A young Dalit man who attended AMC's school received a PhD from a US university
  • Home
  • Ahmedabad
  • ચાલીમાં રહીને AMCની સ્કૂલમાં ભણેલાં દલિત યુવાનની અનોખી સિદ્ધી, USની યુનિ.માંથી PhDની ડિગ્રી મેળવી

ચાલીમાં રહીને AMCની સ્કૂલમાં ભણેલાં દલિત યુવાનની અનોખી સિદ્ધી, USની યુનિ.માંથી PhDની ડિગ્રી મેળવી

 | 1:55 pm IST

અમદાવાદમાં નરોડા રોડની બંસીની ચાલીમાં રહેતાં દલિત પરિવારના પુત્ર ભરત રાઠોડે અમેરિકાની યુનિવર્સિટી ઓફ મેસેચુસેટ્સમાંથી પીએચડીની ડિગ્રી મેળવીને શૈક્ષણિક સિદ્ધિ સર કરી છે. નરોડાની સામાન્ય શ્રમજીવી ચાલીમાં ઉછેર થયો હતો પછી ધો-૧થી ૫નું શિક્ષણ AMCની શાળામાંથી મેળવ્યું હતુ. તેમણે ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકા જઇને પીએચડીની ડિગ્રી મેળવી છે.

ભરત રાઠોડે ‘દલિત એકેડેમિક એક્સપીરિયન્સિઝ – કાસ્ટ, સ્ટિગ્મા એન્ડ સિસ્ટેમિક એક્સક્લુઝન ઇન ઇન્ડીયા ઇન હાયર એજ્યુકેશન’ના વિષય ઉપર થિસીસ લખ્યો હતો. તેઓએ ભારતમાં ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં દલિત વિદ્યાર્થીઓ સાથે થતા ભેદભાવની ઊંડાણપૂર્વકની છણાવટ થિસિસમાં કરી છે.

ભરત રાઠોડના પિતા કાળીદાસભાઈએ જણાવ્યું કે ભરતભાઈએ એમનું એકડિયું બગડિયું ટેકરાવાળી ચાલી પાસે આવેલી AMCની શાળા નંબર સાતમાં કર્યું હતુ પછી તેઓ પાંચમા ધોરણથી અસારવા વિદ્યાલયમાં ભણવા ગયા હતા. પછી તેમણે દાંતીવાડાની એગ્રિકલ્ચરલ યુનિવર્સિટીમાંથી અનુસ્નાતકની પદવી મેળવી હતી.

ભરત રાઠોડે એક પોસ્ટના માધ્યમથી જણાવ્યું હતુ કે, ‘મારો જન્મ અમદાવાદની એક ચાલીમાં થયો. મારા પિતા મિલમાં કામ કરતાં હતા અને માતા સિવણ કામ કરતા હતા. મારા પિતા આંબેડકરવાદી હોવાના કારણે બાળપણથી સામાજિક-રાજકીય બાબતોનું જ્ઞાન હતુ. શિક્ષણમાં હું સામાન્ય વિદ્યાર્થી હતો પરંતુ ઘરમાં શિક્ષણનું મહત્ત્વ હતુ. તેથી હું એમએસસી એગ્રિકલ્ચર સુધી ભણ્યો પરંતુ મારા સારા શિક્ષણની શરૂઆત અમેરિકા આવ્યા પછી થઇ હતી. ૨૦૧૦માં અમેરિકા આવ્યો. ૨૦૧૩માં પીએચડી શરૂ કર્યું હતુ. અમેરિકામાં ૧૦ વર્ષ પૂરા થયા. શરૂઆતથી લઇ;ે અત્યાર સુધી ઘણો સંઘર્ષ કર્યો. હોટેલથી માંડી સ્ટોરમાં કામ કર્યું હતુ.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન