દાનમાં ભાજપ-કોંગ્રેસ કરતાં છે આગળ, છતાં આપ કહે છે અમે છીએ કંગાળ

297

આમ આદમી પાર્ટી (આપ)ના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ કહે છે કે પંજાબ અને ગોવામાં ચૂંટણી લડવા માટે તેમના પક્ષ પાસે પૂરતા પ્રમાણમાં ભંડોળ નથી. જોકે ચૂંટણી પંચ સમક્ષ આપે રજૂ કરેલા સોગંદનામામાં જૂદું જ ચિત્ર ઉપસી આવે છે.

ચૂંટણી પંચને પૂરી પાડેલી માહિતી પ્રમાણે આપને નાણાકીય વર્ષ 2012-13 અને 2014-15માં ચૂંટણી ભંડોળ પેટે રૂ. 110.06 કરોડ મળ્યા છે. એસોસિયેશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ અને પંજાબ ઈલેકશન વોચ નામની સ્વૈચ્છિક સંસ્થાઓના એનાલિસિસ ઓફ ઈન્કમ ટેક્સ રિટર્ન્સ એન્ડ ડોનેશન રિસિવ્ડ બાય નેશનલ એન્ડ સીજનલ પાર્ટીઝ ઓફ પંજાબ નામના અહેવાલમાં જણાવ્યું હતું કે પંજાબમાં ભાજપ અને કોંગ્રેસ કરતાં આપને વધારે ચૂંટણી ભંડોળ મળ્યું છે.

અહેવાલ મુજબ નાણાકીય વર્ષ 2013-14 અને 2014-15માં સૌથી વધુ ચૂંટણી ફાળો મેળવનારા રાજકીય પક્ષોમાં આપને બીજું સ્થાન મળ્યું હતું. આપને ઉપરોકત ગાળામાં અનુક્રમે રૂ. 15.45 લાખ અને રૂ. 32.45 લાખ ચૂંટણી ફાળા પેટે મળ્યા હતાં. પંજાબમાં ફક્ત શિરોમણી અકાલીદળને જ રૂ 44.47 લાખ મળ્યા હતાં. જ્યારે 2014-14માં રૂ. 2.56 કરોડ મળ્યા હતાં.

ચૂંટણી ભંડોળમાં આપ કરતાં ભાજપ પાછળ રહ્યું છે. ભાજપને અનુક્રમે રૂ. 51,000 અને રૂ. રૂ. 22.71 લાખનું દાન મળ્યું હતું. બંને વર્ષમાં કોંગ્રેસને દાન મળ્યું જ ન હતું.

દિલ્હીમાં અરવિંદ કેજરીવાલે ગોવા વિશે દાવો કર્યો હતો કે તેમની પ્રમાણિક પાર્ટી પાસે પંજાબ અને ગોવામાં ચૂંટણી લડવા માટે નાણાં નથી. અમારા બેન્ક એકાઉન્ટ ખાલી છે. અમે બે વર્ષથી દિલ્હીમાં સત્તા પર છીએ અમે નાણા બનાવી શકતા હતાં, બે વર્ષ થઈ ગયા છતાં અમારી પાસે ચૂંટણી લડવા માટે પણ પૈસા નથી.