NIFTY 10,167.45 +71.05  |  SENSEX 32,432.69 +250.47  |  USD 64.9275 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • આરુષી હત્યાકાંડ : હાઈકોર્ટે માતા-પિતાને પુરાવાના અભાવે દોષમુક્ત જાહેર કર્યાં

આરુષી હત્યાકાંડ : હાઈકોર્ટે માતા-પિતાને પુરાવાના અભાવે દોષમુક્ત જાહેર કર્યાં

 | 1:36 am IST

અલ્હાબાદ :

નવ વર્ષ પહેલાં નોઈડામાં આરુષી અને હેમરાજની હત્યાના કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે તલવાર દંપતીને નિર્દોષ છોડી મૂક્યું છે. અગાઉ સીબીઆઈ કોર્ટે આ કેસમાં પોતાની પુત્રીની હત્યાના કેસમાં આરુષીનાં માતા-પિતા રાજેશ અને નૂપુર તલવારને દોષિત ઠેરવીને ૨૦૧૩માં આજીવન કેદની સજા ફટકારી હતી, ત્યારથી તલવાર દંપતી ડાસનાની જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યું છે.

દંપતીએ સીબીઆઈના ચુકાદાને અલ્હાબાદ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. ગુરુવારે હાઈકોર્ટના જસ્ટિસ બી. કે. નારાયણ અને જસ્ટિસ એ. કે. મિશ્રની બેન્ચે કહ્યું કે કોર્ટને મળેલા પુરાવાને આધારે તલવાર દંપતીને દોષિત ઠેરવી શકાય નહીં. આ કેસમાં હાઈકોર્ટે ૭ સપ્ટેમ્બરે તેનો ચુકાદો અનામત રાખ્યો હતો. તલવાર દંપતી દિલ્હી અને એનસીઆરમાં ડેન્ટિસ્ટ ડોક્ટરનો વ્યવસાય કરતાં હતાં. આરુષીનો જન્મ ૧૯૯૪માં થયો હતો.

શું છે મામલો?

૧૬મી મે ૨૦૦૮ના રોજ દિલ્હીની નજીકના નોઈડા ખાતે ૧૪ વર્ષની આરુષીનું ગળું કાપીને તેની હત્યા કરાઈ હતી. આ કેસની સીબીઆઈ દ્વારા સાડા પાંચ વર્ષ તપાસ કરાઈ હતી અને સ્પેશિયલ કોર્ટ દ્વારા આરુષીનાં માતા-પિતા રાજેશ તલવાર અને નૂપુરને તેની હત્યા માટે દોષિત ઠરાવાયાં હતાં. લોકોએ આરુષીના હત્યારાઓને સજા કરવા તે વખતે રસ્તાઓ પર દેખાવો કર્યા હતા.

કેટલાં લોકોનાં મર્ડર થયાં હતાં?

આ ઘટનામાં બે લોકોનાં મર્ડર થયાં હતાં. આરુષી અને હેમરાજ નામના ઘરના નોકરની હત્યા કરાઈ હતી. હેમરાજનો મૃતદેહ આરુષીના મર્ડર પછી બીજા દિવસે તલવાર દંપતીનાં મકાનની અગાસીમાં કૂલરમાંથી મળ્યો હતો.

આ કેસમાં કેટલાં લોકો પર શંકા હતી?

આ કેસમાં પ્રાથમિક તપાસમાં ૩ નોકર અને તલવાર દંપતી સામે શંકા દર્શાવાઈ હતી. ત્રણેય નોકરો સામે પુરાવા નહીં મળતાં તેમને છોડી મુકાયા હતા. જે શકમંદો હતા તેમાં રાજેશ તલવારનાં ક્લિનિકમાં કામ કરનાર કૃષ્ણા થડારાજ, ઘરનો નેપાળી નોકર રાજકુમાર, પડોશીનો નોકર વિજય મંડલ અને તલવાર દંપતીનો સમાવેશ થતો હતો.

કેસની તપાસમાં વારંવાર નાટકીય પરિવર્તન આવ્યું

યુપી પોલીસે પહેલાં તલવાર દંપતીને શંકાના દાયરામાં લીધું હતું.

સીબીઆઈને ૩૧ મે ૨૦૦૮ના રોજ કેસની તપાસ સોંપાઈ.

સીબીઆઈના જોઇન્ટ ડિરેક્ટર અરુણકુમારે તલવાર દંપતીને ક્લીનચિટ આપી. ત્રણ નોકરો પર શંકા દર્શાવી.

નોઈડા પોલીસે આરુષીના પિતા રાજેશે જ હત્યા કર્યાની થિયરી રજૂ કરી. આ માટે ઓનર કિલિંગને જવાબદાર ગણાવાયું.

૨૦૦૯માં ફરી સીબીઆઈની બીજી ટુકડીએ તપાસ શરૂ કરી, જેમાં તલવાર દંપતી પર મુખ્યત્વે શક દર્શાવાયો.

ચુકાદો સાંભળીને તલવાર દંપતી ભાવુક થયું

અલ્હાબાદ હાઈકોર્ટેનો ચુકાદો સાંભળીને તલવાર દંપતી ભાવુક થઈ ગયું હતું. કોર્ટે નિર્દોષ જાહેર કરતાં તેમણે પોતાને આખરે ન્યાય મળ્યાનો આનંદ વ્યક્ત કર્યો હતો.

ક્યારે શું થયું?

૧૬ મે ૨૦૦૮ : આરુષી તલવારનો મૃતદેહ ઘરમાંથી મળ્યો.

૧૭ મે ૨૦૦૮ : નેપાળના નોકર હેમરાજની લાશ મકાનની છત પરથી મળી. રાજેશ તલવારે હેમરાજ પર આરુષીની હત્યાનો આરોપ મૂક્યો.

૧૮ મે ૨૦૦૮ : યુપી એસટીએફને તપાસમાં જોડવામાં આવ્યું.

૧૯ મે ૨૦૦૮ : પોલીસે તલવાર પરિવારના પૂર્વ નોકર વિષ્ણુ શર્મા પર શક દર્શાવ્યો.

૨૧ મે ૨૦૦૮ : યુપી પોલીસની સાથે દિલ્હી પોલીસ તપાસમાં જોડાઈ.

૨૨ મે ૨૦૦૮ : આરુષીનું મર્ડર ઓનર કિલિંગને કારણે કરાયાની શંકા. આરુષીએ ૪૫ દિવસમાં જેની સાથે ૬૮૮ વખત વાત કરી હતી તે મિત્રની પૂછપરછ કરાઈ.

૨૩ મે ૨૦૦૮ : પોલીસે ડો . રાજેશ તલવારની મર્ડરના આરોપમાં ધરપકડ કરી.

૨૯ મે ૨૦૦૮ : CBIને તપાસ સોંપાઈ.

૨૭ જૂન ૨૦૦૮ : નોકર રાજકુમારની ધરપકડ કરાઈ.

૧૨ જુલાઈ ૨૦૦૮ : નોકર વિજય મંડલની ધરપકડ, ડો. તલવારને જામીન અપ્યા.

૨૯ ડિસેમ્બર ૨૦૧૦ : સીબીઆઈએ ક્લોઝર રિપોર્ટ રજૂ કર્યો.

૯ ફેબ્રુઆરી ૨૦૧૧ : તલવાર દંપતીને આરોપી ઠરાવાયું.

૨૧ ફેબ્રુઆરી ૨૦૧૧ : દંપતીએ અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી કરી.

૧૯ માર્ચ ૨૦૧૧ : તલવાર દંપતીને સુપ્રીમમાં પણ રાહત નહીં.

૨૬ નવેમ્બર ૨૦૧૩ : નૂપુર અને રાજેશને આજીવન કેદની સજા.

;