નવીનવેલી દુલ્હનને ગુમાવ્યા બાદ વરરાજાએ કહેલા શબ્દો સાંભળી તમારી આંખો ભીની થઈ જશે - Sandesh
  • Home
  • Gujarat
  • નવીનવેલી દુલ્હનને ગુમાવ્યા બાદ વરરાજાએ કહેલા શબ્દો સાંભળી તમારી આંખો ભીની થઈ જશે

નવીનવેલી દુલ્હનને ગુમાવ્યા બાદ વરરાજાએ કહેલા શબ્દો સાંભળી તમારી આંખો ભીની થઈ જશે

 | 10:43 am IST

મંગળવારે વહેલી સવારે ભરૃચ હાઈવે પર નબીપુર પાસે નવવિવાહિત દંપત્તિ પોતાના જીવનનો નવો અધ્યાય શરૃ કરે તે પહેલા જ દુલ્હન કાળનો કોળીયો બની જતા લગ્નનો સુખદ પ્રસંગ પર માતમની કાલીમાં છવાઈ ગઈ હતી. દ્વારકાથી લકઝરી બસમાં લગ્ન આટોપી જાનૈયાને પરત લઈ સુરતનો ભદ્રેશા પરિવાર આવી રહ્યો હતો ત્યારે નબીપુર હાઈવે પર ઉભેલી ટ્રકમાં લકઝરી બસ ઘુસી જતા વરરાજાના માતા-પિતા, દુલ્હન સહિત 4 વ્યકિતના કરૃણ મોત નિપજયા હતા. જયારે રર થી વધુ લોકોને ઈજા થઈ હતી. મરનારાઓમાં જ નવી પરણેલી વહુ હિમાની હતી, તો બીજી તરફ વરરાજાએ તેના પિતા તુલસીભાઈ અને માતા ગીતાબેન પણ ગુમાવ્યા.

બધુ ગુમાવી દીધુ પણ હિંમત નથી હાર્યો : વરરાજા
લગ્નનો માંગલિક પ્રસંગ માતમમાં ફેરવાવા સાથે પોતાની નવી નવેલી દુલ્હન તેમજ માતા-પિતાને ગુમાવનાર વરરાજા સંજય સ્વજનોને મૃત હાલતમાં જોઈ હતપ્રત બની ગયો હતો. સ્થળ પર ઈજાગ્રસ્તોની બુમરાણ, સ્વજનોના રૃદન અને પ્રિયપાત્રોની અણધારી તેમજ દુઃખદ વિદાય વચ્ચે પણ વરરાજા સંજયે હૈયામા હામ રાખી ફસાયેલા અન્ય જાનૈયાઓને બહાર કાઢવા પુરતા પ્રયાસો કર્યા હતા. અન્ય સગાસંબંધીઓ અને 108 ને જાણ કરી ઈજાગ્રસ્તોને હોસ્પીટલ પહોંચાડવા માટે હિંમતભેર પ્રયત્નો કર્યા હતા. સીવીલ હોસ્પીટલ ખાતે પણ બધુ ગુમાવી દેનાર દુલ્હાએ અંતરની વેદનાઓને દબાવી હિંમતભેર જણાવ્યુ હતુ કે, મારું સર્વસ્વ ગુમાવી દીધુ છે પણ હું હિંમત નથી હાર્યો.

સિવિલ હોસ્પિટલમાં આક્રંદ છવાયો
ભરૃચ સીવીલ હોસ્પિટલમાં અકસ્માતમાં મૃત્ય પામેલા દુલ્હન સહિત જાનૈયા તેમજ ઈજાગ્રસ્તોને લાવતા શોકની કાલીમા વચ્ચે આક્રંદ છવાયો હતો. મૃતકો તેમજ ઈજાગ્રસ્તોના પરિવાર સાથે સગાસંબંધીના વલોપાતને લઈ સીવીલ સંકુલ ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયુ હતુ. લોકોના ટોળેટોળા વચ્ચે ભારે ભીડ ઉમટી પડી હતી.

ઉલ્લેખનીય છે કે, ભરૃચ નેશનલ હાઈવે નં.૮ પર મંગળવારે વહેલી સવારે દ્વારકાથી જાન લઈને પરત ફરતા સુરતના મોડેલ ટાવર, અર્પણ કોમ્પલેક્ષમાં રહેતા તુલસીભાઈ ભદ્રેસરાના પરિવારને ગમખ્વાર અકસ્માત નડયો હતો. જાનૈયાઓની લકઝરી બસ અને ઉભેલી ટ્રક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતથી લગ્નનો રૃડો પ્રસંગ ઘેરા શોકમાં રૃપાતંરિત થઈ ગયો હતો. મળતી માહિતી મુજબ સુરતનો ભદ્રેસરા પરિવારના વરરાજા સંજયના લગ્ન હિમાની સાથે પુર્ણ થતાં વરરાજા સહિત જાનૈયાઓ દુલ્હનને લઈ પરત ફરી રહ્યા હતા. અકસ્માતમાં દુલ્હન હિમાનીનું ગંભીર ઈજાઓના કારણે ઘટનાસ્થળે જ મૃત્યુ થતાં લગ્ન જીવનની શરૃઆત પહેલા જ નવદંપત્તિ વિખૂટુ પડયુ હતુ. ગોઝારા અકસ્માતમાં દુલ્હન સાથે વરરાજાના પિતા તુલસીભાઈ અને માતા ગીતાબેન તેમજ મામાજી મહેશભાઈ બચુભાઈ ભેડા પણ કાળનો કોળીયો બની ગયા હતા. જયારે રર થી વધુ લોકોને ઈજાઓ પહોંચતા તેઓને ભરૃચ સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા. અકસ્માતની જાણ થતાં જિલ્લા કલેકટર સંદિપ સાગલે સીવીલ હોસ્પીટલ દોડી આવી ઈજાગ્રસ્તોની મુલાકાત લઈ મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.