According to Ayurveda, Kher is the best medicine for skin diseases
  • Home
  • Fashion & Beauty
  • આયુર્વેદ પ્રમાણે ખેર ચામડીના રોગોનું સર્વોત્તમ ઔષધ

આયુર્વેદ પ્રમાણે ખેર ચામડીના રોગોનું સર્વોત્તમ ઔષધ

 | 1:30 pm IST

ઓળખીએ ઔષધ । વૈદ્ય પ્રશાંતભાઈ ગૌદાની

આયુર્વેદ પ્રમાણે ખેર ચામડીના રોગોનું સર્વોત્તમ ઔષધ છે. મર્હિષ ચરક સૂત્ર સ્થાનના પચીસમા અધ્યાયમાં કહ્યું છે કે, ”ખદિરઃ સર્વ કુષ્ટઘ્નાનામ્ શ્રેષ્ઠઃ” અર્થાત્ કુષ્ઠ (ચામડીનાં રોગો)નો નાશ કરનારા ઔષધ દ્રવ્યોમાં ખેર સર્વોત્તમ છે. આવો આપણા આ ભારતીય ઔષધ ખેર વિશે આજે થોડું જાણીએ.

ગુણકર્મ

ખેરનાં મધ્યમ કદનાં વૃક્ષો પંજાબથી સિક્કિમ સુધી આશરે ૫,૦૦૦ ફૂટની ઊંચાઈ સુધીનાં પ્રદેશોમાં જોવા મળે છે. આયુર્વેદ પ્રમાણે ખેર કડવો અને તૂરો, શીતળ, ભૂખ લગાડનાર, હળવો, કફ-પિત્ત શામક, દાંત માટે હિતકર, ગર્ભાશયની શિથિલતા દૂર કરનાર, સ્તંભક અને રક્તશુદ્ધિકર છે. તે મેદ, કૃમિ, તાવ, સોજા, રક્તસ્રાવ, ચામડીના રોગો, પિત્ત અને રક્તનાં રોગોને મટાડનાર છે. કાથો મુખના રોગોને મટાડનાર, રુઝ લાવનાર, કાકડા ફૂલવા, દાંત હલવા, ઝાડા, તાવ વગેરેને મટાડનાર છે.

ઉપયોગ

  • ખેર ચામડીના રોગોનું અક્સીર ઔષધ છે. ચામડીના કોઈ પણ વિકારમાં ખેરની છાલનું અડધી ચમચી જેટલું ચૂર્ણ સવારે, બપોરે અને રાત્રે પાણી સાથે લેવું. ચામડીનો રોગ સર્વ શરીરમાં ફેલાયો હોય તો ખેરની છાલનો ઉકાળો બનાવીને, એ ઉકાળો નહાવાના પાણીમાં મેળવીને તેનાથી સ્નાન કરવું.
  • સફેદ કોઢના દર્દીઓ પણ જો લાંબા સમય સુધી સવાર-સાંજ ખેરની છાલનો ઉકાળો પીવે અને સ્નાનમાં તેનો ઉપયોગ કરે તો અવશ્ય લાભ થાય છે. ખેરની છાલનો ઉકાળો બનાવવા માટે બે ચમચી ખેરની છાલનાં ભુકાને એક ગ્લાસ પાણીમાં નાખીને ઉકાળવો. ઊકળતા આશરે અડધો કપ જેટલું પ્રવાહી બાકી રહે ત્યારે ગાળી ઠંડું પાડી પી જવું.
  • દાંત અને મુખના રોગોમાં ખેરની છાલનો ઉકાળો મુખમાં ભરી રાખવાથી ખૂબ જ ફાયદો થાય છે. દાંત હલતા હોય, દાંતમાં કળતર થતી હોય, મુખમાંથી દુર્ગંધ આવતી હોય, દાંત અને પેઢામાંથી રક્તસ્રાવ થતો હોય તેમણે આ પ્રમાણે ખેરનો ઉકાળો પાંચથી દસ મિનિટ સુધી મોંઢામાં ભરી રાખવો.
  • જે સ્ત્રીઓને ગર્ભાશય શિથિલ થઈ ગયું હોય તેમને માટે ખેર આશીર્વાદ સમાન છે. આ તકલીફમાં સ્ત્રીઓએ ખેરની છાલના ઉકાળાનું સવાર-સાંજ સેવન કરવું અથવા ખદિરારિષ્ટ નામની પ્રવાહી દવા (જે બજારમાં તૈયાર મળે છે) જમ્યા પછી એકાદ કલાકે થોડું પાણી ઉમેરીને પી જવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન