બેસ્ટની હડતાલ અંગે ગુજરાતી નગરસેવકોનું શું કહેવું છે? - Sandesh
  • Home
  • Mumbai
  • બેસ્ટની હડતાલ અંગે ગુજરાતી નગરસેવકોનું શું કહેવું છે?

બેસ્ટની હડતાલ અંગે ગુજરાતી નગરસેવકોનું શું કહેવું છે?

 | 12:19 am IST

। મુંબઈ ।

છેલ્લા છ દિવસથી ચાલી રહેલી બેસ્ટની હડતાલને કારણે મુંબઈગરાઓ હેરાન-પરેશાન થઈ રહ્યા છે. રોજીરોટી કમાવા જતા ગરીબ અને નીચલા મધ્યમ વર્ગના લોકોએ બસના અભાવે રિક્ષા કે અન્ય સાધનોમાં વધુ પૈસા ચૂકવવા પડતા હોવાથી તેમનું માસિક બજેટ ખોરવાઈ ગયું છે. દરેક બેસ્ટના કામદારોની માંગણીઓ અંગે ચર્ચા કરી રહ્યા છે પણ સામાન્ય મુંબઈગરાની હાલાકી જાણે હાંસિયામાં જતી રહી હોય એવું લાગી રહ્યું છે. છ દિવસથી સત્તાધારી, પ્રશાસન, સરકાર અને રાજકીય પક્ષો વચ્ચે ચાલી રહેલા શતરંજના આટાપાટામાં સામાન્ય માણસ ભીંસાઈ રહ્યો છે. વિવિધ માંગણીઓ કે મતદાર ક્ષેત્રની તકલીફો અંગે પાલિકા ગજવનારા નગરસેવકોનો અવાજ છેલ્લા છ દિવસથી ચાલી રહેલી હડતાલ અંગે સાંભળવા મળ્યો નથી. એટલે શહેરના વિવિધ વિસ્તારોના અને અલગ અલગ પક્ષોના ગુજરાતી નગરસેવકોને બેસ્ટની હડતાલ અને એ સંબંધિત સવાલો પૂછયા. શું કહે છે આ નગરસેવકો…

અતુલ શાહ (બેસ્ટ સમિતિના સભ્ય)

બેસ્ટના ઇતિહાસમાં આટલી લાંબી હડતાલ ક્યારેય પડી નથી. કોઈ પણ હડતાલ લાંબો સમય ચાલે એ લોકહિતમાં નથી એટલે એનો વહેલી તકે ઉકેલ લાવવો જોઇએ. કામદારોને પણ સંતોષ મળવો જોઇએ અને બેસ્ટની આર્થિક હાલત કેવી રીતે સુધરી શકે એનો પણ કાયમી ઉકેલ શોધાવો જોઇએ. બીજું, મુંબઈ મહાપાલિકા આર્થિક રીતે સક્ષમ છે તો તેણે બેસ્ટને ખોટના ખાડામાંથી બહાર કાઢવા શક્ય એટલી સહાય કરવી જોઇએ. બાકી છ દિવસથી મુંબઈગરાના જે હાલ થઈ રહ્યા છે એ જોઈ સરકારે મધ્યસ્થી કરવી પડશે એમ ભાજપના નગરસેવક અતુલ શાહે જણાવ્યું હતું.

મુરજી પટેલ (બેસ્ટ સમિતિના સભ્ય)

બેસ્ટ સમિતિના સભ્ય એવા ભાજપના મુરજી પટેલનું કહેવું છે કે પ્રશાસન અને યુનિયને જીદ્દ બાજુ પર મૂકી કામદારોના હિતમાં સકારાત્મક ચર્ચા કરી નિવેડો લાવવો જોઇએ. પ્રશાસને પણ ઘર ખાલી કરવાની કે નોકરીમાંથી કાઢી મૂકવા જેવી જોહુકમી કરવાને બદલે માનવતાવાદી અભિગમ અપનાવી હડતાલનો નિવેડો લાવવો જોઇએ. બેસ્ટ પ્રશાસનના તઘલખી નિર્ણયોને કારણે આજની પરિસ્થિતિ નિર્માણ થઈ છે એ તો સુવિદિત છે. પ્રશાસને માત્ર કામદારો જ નહીં, લાખો મુંબઈગરાને પણ ધ્યાનમાં રાખી યોગ્ય નિર્ણય લેવાની ઘડી આવી ગઈ છે. મારા વિસ્તારમાં રોજ ૫૫ થી ૬૦ હજાર નોકરિયાતો બસમાં તેમના કામના સ્થળે પહોંચે છે.

હેતલ ગાલા (નગરસેવિકા)

બાન્દ્રાથી ચૂંટાઈ આવેલાં ભાજપના નગરસેવિકા હેતલ ગાલાનું કહેવું છે કે કામદારોની માંગણીઓ વાજબી હોય કે નહીં, પણ હડતાલ પર ઉતરેલા બેસ્ટના કર્મચારીઓ પર જબરજસ્તી ન થવી જોઇએ. મારા જ વિસ્તારમાં આવેલી બેસ્ટની કોલોનીમાં ૨૪૦ પરિવાર રહે છે તેમને ઘર ખાલી કરવાની નોટિસો આપવામાં આવી છે. એ સાથે ખોટ કેમ ઓછી કરવી એની જવાબદારી સત્તાધારીની છે, કામદારોની નહીં. હું એવું નથી કહેતી કે કામદારોની બધી માંગણીઓ વાજબી છે પણ પ્રશાસનની ધમકીઓને વશ થયા વગર આટલા દિવસથી હડતાલ પર ઉતર્યા છે તો તેમની માગણીઓ પ્રત્યે સહાનુભૂતિપૂર્વક વિચારણા થવી જોઇએ.

પ્રવીણ શાહ (નગરસેવક)

ભારતીય જનતા પાર્ટીના સિનિયર કોર્પોરેટર પ્રવીણ શાહનું કહેવું છે કે બેસ્ટ પ્રશાસન પાસે જો પૈસા જ ન હોય તો બેસ્ટના કામદારોની માંગણી કેવી રીતે સ્વીકારી શકાય. આ તો ચૂંટણીનું વરસ છે એટલે બધા નાક દબાવી લાભ લેવાના પ્રયાસો કરી રહ્યા છે. અત્યાર સુધી બેસ્ટ પ્રશાસને લીધેલા ખોટા નિર્ણયોને કારણે આ દિવસો જોવાનો વારો આવ્યો છે. બેસ્ટના આટલા વરસના ઇતિહાસમાં પહેલીવાર આટલી લાંબી હડતાલ ચાલી છે ત્યારે વહેલી તકે યોગ્ય નિર્ણય લઈ મુંબઈગરાઓને ત્રાસમાંથી મુક્ત કરવા જોઇએ. હા, કામદારોની યોગ્ય માંગણીઓનો વહેલી તકે નિવેડો આવે એ પણ જરૂરી છે.

રાજુલ પટેલ (નગરસેવિકા)

શિવસેનાના આ તેજતર્રાર નગરસેવિકાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, શિવસેનાએ બેસ્ટને પાલિકા સાથે ભેળવી દેવાનો પ્રસ્તાવ વરસ અગાઉ જ પાલિકા કમિશનરને મોકલી આપ્યો હતો, પરંતુ જ્યાં સુધી કમિશનર સરકારને મોકલે નહીં ત્યાં સુધી પાલિકાની સત્તાધારી શિવસેના કંઈ કરી શકે એમ નથી. પાલિકાના લોકહિતના નિર્ણયો અંગે પણ સરકાર રાજનીતિ કરી રહી છે. અમને પણ ખ્યાલ છે કે મુંબઈગરાના બેહાલ થઈ રહ્યા છે અને એનું કારણ છે સરકાર અને પાલિકા વચ્ચેનો ગજગ્રાહ. આ અગાઉ પણ અમે ૫૦૦ ચોરસ ફૂટના ઘર પરનો પ્રોપર્ટી ટેક્સ માફ કરવાની દરખાસ્ત મોકલી હતી જે હજુ સુધી મંજૂર થઈ નથી.

આસિફ ઝકરિયા (નગરસેવક)

બેસ્ટના કર્મચારીઓની માંગણી કંઈ આજકાલની નથી. વરસોથી તેઓ રજૂઆત કરતા આવ્યા છે પણ કોઈ લાંબા ગાળાની યોજના બનાવવા તેયાર નથી. બેસ્ટ પ્રશાસને પણ પરિવહન સેવા ખોટ કરતી હોવાની વાત વરસો સુધી દબાવી રાખી. બેસ્ટ પ્રશાસનના મનઘડંત નિર્ણયોને કારણે પ્રવાસીઓની સંખ્યા ૨૫ લાખથી ઘટીને ૧૨-૧૫ લાખ પર આવી ગઈ. એટલું જ નહીં, બેસ્ટ પ્રશાસન રોજ ત્રણેક કરોડ રૂપિયાની ખોટ કરી રહ્યું છે. જો આ વાતનો વહેલી તકે નિવેડો લાવવામાં નહીં આવે તો એક સમયે મુંબઈની શાન ગણાતી બેસ્ટની બસો ભૂતકાળ બની શકે છે. બેસ્ટનું પ્રાઇવેટાઇઝેશન કરવાથી ઉકેલ આવી શકે છે એમ માનવું ભૂલભરેલું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;