આકસ્મિક આફતો સમયે નાગરિક ધર્મ, ડોક્ટરોનો પુરુષાર્થ - Sandesh
  • Home
  • Columnist
  • આકસ્મિક આફતો સમયે નાગરિક ધર્મ, ડોક્ટરોનો પુરુષાર્થ

આકસ્મિક આફતો સમયે નાગરિક ધર્મ, ડોક્ટરોનો પુરુષાર્થ

 | 2:28 am IST

સામયિક :-  પ્રભાકર ખમાર

વિશ્વભરમાં કોરોના પ્રસર્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જેવી વિશ્વવ્યાપી સંસ્થા સહિત તમામ દેશો એના પ્રતિકાર માટે પોતાની જાતને જાગ્રત કરી રહી છે. આ મહાવ્યાધિને નાથવા ડોક્ટરોની સાથે સાથે નાગરિકો સ્વયંભૂ પોતાની ફરજ અદા કરી રહ્યા છે. એનું તાજેતરનું ઉદાહરણ છે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રેરિત જનતા કરફ્યૂ. જનતા કરફ્યૂ ઉપરાંત ત્રણ સપ્તાહ સુધીના લોકડાઉન સમયે જનતા સહકાર આપી રહી છે. ભૂતકાળમાં પણ પ્લેગ, કોલેરા, ઇન્ફ્યૂએન્ઝા જેવા કુદરત સર્જિત કે માનવસર્જિત આફતો સામે સંગઠિત સ્વરૂપે પ્રતિકાર કર્યો છે. કેટલાંક વર્ષો પહેલાં કેન્સરના રોગી એટલે જાણે એનું જીવન કેન્સલ એવી માન્યતા પ્રવર્તમાન હતી. આજે કેન્સર જેવી ભયાનક બીમારી સામે પણ માનવી જીવિત રહી શકે છે. અદ્યતન સુવિધાઓ ધરાવતી હોસ્પિટલો ઉપલબ્ધ છે. વિવિધ રોગોના નિષ્ણાત ડોક્ટરોની સેવા પણ મળી શકે છે. મેડિકલ સર્વિસ વિશે અભ્યાસી પુસ્તકો પણ પ્રાપ્ત થઈ શકે છે. જે ડોક્ટર માટે જ્ઞાનવર્ધક હોય છે. ઉપરાંત દર્દીઓ અને ડોક્ટરોના સંબંધો અને અનુભવોનું આલેખન હોય છે. સાથે સાથે સામાન્ય પ્રજાને નાગરિક ધર્મ અને ડોક્ટરોની ફરજની પણ ચર્ચા હોય છે. સ્વેટ માર્ટન કૃત પુસ્તકમાં વર્ણવેલા કેટલાક કિસ્સાઓ આ સંદર્ભમાં રસપ્રદ છે.

આશાવાદી અને આનંદી ડોક્ટર પોતાના દર્દીઓને હંમેશાં હિંમત આપે, દર્દીમાં રહેલી રોગનિવારક શક્તિઓથી એને જાગ્રત રાખે, તેમની પ્રકૃતિ ઘણી સારી છે એવી આશા આપે, માનસિક રીતે પણ પ્રેરણા આપે. આ પ્રકારના ડોક્ટરોનો આશાજનક પ્રભાવ તેમના દર્દીઓને દવાઓ કરતાં અનેકગણો લાભદાયક થઈ રહે છે.

અમેરિકાના બોસ્ટન શહેરના બે ડોક્ટરોની વાત આ હકીકતને સિદ્ધ કરે છે. પ્રથમ ડોક્ટર ખૂબ આશાવાદી અને આનંદી હતો. તે હંમેશાં દર્દીઓ સાથે વહાલભર્યો વર્તાવ રાખતો. દર્દીઓને રમૂજી વાર્તાઓ કહેતો, ઠઠ્ઠામશ્કરી કરતો, પ્રેમથી ખબરઅંતર પૂછતો. પરિણામે સમગ્ર વોર્ડનું સંપૂર્ણ વાતાવરણ આત્મિયતામાં ફેરવાઈ જતું. ડોક્ટરનું પ્રફુલ્લિત અને હસતું મુખારવિંદ અને મહાન ઉત્સાહ દર્દીઓને અત્યંત પ્રેરક અને પ્રોત્સાહક નીવડતો. એની પ્રેક્ટિસ પણ સારી ચાલતી.

બીજો ડોક્ટર વધુ ઉચ્ચ ડિગ્રીવાળો, પરંતુ ઉદાસ, સ્વભાવે બરછટ, અલ્પભાષી, ગંભીર છતાં મહાન વિદ્વાન હતો, પરંતુ થોડું બોલતો અને ક્વચિત જ હસતો. મેડિકલની રીતે પોતાનો મત વિઘાતક હોય તો પણ તે કહી દેતો. પરિણામે હતાશ થયેલા દર્દીઓ હામ હારી જતા. એની અસર પ્રેક્ટિસ પર પડી. દર્દીઓ ઓછા થયા. આર્થિક નુકસાન થવા લાગ્યું. આખરે ડોક્ટરને પોતાના વર્તન અને વાણીમાં પરિવર્તન કરવું પડયું. સહૃદયતા કેળવવી પડી, દર્દી પ્રત્યે આત્મીયતા ઊભી કરવી પડી. થોડા સમયમાં જ એ ડોક્ટરની પ્રેક્ટિસ ધમધોકાર બની.

લંડનનું ‘બેન્સેટ’ સામાયિક કે જે વિશ્વમાં ડોક્ટરી વિષયનું પ્રમાણભૂત પત્ર ગણાય છે. કેટલાંક વર્ષો પહેલાં તેમાં શરીરને તરુણ રાખવાની કેટલી બધી શક્તિ છે તેનું એક ઉત્તમ ઉદાહરણ પ્રસિદ્ધ થયું હતું. એક તરુણીનો પ્રિયતમ એને છોડીને ચાલ્યો ગયો. તેણીને આત્મવિશ્વાસ હતો કે તેનો પતિ જરૂર પાછો આવશે. વર્ષોના વર્ષો સુધી તે નિત્ય તેની પ્રતીક્ષા કરતી. બારી પાસે ઊભી રહેતી ! એ જ્યારે સિત્તેર વર્ષની થઈ ત્યારે જે કેટલાક અમેરિકનો કે જેમાં ડોક્ટરો પણ હતા તેમણે તેને જોઈ હતી. તેણી વીસ વર્ષની તરુણી જ લાગતી હતી. એક પણ વાળ સફેદ થયો નહોતો, તેના વદન પર એક પણ કરચલી નહોતી કે વૃદ્ધાવસ્થાનું કોઈ ચિહ્ન દેખાતું નહોતું. તેની ત્વચા એક તરુણ યુવતીની જેમ જ સુંદરતાને આકર્ષક હતી. તે હજી યુવતી જ છે એમ માનતી હતી. આ માનસિક શ્રદ્ધા તેની શારીરિક સ્થિતિનું નિયમન કરતી હતી. તે પોતાને જેટલી વયની ધારતી હતી તેટલી જ વયની તરુણ રહી હતી.

બીમાર માણસોને માનસિક પ્રોત્સાહન આપવાની ઘણી જરૂર હોય છે. જો દર્દીના ડોક્ટર, નર્સ, પેરામેડિકલ સ્ટાફ, આપ્તજનો, મિત્રો એ સર્વ તેને આશા, આનંદ અને હિંમત આપે તો દર્દી કેટલો ઉત્સાહિત બને તેની કલ્પના કરવા જેવી છે. ડોક્ટર અને દર્દીઓની પરસ્પરની નિખાલસતા અંગે પણ મેડિકલ સર્કલમાં મતભેદ છે. કેટલાક સહૃદયી ડોક્ટરો માને છે કે તેમણે હંમેશાં દર્દીઓને તેમની ચોક્કસ સ્થિતિ જણાવી દેવી જોઈએ અને ખાસ કરીને અત્યંત ભયંકર દશામાં હોય ત્યારે તે જાણવાનો એને હક છે, પરંતુ ઘણાં સિનિયર ડોક્ટરનો એવો અભિપ્રાય છે કે દર્દી અત્યંત નિર્બળ સ્થિતિમાં હોય તેની ઉપર નિરાશાજનક વિચાર અથવા તમારી શારીરિક પ્રકૃતિ બગડતી જાય છે. તમે સાજા થઈ શકનાર નથી એવા પ્રતિકૂળ અભિપ્રાયની ખરાબ અસર થાય છે. એ સમયે પોતાના દર્દીને સાજા થવામાં પોતાનાથી બનતી સર્વ મદદ કરવી એના કરતાં મોટું પરમ કર્તવ્ય ડોક્ટર માટે શું હોઈ શકે ? દવાઓ કરતાં પણ આશા અને શ્રદ્ધામાં રોગ ટાળવાની બહુ ભારે શક્તિ રહેલી હોય છે.

માનવી ઉપર રોગોની માનસિક અસર કેવી થાય છે તેનું એક ઉદાહરણ વિખ્યાત મનોવૈજ્ઞાનિક એરિસનના શબ્દોમાં જ જાણળા જેવું છે. ‘થોડા દિવસ પર મેં એક ઘરની મુલાકાત લીધી હતી. તેમાં માતા પોતાના નાના છોકરાંઓને હંમેશાં કહેતી કે દીકરા તું બહુ બીમાર જણાય છે, તને શું થાય છે ? વળી બાળકને એક યા બીજી દવાના ડોઝ પાયા કરતી. સાયંકાળે તે પોતાના પરિવારના ભિન્ન ભિન્ન બાળકોને વારંવાર પૂછતી, ‘તમને કેમ છે ? તમારું માથું તો નથી દુખતું ને ? તમને શરદી તો નથી થઈ ને ? પરિવારમાં સૌ સ્વસ્થ જ હતા, પરંતુ આવા પ્રશ્નો પૂછવાને કારણે સભ્યો ઉપર માનસિક અસર થતી. પરિણામે પરિવારમાં કોઈ ને કોઈ બીમાર પડતું ગયું. પ્રેરિત વિચારો અને આચારોમાં મનને હતોત્સાહ કરવાની કેટલી અદ્ભુત શક્તિ હોય છે એનું આ નકારાત્મક ઉદાહરણ છે.’

એરિસન લખે છે કે, બીમાર માનવીનું મન મહદ્અંશે નિરુપાય, પરાધીન અને ખૂબ નિષેધાત્મક સ્થિતિમાં હોય છે. તેથી જ તે સારા કે ખરાબ વિચારો જલદી પકડી લે છે. ડોક્ટર એલનના કહેવા અનુસાર બીમારીની સ્થિતિમાં ઘણીવાર નિૃયાત્મક અને સર્જનાત્મક મનોવૃત્તિ મનને શક્તિ આપ્યા કરે છે. તેથી તે અનેક રોગોમાં રક્ષણ મેળવી શકે છે. નિરંતર આશા, આનંદ અને આરોગ્યના વિચારો ધારણ કરવાથી શારીરિક સ્વસ્થતા અને માનસિક શાંતિ મળે છે.

આપણને ઘણી વાર અનુભવ થયો છે કે માનવી પોતે જ્યારે બીમાર હોય ત્યારે આનંદી અને આશાવાદી હિંમત આપી શકે એવો એકાદ માણસ મળવા આવે છે ત્યારે કેટલો બધો આનંદ અને ઉત્સાહ પ્રાપ્ત થાય છે. દિલ ખોલીને મન હળવું કરીએ છીએ. એટલા સમય પૂરતા તો ચિંતામુક્ત બની જઈએ છીએ. એટલું જ નહીં લાંબા સમય સુધી એની તાજગીભરી અસર રહેતી હોય છે. ગાંધીયુગમાં કોલકાતાના ડો. બી. સી. રોય આઝાદી આંદોલનના એક અગ્રેસર નેતા હતા. તેઓ માનતા કે ડોક્ટરે કેટલીક વાર સત્ય કે માનેલું સત્ય પોતાના દર્દીને કહેવા કરતાં તેના પ્રત્યે અનેકગણું મહાન કર્તવ્ય એને સારો કરવામાં બજાવવાનું હોય છે.

ઉત્સાહપ્રેરક વિચારોમાં કેવી અદ્ભુત શક્તિ રહેલી છે, તેના કેટલાંક દૃષ્ટાંતો ડો. ફેડરિક વાન ઇડને આપ્યા છે. આંતરિક પ્રભાવથી બીમાર માનવીને સાજા કરવાની પદ્ધતિઓના તેઓ હિમાયતી હતા. તેઓના મત અનુસાર ઉત્સાહ, હિંમત, આશા અને આનદ એવા માધ્યમો છે જે બીમારને સાજા કરવામાં દવા કરતા પણ વધુ ઉપકારક અને અસરકારક નીવડે છે. એટલે એનો મેડિકલ ક્ષેત્રે વધુમાં વધુ વિકાસ કરવો એ ડોક્ટરોનું પરમ કર્તવ્ય હોવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન