Accommodation was made in Gujarat and money was deposited in Rajasthan
  • Home
  • Featured
  • સરકારનું જબરૂ લોલમલોલ, આવાસ ગુજરાતમાં બન્યાં ને પૈસા રાજસ્થાનમાં જમા થયાં!

સરકારનું જબરૂ લોલમલોલ, આવાસ ગુજરાતમાં બન્યાં ને પૈસા રાજસ્થાનમાં જમા થયાં!

 | 8:35 am IST

બોડેલી તાલુકામાં આઠ મહિના પહેલા મંજૂર થયેલાં 17 આવાસોના પેમેન્ટ લાભાર્થીઓના બેંક ખાતાને બદલે જયપુર, રાજસ્થાનની ભળતી વ્યક્તિનાં જ ખાતામાં પહોંચી ગયાં છે! બીજી બાજુ લાભાર્થીઓએ અધિકારીઓના કહેવાથી પોતાની રીતે આવાસ સંપૂર્ણ બનાવી દીધાં છે. આઠ મહિના સુધી પેમેન્ટ ન થતાં લાભાર્થીઓના નાણાં જ અન્યત્ર ભળતા ખાતામાં જમા થઈ ગયાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ધરોલીયા (સખાન્દ્રા)ના ત્રણ લાભાર્થીઓએ તેમની સાથે છેતરપિંડી થઈ હોવાની લેખિત ફરિયાદ બોડેલી પોલીસ મથકે પણ કરી છે.

ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા સરકાર અને તંત્ર તનતોડ મહેનત કરે છે. અહીં તો પ્રધાનમંત્રી આવાસ યોજનાના નાણાં જ ડિજિટલ તંત્રે અન્યત્ર જમા કરી દેતાં ગંભીર બેદરકારીનો મુદ્દો સામે આવ્યો છે.

ધરોલીયા (સખાન્દ્રા)ના લાભાર્થીઓએ છેલ્લાં ઘણાં સમયથી જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગોમાં પોતાના આવાસ લાભના નાણાં મેળવવા ધક્કા ખાધા છે. ડીડીઓ, ટીડીઓ, આઇઆરડી, શાખા સહિત રાજકીય આગેવાનોેને પણ રજૂઆતો કરી તેમને ન્યાય મળે તેની રજૂઆતો કરી હતી. ભારે રઝળપાટ અને પ્રયાસો બાદ ધરોલીયાના એ લાભાર્થીઓને ખબર પડી હતી કે, તેમનાં આવાસના નાણાં રાજસ્થાનની કોઇક વ્યક્તિના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ ગયાં છે, જેથી હાલ તુરત આ નાણાં મળી શકે તેમ નથી.

આ ધરોલીયાના લાભાર્થીઓએ જણાવેલી હકીકત મુજબ, ધરોલીયાના કુલ 28 આવાસો આઠ મહિના પહેલાં મંજૂર થયાં હતાં, જેમાંથી ૨૫ આવાસનાં નાણાં મળ્યાં છે. ત્રણ પીએમએવાય ખાતામાં નાણાં મળ્યાં નથી. આ અંગે વિવિધ વિભાગો, પોલીસમાં કરેલી અરજ સહિતના પુરાવા પણ પ્રસ્તૃત કરી તેમણે દેવું કરી વ્યાજે નાણાં લાવી આવાસો બનાવી દીધાં છે. હવે કુવામાં ઊતારી દોરડું કાપી નાખવા જેવો બનાવ અમારી સાથે બની રહ્યો હોવાનું જણાવ્યું હતું. આ અંગે ધરોલીયાના ત્રણ લાભાર્થીઓએ બોડેલી પોલીસ મથકે ફરિયાદ આપી છે.

આઇએફસી કોડની ભૂલને લીધે બન્યું

આવાસ લાભાર્થીઓની બેંક ડિટેઇલમાં આઇએફસી કોડની વિગતોમાં ભૂલ થતાં નાણાં રાજસ્થાન પહોંચી ગયા છે. ભરતભાઇ વરીયા, આઇઆરડી શાખા, બોડેલી.

અધિકારીઓનો લાભાર્થીઓને ઉચ્ચક જવાબ : રાજસ્થાનથી નાણાં પાછા આવશે એટલે મળશે

2016-17માં મંજૂર થયેલાં આવાસો પૈકી ત્રણના પેમેન્ટ બારોબાર રાજસ્થાનની કોઈ અજાણી વ્યક્તિઓનાં ખાતામાં જમા કરાવી દેવાયાં છે. હવે આ નાણાં પાછા આવે ત્યારે લાભાર્થીઓને પૈસા મળશે, તેમ કહેવામાં આવે છે. ત્રણેય લાભાર્થીઓને આ પ્રકરણમાં વાંક શું? અધિકારીઓએ આવાસોની ફાઇલ, ફોટો પણ તૈયાર કર્યા છે. જમીન ગીરવે મૂકીને બનાવેલાં આવાસો સંપૂર્ણ તૈયાર થઈ ગયા છે, પણ તેમને ફૂટી કોડી પણ મળી નથી. જયંતિભાઇ ભીખાભાઇ રાઠવા, માજી સરપંચ, ધરોલીયા.

ડેટા ઓપરેટરની ભૂલથી નાણાં રાજસ્થાનના કોઇક એકાઉન્ટમાં જતાં રહ્યાં!

લગભગ 17 પીએમએવાયના આવાસ લાભાર્થીઓના નાણાં જયપુરની કોઈ અન્ય વ્યક્તિઓનાં એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ ગયાં છે. અમે 15 દિવસ પહેલાં સ્ટોપ પેમેન્ટ માટે લેખિત જાણ કરી છે. તમામ પાસેથી નાણાં રિકવર કરાશે. આ ઘટના કચેરીના ડેટા એન્ટ્રી ઓપરેટરની ભૂલને લીધે બની છે. એમ.એમ. માલીવાડ, ટીડીઓ, બોડેલી તાલુકા પંચાયત.