!

ફિજી – ફિજીમાં લગ્ન કરતાં પહેલાં પોતાના જીવનસાથીના પિતા અર્થાત્ પોતાના ભાવિ સસરાને એક ભેટ આપવી પડે છે. ભેટે પણ કેવી! બીજા કોઈ પ્રકારની ભેટ ન ચાલે. વ્હેલ માછલીના દાંતમાંથી બનેલાં ઘરેણાં જ તેણે પોતાના સસરાને ભેટરુપે આપવાના હોય છે. યુવકની એ ભેટ જો યુવતીના પિતાને ગમે તો જ તે પોતાની દીકરીનો હાથ તેને સોંપે છે, નહીંતર લગ્નની પરવાનગી મળતી નથી, એટલે જો ગિફ્ટ રિજેક્ટ થઈ તો થયું! મેરેજ પણ કેન્સલ!

બોર્નિયો – અહિંયાના અનેક આદિવાસી કબીલાઓમાં લગ્નના દિવસે વર-વધૂને ક્યાંય જવાની પરવાનગી આપવામાં આવતી નથી. એમણે ઘરમાં જ રહેવાનું હોય છે. ઘર બહાર ફરવા જવાની વાત તો દૂર રહી. વર-વધુને બાથરુમમાં ય જવાની પરવાનગી મળતી નથી. આવો કડક કાયદો બનાવવા પાછળ એ સમાજની માન્યતા એવી છે કે, જો વર-વધુ બંને પોતાની જાત પર સંયમ રાખી શકે તો લગ્નજીવન સફળ થઈ જાય. એ લોકો દૃઢતાથી માને છે કે લગ્નજીવન આખરે તો સંયમ જાળવવાનું જ નામ છે. સંયમ કેળવી શકો તો લગ્નજીવન સરસ સુખમય વીતે!

આફ્રિકા – આફ્રિકાના જંગલ પ્રદેશોમાં વસતા અનેક કબીલાઓમાં લગ્ન કરવા માગતા છોકરાઓ અને છોકરીઓ માટે બે અલાયદી વિશાળ ઝૂંપડીઓ બનાવવામાં આવે છે. એક ઝૂંપડીમાં યુવતીઓ અને બીજી ઝૂંપડીમાં યુવકોએ રહેવાનું હોય છે. આ ગોઠવણ થયા પછી છોકરીઓની વિરાટ ઝૂંપડીમાંથી એક એક કરીને યુવતીઓ યુવકોની ઝૂંપડીમાં જાય છે. બધાને ધ્યાનથી જૂએ છે. પછી કોઈ યુવક પસંદ આવે તો એનો હાથ પકડીને બહાર આવે છે. છોકરાઓની ઝૂંપડીમાં જઈને કોઈનો હાથ પકડીને છોકરી બહાર આવે એ પછી બંને ઈચ્છે ત્યારે લગ્ન કરી શકે છે. યુવતીને એકપણ યુવક પસંદ ન આવે તો ત્યારપછીના વર્ષે ફરી આ વિધિ થાય ત્યારે તેને પસંદગીની બીજી તક મળે છે.

ઈટાલી – ઈટાલીના રોમ શહેરમાં લગ્ન એક મઝાની વિધિ કરવામાં આવે છે. લગ્ન નક્કી થયા પછી સૌથી પહેલાં યુવક-યુવતી એક સુંદર અને આકર્ષક તાળું અને ચાવી લઈને  શહેરની વચ્ચેથી વહેતી તાઈબર નદી ઉપર બનાવવામાં આવેલા પુલ પર જાય છે. પુો ઉપર વચ્ચે પહોંચ્યા પછી બંને ઊભા રહે છે. પછી યુવતી તાળાને પકડી રાખે છે અને યુવક એ તાળાને ચાવી ફેરવી લોક કરે છે.

લોક કર્યા પછી તેની ચાવીને નદીમાં ફેંકી દે છે. અહીંના લોકો માને છે કે આ ક્રિયાથી મેરેજ લોક થઈ જાય છે. પછી કોઈ નદીમાંથી ચાવી શોધીને લાવી ન શકે અને એ મેરેજ અનલોક કરી જ ન શકે. એટલે કે એ જોડી જીવનભર એકબીજાની સાથે જ રહે! રોમની માન્યતા અનુસાર એનાથી તેમનું લગ્નજીવન સુખમય વિતે છે ને સંબંધ ગાઢ અને મજબૂત બને છે.

વેલ્સ – અહીં એવો રિવાજ છે કે યુવક-યુવતીની સગાઈની વિધિ થઈ જાય એ પછી ગમે ત્યારે, લગ્ન પહેલાં, યુવક પોતાની ફિઆન્સને લાકડાની નકશીદાર ચમચી ઉપહારમાં આપે છે. આ ચમચી સાચી રીતે તો ભોજનનું જ એક પ્રતીક હોય છે. ભોજનના આ પ્રતીકને પોતાની વાગ્દત્તાને સોંપવાની સાથે ને સાથે એક વચન અર્થાત્ પ્રોમિસ પણ આપે છે કે, તે તેને ક્યારેય ભૂખી નહીં રહેવા દે.

વ્યાપક અર્થમાં જોઈએ તો લગ્ન પછી તે પત્નીની ખુશીઓનું સારી રીતે ધ્યાન રાખશે. ભેટમાં આપવામાં આવેલી ચમચી જેટલી વધુ સુંદર આકારની અને જેટલી વધુ નકશી ધરાવતી હોય એટલું વધારે સુખ-સગવડ ધરાવતું જીવન વીતાવવા મળશે એવું લોકો માને છે. છોકરાઓ પોતાની વાગ્દત્તાને ભેટ આપવા માટે વધારેમાં વધારે સુંદર અને મોંઘેરી ચમચી શોધી લાવે છે.

એમેઝોનઃ એેમેઝોનના જંગલોમાં વસતા કબીલાઓમાં એવ રિવાજ છે કે યુવક અને યુવતી એકબીજાને પસંદ કરી લે તો એ પોતાના માતા પિતાને જાણ કરે છે. પછી એમને જીવનની તાલીમ આપવામાં આવે છે. બંને મળીને પોતાની અલગ ઝૂંપડી બાંધવાની હોય છે. અહીં તેમણે યુગલ તરીકે એક વર્ષ રહેવાનું હોય છે. યુવકે બંને માટે ખોરાક અને વસ્ત્રો વગેરે જરૂરિયાતની વસ્તુઓ લાવી આપવાની અને યુવતીએ ગૃહિણી બનીને ઘર સાચવવાનું. એક વર્ષ પછી બંને કહે કે એકબીજા સાથે જ રહેવું છે તો એમના કાયમી લગ્ન કરાવવામાં આવે છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન