ભાવનગર: જાનૈયા ભરેલી ટ્રક નાળામાં ખાબકી, 27 લોકોના મોત, PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું - Sandesh
  • Home
  • Bhavnagar
  • ભાવનગર: જાનૈયા ભરેલી ટ્રક નાળામાં ખાબકી, 27 લોકોના મોત, PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું

ભાવનગર: જાનૈયા ભરેલી ટ્રક નાળામાં ખાબકી, 27 લોકોના મોત, PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું

 | 8:41 am IST

ભાવનગર જિલ્લામાં વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતાં આ ટ્રક નાળામાં ખાબકતા ગોઝારો અકસ્માત સર્જાયો, જેમાં 27 કરતાં વધારે લોકોનાં મોતની આશંકા વ્યક્ત કરાઇ છે. આજે સવારે ભાવનગર રાજકોટ હાઇવે રંઘોળા નજીક એક ટ્રક નાળામાં ખાબકતાં 50થી વધુ લોકો ઘાયલ થયા છે અને દસથી વધુ લોકોના મોતની આશંકા સેવાઇ રહી છે. આજે સવારે રંઘોળા નજીક બનેલી ગમખ્વાર અકસ્માતની ઘટનાથી સમગ્ર જિલ્લામાં અરેરાટી ફેલાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ગોઝારી ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું.

ભાવનગર જિલ્લાની અને બોટાદ જિલ્લામાંથી 108નો કાફલો પોહચ્યો છે. બચાવ કામગીરી શરૂ છે. જ્યારે આખે આખો ટ્રક નાળામાં ખાબકતાં તેમાં સવાર 60 લોકો ટ્રક નીચે દબાયા છે. તમામને બહાર કાઢવાની કામગીરી હાથધરી દેવાઈ છે. હાલ સ્થાનિકો દ્વારા બચાવ કામગીરી ચાલી રહી છે. ઇજાગ્રસ્તોને શિહોર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી રહ્યાં છે. આ ગોઝારી ઘટનામાં 10 મહિલા અને 17 પુરુષોના મોત થયા છે.

મળતી માહિતી પ્રમાણે શિહોર તાલુકાના આંબલા ગામ નજીક આવેલ અનિડા ગામના રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે. લગ્ન પ્રસંગે ઢસા તરફ જતી વેળાએ બનેલી કરુણાંતિક ઘટનાથી ભારે અરેરાટી વ્યાપી ગઇ છે.  ટ્રક નીચે કેટલાંક જાનૈયા દબાયા હોવાની આશંકા. અનેક મજૂરો દટાયાની આશંકા વ્યક્ત કરાઇ રહી છે. CM કાર્યાલયે અકસ્માતની વિગતો મંગાવી છે.

ટ્રક પલટવાની ઘટના બનતાં નીચે દબાયેલા અને ઘાયલ થયેલાઓની ચીચીયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. અકસ્માતને પગલે આજુબાજુના લોકો દોડી ગયા હતા અને બચાવ કામગીરી કરીને દબાયેલાઓને બહાર કાઢ્યા હતા.