આપ પ્લીઝ મેરે બિઝનેસ કે બારે મેં મત લિખના! - Sandesh

આપ પ્લીઝ મેરે બિઝનેસ કે બારે મેં મત લિખના!

 | 2:58 am IST

ગોડફાધર્સઃ શીલા રાવલ

મુંબઈ પોલીસના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મુંબઈની મહત્ત્વની મિલકતો ઉપર કબજો કરવા ઉપરાંત ઈકબાલે પોલીસને ઉલટ તપાસમાં જણાવ્યું હતું કે ડી કંપની અનેક લોકોને રાજકારણમાં પોતાની કારકિર્દી ઘડવામાં મદદ કરવાનું વિચારી રહી છે. એટલે જ જ્યારે લમ્બુ શકીલ એટલે કે શકીલ અહમદ જ્યારે સમાજવાદી પાર્ટીમાં જોડાયો ત્યારે પોલીસ સતર્ક બની હતી. મહારાષ્ટ્ર સમાજવાદી પાર્ટીના સેક્રેટરી અબુ આઝમીએ આ વિશે કહ્યું હતું કે કોર્ટમાં ગુનેગાર સાબિત ન થાય ત્યાં સુધી એ ગુનેગાર ન કહેવાય. એ પછી ઈકબાલ કાસકરે પણ આ જ દલીલ પર પોતે જેલમાં હતો એ દરમિયાન દક્ષિણ મુંબઈના ઉમરખાડી વિસ્તારમાંથી૨૦૦૪ની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ઊભો રહ્યો હતો. જોકે એનું નામ ઉમેદવારોની યાદીમાં આવ્યું નહોતું અને તેણે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. પોલીસ માને છે કે દાઉદે તેને સૂચના આપી હતી કે ચૂંટણીમાં ઊભો ન રહીશ.

જ્યારે ઈકબાલ કાસકર સાથે મારી મુલાકાત થઈ ત્યારે હજી સારા સહારા કેસ ચાલી રહ્યો હતો. એનો ચુકાદો આવ્યો નહોતો. એ કાયદાની ચુંગાલમાં જબરો ફસાયેલો હતો. એ વખતે મેં એને પૂછયું હતું, આપ બાકી ભાઈઓંં કી તરહ પાકિસ્તાન ક્યોં ચલે નહીં ગયે?

તો એણે જવાબ આપ્યો હતો, મૈં ઈન્ડિયન હું. મૈંને અપના પાસપોર્ટ હંમેશાં ઈન્ડિયન હી રખના પસંદ કિયા હૈ. મૈં દુબઈ સે ઘર આના ચાહતા થા, ઔર મુંબઈ હી મેરા ઘર હૈ.

મેં એને કહ્યું હતું, મુંબઈ પોલીસ માન રહી હૈ કિ આપ કો ભાઈને ભેજા હૈ, તાકિ આપ યહાં ઉનકા બિઝનેસ દેખ સકો.

ઉસ કે લિયે મુઝે ઈન્ડિયા આને કી ક્યા ઝરૂરત થી? ઈકબાલે તરત કહ્યું હતું.

એણે જે નહોતું કહ્યું એ વાત એવી ફલિત થતી હતી કે દાઉદનો બિઝનેસ સાચવવાની જ વાત હોત તો એ દુનિયાના કોઈપણ દેશમાં બેઠો બેઠો એને હેન્ડલ કરી શક્યો હોત!

જોકે એક હકીકત અવગણી શકાય એવી નથી. ઈકબાલ કાસકરનો દુબઈમાં ઈલેક્ટ્રોનિક્સનો ધીકતો બિઝનેસ ચાલી રહ્યો છે. ઈકબાલને ચિંતા હતી કે જો એના આ બિઝનેસની ભારતીય અધિકારીઓને ખબર પડશે તો એ લોકો દુબઈ સરકારને ફરિયાદ કરશે અને દુબઈ સરકાર એનું દુબઈમાં બિઝનેસ કરવાનું લાઈસન્સ કેન્સલ કરી દેશે. એની એ ચિંતા છુપાવ્યા વગર એણે મને કહ્યું, દેખિયે દુબઈ મેં મેરા ઈલેક્ટ્રોનિક ગુડ્ઝ કા બિઝનેસ ચલ રહા હૈ. આપ અપની સ્ટોરી મેં ઈસ બિઝનેસ કે બારે મેં બિલકુલ મત લિખના વરના યહાં કી પુલિસ ઔર ઓથોરિટી કો ઈસ બાત કા પતા ચલ જાયેગા ઔર વહ યુએઈ કી સરકાર કો શિકાયત કર કે મેરા વહાં બિઝનેસ કરને કા લાઈસન્સ કેન્સલ કરવા દેંગે. તો પ્લીઝ ઈસ બારે મેં મત લિખના.

મેં એને કહ્યું, દાઉદભાઈને તો એક બાર કહા થા કી દુબઈ ઔર યુએઈ મેં ઉપર તક લોગોં કો પહેચાનતા હૂં, ઉન મેં દુબઈ ઔર મુંબઈ ઈન્ડિયા કે પોલિટિશિયન ભી શામિલ હૈં. તો ક્યા વોહ આપ કો મદદ નહીં કર સકતે?

એણે અવાજ ખૂબ જ ધીમો કરીને કહ્યું, કઈ પોલિટિશિયન આયે થે. હમ ને ફોટો ભી ખિંચવાયે થે. ઉન મેં કુછ તો ટોપ કે લોગ થે.

અરે! યહ તો સ્ટોરી હૈ બોસ! મેં આનંદથી કહ્યું.

અરે બિલકુલ નહીં! એણે ગભરાઈને કહ્યું, અગર આપ ને યહ છાપ દિયા તો જેલ મેં હી મેરા મર્ડર હો જાયેગા.

મેં વિષય બદલીને એને પૂછયું, આપ પોલિટિક્સ જોઈન કરને કે લિયે મુંબઈ વાપસ આયે હો?

એણે કહ્યું, દેખિયે મેરા નામ વોટર લિસ્ટ મેં નહીં હૈ. ઈસ લિયે મૈં અભી તો ઈલેક્શન મેં ખડા નહીં રહ સકતા. પર મેરે શુભચીન્તકોંને ઔર ભાઈને ભી મુઝે યહ સલાહ દી હૈ કિ પોલિટિક્સ મેં ગલતી સે ભી મત આના! ઉન કા કહના હૈ કિ અબ ઔર મુશ્કિલ કો ન્યોતા દેને કિ બજાય મૈં ઈસ કાનુની ઉલઝન સે નીકલકર બસ ચૈન કી જિંદગી જી સકું યહી મેરી કોશિશ હોની ચાહિયે. ઔર કુછ ભી નહીં.

ક્યા આપ કે ઔર ભાઈલોગ ઔર દાઉદભાઈ કભી મુંબઈ વાપસ આયેંગે?

મારા આ સવાલ પર એ ઘડીભર વિચારમાં પડી ગયો. પછી કહે, મુંબઈ કો સારા ફેમિલી મિસ કર રહા હૈ. બદલે હૂએ હાલાત ને હમારા બહુત કુછ જોખિમ મેં ડાલ દિયા હૈ. પર કલ કે બારે મેં કૌન ક્યા કહ સકતા હૈ!

આટલી વાત સાથે મારો ઈન્ટરવ્યૂ પૂરો થઈ ગયો હતો. એ પોલીસવાળાઓ સાથે જતો રહ્યો હતો. એણે કહેલી વાત આજે પણ યથાવત્ છે. એના પરિવારનું ઘણું બધું જોખમમાં છે અને કાલની કોઈનેય ખબર નથી.

ઈકબાલ કાસકર હોવાથી એના મોટાભાઈના નામે જાણે જાદુ થતો હતો અને એ મુંબઈમાં રીયલ એસ્ટેટના કારોબારમાં નવા નવા શિખરો સર કરતો થઈ ગયો હતો. સાથે જ એ મોટાભાઈના કારણે જ સતત પોલીસની નજરમાં રહેતો હતો. દાઉદના કારણે જ એને દુબઈથી મુંબઈ ડીપોર્ટ કરવામાં આવ્યો હતો. અને એની સામે દાઉદનો જ કારોબાર ચલાવવાનો આરોપ પણ હતો. આમ, દાઉદના કારણે એની આસપાસ આપોઆપ એક આભા રચાઈ ગઈ હતી અને ઘણાબધા લોકો એને માન આપવા લાગ્યા હતા, એના કામ સરળતાથી થઈ જવા લાગ્યા હતા. એની સામે દાઉદનો ભાઈ હોવાના કારણે જ એની ઉપર કાયદાની નજર હતી અને વાતેવાતે એની સામે શંકા કરવામાં આવતી હતી.

દાઉદના દુશ્મનો માટે તો એ સાવ સહેલું નિશાન બની જતો હતો. ઈકબાલે કબૂલ કર્યું હતું કે ભાઈએ એને સલાહ આપી હતી કે દુશ્મનો માટે તુ સોફ્ટ ટારગેટ બની જઈશ એટલે એકલો કદી ક્યાંય ન જતો. પોલીસ અને આઈબી પણ તારી પાછળ લાગેલી જ રહેશે.

નાગપાડા અને ભીંડીબજાર તો દાઉદના ગઢ ગણાતા વિસ્તારો હતા. છતાં દાઉદે આ વિસ્તારમાં પણ ઈકબાલ કાસકર માટે જડબેસલાક સિક્યુરિટી ગોઠવી દીધી હતી. એમ છતાં ૧૭ મે ૨૦૧૧ના દિવસે દાઉદની શંકા સાચી પડી. બાઈક પર બે સશસ્ત્ર હુમલાખોરો આવ્યા અને ભીંડીબજારની પકમોડિયા સ્ટ્રીટમાં જ્યાં ઈકબાલ રહેતો હતો એ ડમ્બરવલા બિલ્ડિંગના ચોકીદાર ઉપર પાંચ ફાયર કરીને ભાગી જવા લાગ્યા. પકમોડિયા સ્ટ્રીટમાં ગીચ વસ્તી છે. મોટાભાગના લોકો વહોરા સમાજના છે. મોટાભાગના લોકો બહુમાળી ઈમારતોમાં રહે છે અને રોડ ઉપર સખત ગિરદી રહે છે. બધા દાઉદના બાળપણની વાતો કરતા રહે છે. અહીં કોઈ ફેરિયો કે લારીવાળો કડક તપાસ વગર પ્રવેશ કરી શકતો નથી. ઈકબાલનું અહીં જ રહેઠાણ છે અને ઓફિસ પણ! એ પહેલા માળે રહેતો હતો. હુમલાખોરોએ ચોકીદારને ઢાળી દીધા પછી જો એક માળના પગથિયાં ચઢવાની હિંમત કરી હોત તો ઈકબાલ માટે જાનનું જોખમ થઈ જાત. એના દરવાજા ખુલ્લા જ હતા.

પણ હુમલાખોરોને આ વિસ્તાર દાઉદનો હોવાની ખબર હશે એટલે એમણે ચોકીદાર ઉપર ફાયરિંગ કરીને ભાગી જવામાં જ ડહાપણ જોયું.

(ક્રમશ)

[email protected]