'અબલા જીવન હાય તેરી યહી કહાની, આંચલમેં હૈ દૂધ ઔર આંખોમેં પાની' - Sandesh
  • Home
  • Columnist
  • ‘અબલા જીવન હાય તેરી યહી કહાની, આંચલમેં હૈ દૂધ ઔર આંખોમેં પાની’

‘અબલા જીવન હાય તેરી યહી કહાની, આંચલમેં હૈ દૂધ ઔર આંખોમેં પાની’

 | 2:37 am IST

ચલતે ચલતે : અલ્પેશ પટેલ

દેશમાં મહિલાઓના આત્મ સમ્માન અને ઉત્થાનની વાતો વચ્ચે વધેલું ગનાખોરીનું પ્રમાણ ચોંકાવનારું છે. કડવી વાસ્તવિક્તા એ છે કે, આજે દેશમાં દર છ કલાકે દુષ્કર્મની એક ઘટના બને છે. આરોપીઓ બિન્દાસ્ત ગુનાને અંજામ આપી પોતાનું કામ તમામ કરી રહ્યા છે. દિલ્હી મહિલાઓ સામેના અત્યાચાર મામલે સૌથી જોખમી સાબિત થઈ રહ્યું છે. જાણીને આૃર્ય થાય છે પણ કડવું અને નગ્ન સત્ય છે કે, મહિલાઓ સામેના ગુનામાં ૨૦૦૭થી ૨૦૧૬ સુધીમાં અધધધ ૮૩ ટકાનો વધારો થયો છે. જે મહિલા દુષ્કર્મનો ભોગ બને છે તેવી ૧૦ પીડિતામાંથી ચાર તો સગીરા હોય છે. માથું શરમથી ઝૂકી જાય તેટલી હદે ૨૦૧૬માં દુષ્કર્મની ૪૦ હજાર ઘટના પ્રકાશમાં આવી હતી. જે પોલીસ ચોપડે નોંધાઈ છે તેવી અને જે નોંધાઈ નથી એવી ઘટનાઓ કેટલી હશે ? એ વિચારવા જેવી બાબત છે. માત્ર એટલું જ નહીં પરંતુ, ૨૦૧૪થી ૨૦૧૬ સુધીમાં મહિલાઓ સામે અત્યાચારના ૧,૧૦,૩૩૩ જેટલા બનાવ નોંધાયા હતા. આજે પણ રોજ છેડતીના ૫૭ બનાવ બની રહ્યા છે. છાશવારે જે લોકો મહિલાઓની સલામતીની વાતો કરી રહ્યા છે તે કયા મોંઢે બોલી રહ્યા છે ? રોજ દુષ્કર્મની ૧૦૬ ઘટના સામે આવી રહી છે. એક કલાકમાં સરેરાશ મહિલાઓ સામે અત્યાચારના ચાર બનાવ બની રહ્યા છે.

નિઃસહાય બાળાઓ  

દેશમાં ૧૦ વર્ષની આસપાસની બાળાઓને દુષ્કર્મનો શિકાર બનાવવામાં આવી રહી છે અને આરોપીઓ હવસ સંતોષ્યા બાદ બેરહેમીથી તેમની કરપીણ હત્યા કરતાં પણ ખચકાતા નથી. જે બાળાને હજુ દુનિયા જોવાની હોય છે એ બાળાને નિરપિશાચીઓ પીંખી નાખે છે. બાળાઓ સામેના ગુનામાં ૨૭૮ ટકાનો વધારો થયો છે જે આંકડો સામાન્ય માણસને તમ્મર લાવી તેવો છે. દેશમાં જેટલી દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવે છે તેમાં ૫૦ ટકા બનાવમાં બાળાની ઉંમર ૧૦ વર્ષથી પણ ઓછી હોય છે. આરોપીઓ આવી બાળાઓને ટાર્ગેટ કરી રહ્યા છે કેમ કે, બાળા પ્રતિકાર કરી શક્તી નથી અને લાલચ આપી ફોસલાવી પણ દે છે. બાળાઓની જિંદગી દોઝખ કરનારા ભૂખ્યા વરૂઓને કાયદાના પાઠ ભણાવવામાં હજુ આપણે ઊણા ઊતરી રહ્યા છે જેના લીધે આરોપીઓને મોકળું મેદાન મળી રહ્યું છે અને જાણે કે કોઈ રોકનારે કે ટોકનાર ન હોય તેવી રીતે બાપનો બગીચો હોય તેમ ગુનાઓ આચરી રહ્યા છે.

મહિલાના આપઘાત  

આપણો પુરૂષ પ્રધાન સમાજ હજુ પણ પોતાની માનસિક્તામાંથી બહાર આવ્યો નથી. પુત્ર પ્રાપ્તિની ઝંખનાનું ભૂત હજુ અનેક સમાજોમાં ઘર કરી ગયું છે જેના પાપે મહિલાઓને અકાળે મોતને વ્હાલું કરવું પડે છે. દેશમાં દર ૨૪મી મિનિટે એક મહિલા ફાની દુનિયાને અલવિદા કહી રહી છે. ૭૭મી મિનિટે એક મહિલા દહેજનો શિકાર પણ બની રહી છે. ૪૫ ટકા મહિલાઓ પતિના અત્યાચારનો શિકાર બની રહી છે. જે લોકો માત્ર સસ્તી પ્રસિદ્વિ માટે મહિલાઓની ચિંતા કરે છે તે જરા વાસ્તવિક્તા સમજશે ખરા ? સાસરિયાંના અત્યાચાર સામાન્ય બાબત બની ગઈ છે. દહેજ પ્રથાનું ભૂત ધૂણ્યા કરે છે અને કેટલીય મહિલાઓ તેમાં સ્વાહા થઈ રહી છે. બેટી નહીં અમને તો પુત્ર જ જોઈએ તેવી પ્રબળ ઝંખના રાખતા સાસરિયાંની આપણી આસપાસ કમી નથી. પુત્ર આપવો કે પુત્રી એ તો કુદરતની વાત છે છતાં પણ પુત્ર પ્રાપ્તિમાં અંધ બનેલા લોકોના પાપે મહિલાઓને નાછૂટકે જીવતર ટૂંકાવી દેવું પડે છે.

જીવલેણ પ્રસૂતિ  

આજે પણ દેશમાં ૪૦ ટકા મહિલાઓ અસુરક્ષિત ગર્ભપાત કરાવી રહી છે. દર વર્ષે આશરે એક લાખ મહિલાઓ બાળકને જન્મ આપતી સમયે ઉભી થતી સમસ્યાઓથી મૃત્યુ પામે છે. દર ૪૦ મહિલામાંથી એકનું ગર્ભાવસ્થા દરમિયાન મોત થાય છે. કાચી વયે બાળકને જન્મ આપવાનું પ્રમાણ વધી રહ્યું છે. ૨૦ વર્ષથી ઓછી વયે પણ મહિલાઓ બાળકને જન્મ આપી રહી છે. જે ઉંમર સલામત ગણાતી નથી. માત્ર એટલું જ નહીં પણ ૮૦ ટકા ગ્રામીણ મહિલાઓ હોસ્પિટલથી પાંચ કિલોમીટરના અંતરે રહે છે છતાં પ્રસૂતિ માટે હોસ્પિટલ પહોંચવા માટે વાહન-વ્યવહાર મળતો નથી. ઘણી મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન પોષણક્ષમ આહાર મળતો નથી. જોઈતે તેટલો આરામ મળતો નથી. સ્વાસ્થ્ય પરીક્ષણ સામે અવાજ ઊઠાવતી નથી તો અનેક મહિલાઓ ગરીબીનો સામનો કરી રહી છે.

સલામત ગુજરાત  

સબ સલામતની વાતો વચ્ચે ગુજરાતમાં મહિલાઓ સામે ગુનાઓનું પ્રમાણ રોકેટગતિએ વધ્યું છે.રાજ્યમાં ૨૦૧૭-૧૮માં જ ૧,૨૪૩ મહિલાઓની છેડતી કરવામાં આવી હતી. જેમાં મેટ્રો સિટી અમદાવાદ સૌથી વધુ ૨૪૧ બનાવ સાથે ટોપ પર હતું. માત્ર એટલું જ નહીં અન્ય શહેરો પણ તેમાં પાછળ નથી. રાજકોટ-૨૨, સુરત-૯૮, વડોદરા-૭૩, સાબરકાંઠા-૫૫, ભાવનગર-૬૧, પંચમહાલ-૩૬, દાહોદ-૩૨, બનાસકાંઠા-૫૫, કચ્છ-૫૬, ગાંધીનગર-૪૭, નર્મદા-૨૫, મહિસાગર-૨૪ અને અમદાવાદ ગ્રામ્યમાં ૨૧ બનાવ પ્રકાશમાં આવ્યા હતા. આ સિવાય રાજ્યમાં ગેંગરેપના છેલ્લા પાંચ વર્ષમાં ૯૭ બનાવ સામે આવ્યા હતા. જેમાં માત્ર ૪૦૮ આરોપીઓ પકડાયા છે અને બીજા આરોપીઓ લીલાલહેર કરી રહ્યા છે. ૨૦૧૪-૧૫માં અમદાવાદમાં સૌથી વધુ ગેંગરેપના ૧૫ બનાવ બન્યા હતા. એ પછી સુરતમાં ૯ બનાવ બન્યા હતા. ૨૦૧૪-૧૫માં ૧૬ બનાવ, ૨૦૧૫-૧૬માં ૧૩ બનાવ, ૨૦૧૬-૧૭માં ૨૪ બનાવ અને ૨૦૧૭-૧૮માં ૧૯ ગેંગરેપના બનાવ બન્યા હતા. જે બાળાઓ અને મહિલાઓ ગુનાનો ભોગ બની રહી છે તે બિચારી ગરીબ અને મધ્યમવર્ગની છે. જે ન્યાય માટે ગુહાર લગાવે છે છતાં પણ ક્યારેક પૈસાના જોરે કૂદતા લોકો કાયદાને પણ ખિસ્સામાં લઈને ફરે છે. રાજકારણીઆએે માત્રને માત્ર મગરના આંસુ સારીને દૂર રહેવાની કળા સારી રીતે આત્મસાત કરી લીધી છે. દુષ્કર્મનું દુઃખ શું હોય છે અને સ્ત્રીની ઈજ્જત શું હોય છે એ તો સ્ત્રી જ સારી રીતે જાણે છે, નમાલા નેતાઓને એ ક્યાંથી સમજાય ? માત્ર એટલું જ નહીં પણ ગુજરાતમાં પીડિત મહિલાઓની ફરિયાદોમાં વધારો નોંધાયો છે. ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પ લાઈન પર બે વર્ષમાં ૩.૧૦ લાખ મહિલાઓની ફરિયાદો મળી છે. વર્ષ ૨૦૧૭-૧૮માં ૧.૩૫ લાખ મહિલાઓએ ફોન કરી મદદ માટે ગુહાર લગાવી હતી, એ પછી વર્ષ ૨૦૧૮-૧૯માં ૧.૭૪ લાખ ફરિયાદો નોંધાઈ છે. જૂન ૨૦૧૭થી મે ૨૦૧૮ સુધીના અરસામાં કુલ ૧,૩૫,૪૮૧ ફરિયાદો અભયમ હેલ્પ લાઈનને મળી હતી, એ પછી જૂન ૨૦૧૮થી મે ૨૦૧૯ના અરસામાં ૧,૭૪,૮૦૫ ફરિયાદો મળી હતી.

કડક સજા નહીં  

આજે પણ દેશની જુદી-જુદી કોર્ટોમાં દુષ્કર્મના એક લાખ કેસ પડતર છે. તે ક્યારે શરૂ થશે અને આરોપીઓને ક્યારે સજા થશે એ કોઈ છાતી ઠોકીને કહી શક્તું નથી. આરબ દેશો આ મામલે આરોપીઓને ખતરનાક સજા આપીને મહિલાઓનું સન્માન કરી રહ્યા છે. જ્યાં દુષ્કર્મ જેવી ઘટનામાં આરોપીને ક્ષણનો પણ વિલંબ કર્યા વિના દેહાંતદંડની સજા કરી દેવામાં આવે છે. કેવા પુરાવા અને કેવી કોર્ટો ? ગમે તેટલો ચમરબંધી આરોપી હોય તેના માટે ફાંસીનો માંચડો તૈયાર હોય છે. અહીં હિન્દીના સુપ્રસિદ્વ કવિ મૈથિલીશરણ ગુપ્તની પંક્તિઓ અચૂક યાદ આવી જાય છે કે-‘અબલા જીવન હાય તેરી યહી કહાની, આંચલમેં દૂધ ઔર આંખોમેં પાની.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન