know the importance of the Temple,According to Indian culture
  • Home
  • Astrology
  • ભારતીય સંસ્કૃતિ અનુસાર પ્રભુમંદિરોનું શું છે મહત્વ જાણો

ભારતીય સંસ્કૃતિ અનુસાર પ્રભુમંદિરોનું શું છે મહત્વ જાણો

 | 8:00 am IST

આ સંસ્કૃતિ ઉપર અનેક આક્રમણો  થયાં છે છતાંય તે ધ્વંસ નથી થઈ કારણ કે અનેક અવતારોની  ચરણરજથી આ ભૂમિ અંકિત થયેલી છે. આવી પાવનકારી ભૂમિ ઉપર અયોધ્યા પાસે આવેલા છપૈયા ગામે સંવત્ ૧૮૩૭ના ચૈત્ર સુદ- નોમ (તા.૦૩-૦૪-૧૭૮૧)ના રોજ સહજાનંદરૂપી સૂરજ ઉદય થયો. તેમનું બળપણમાં નામ ઘનશ્યામ હતું. તેમણે રામાનંદસ્વામી પાસે પીપલાણા મુકામે ૧૮૫૭ના કારતક સુદ અગિયારસ (તા.૨૮-૧૦-૧૮૦૦)ના શુભદિને દિક્ષા લીધી. ત્યારબાદ તેમનાં સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ એમ બે નામો પાડવામાં આવ્યા.

સંવત્ ૧૮૫૮ માગશર સુદ-૧૩ના રોજ રામાનંદ સ્વામી અંતર્ધાન થયા. ત્યારબાદ સહજાનંદસ્વામીએ  પોતાનું ‘સ્વામિનારાયણ’ નામ જાહેર કર્યું. ત્યારથી સંપ્રદાયએ સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે સારાય જગમાં  પ્રસિદ્ધ થયો.

આ નામનો પ્રતાપ એટલો બધો હતો કે, જે કોઈ સ્વામિનારાયણ નામ લે તેને સમાધિ થતી. સમાધિમાં જનાર વ્યક્તિને ભગવાનના  ધામનાં દર્શન થતાં.

શ્રી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ અતિ કમનીય હતી. તેમનાં આકર્ષણનો જાદુ જ અનોખો હતો. તેઓ જ્યાં પધારે ત્યાં મધકટોરે માખીઓ ડૂબે તેમ સહુ કોઈ તેઓના  રૂપમાં ગરકાવ થઈ જતા.

ગુરુ રામાનંદ સ્વામી અંતર્ધાન થયા પછીના માત્ર ૨૮ વર્ષના ગાળામાં શ્રી સ્વામિનારાયણ ભગવાને ગુજરાતની ભૂમિ ઉપર જે કાર્ય કર્યું છે તે તો અદ્ભૂત અને અક્લ્પનીય છે.

સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રચારને પ્રસારમાં તેમના સંતોનું યોગદાન પણ મહત્ત્વનું છે. અપમાન અને માર સહન કરીને પણ અહિત કરનારનું હિત કરવાની સાધુતા સ્વામિનારાયણ ભગવાનના સંતોમાં હતી. સ્વામિનારાયણ ભગવાનના સંતો-પરમહંસો એટલે સામર્થ્ય અને સાધુતાનો સમન્વય. સંસ્કૃતિની  ધરી સમા આ સંતોએ પોતાના  આચાર દ્વારા પ્રજાના  વિચારો બદલ્યા ને સમાજ સુધાર્યો હતો.

સૂર્યફરતી સૂરજમાળ ને ચંદ્ર ફરતી નક્ષત્ર માળા છે એવી શ્રી સહજાનંદ સ્વામી ફરતી બ્રહ્મચર્યને વૈરાગ્યની  સાક્ષાત્ મૂર્તિઓ  સમી સંતમાળ સોહાતી. બિશપ હેબરને શ્રીજીમહારાજની  સંત મંડળીનાં દર્શન કરીને  કોડ જાગ્યા હતા કે, આવું સંતમંડળ મારે પણ હોય તો! એવું આ સંતમંડળી દ્વારા સત્કાર્યનું ફળ હતું.

સંસ્કારોનું સદાય સિંચન થાય અને સાચા સંતોનો સમાગમ મુમુક્ષુઓને  અહોનિશ મળી રહે તે માટે શ્રી સ્વામિનારાયણ ભગવાને મંદિરોની સ્થાપના કરી.

કવિ નાનાલાલે માટે જ લખ્યું છે કે, સંસારના  અગ્નિ જ્યાં હોલવાય એ ધર્મમંદિર. સંસારનાં  ઝેર ઉતારે નહીં એ ધર્મ નથી, ધર્મ મંદિર નથી…આવા નિરાલા અનેક મંદિરોનું સર્જન શ્રી સ્વામિનારાયણ ભગવાને કર્યું છે.

શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતાના સંતો પાસે અપાર સાહિત્યની  રચના કરાવી છે. સદ્ગુરુ શ્રી ગોપળાનંદ સ્વામીએ ઉપનિષદ્, બ્રહ્મસૂત્રો, ભાગવત ગીતા અને વેદસ્તુતિના ગદ્ય પર સંસ્કૃતમાં ભાષ્યો રચ્યાં. સદ્ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીએ ૭ સંસ્કૃત અને ૨૩ પ્રાકૃત ગ્રંથો કર્યા. સદ્ગુરુ શ્રી નિત્યાનંદ સ્વામીએ ૪ સંસ્કૃત અને ૧૧ પ્રાકૃત ગ્રંથો બનાવ્યા.

સદ્ગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામી ૧૫ ગ્રંથો અને ૨,૫૦૦થી વધુ પદોની રચના કરી છે. સદ્ગુરુ શ્રી નિષ્કુળનંદ સ્વામી ૨૩ ગ્રંથો અને ૨,૫૦૦થી વધુ કીર્તનો બનાવ્યા. આધારનંદ સ્વામીએ ૧,૦૦,૦૦૦ કંડીકાઓનો હરિચરિત્રામૃતસાગર ગ્રંથ હિન્દી પદ્યમાં રચ્યો છે. આવા તો અનેક સંતોએ અનેક ગ્રંથો અને કીર્તનો રચ્યાં છે.

આમ, શ્રીજીમહારાજે તેમના સંતો દ્વારા ૨૨ જેટલા સંસ્કૃત અને ૯૦ જેટલા પ્રાકૃત ગ્રંથો રચાવ્યા છે. આ ઉપરાંત દેવાનંદ સ્વામી, ભૂમાનંદ સ્વામી, મંજુકેશાનંદ સ્વામી, પૂર્ણાનંદ સ્વામી જેવા સંતોના કીર્તનોની  સંખ્યા સાથે ગણીએ તો લગભગ ૩૦,૦૦૦થી વધુ કીર્તનો સંતોએ રચ્યાં છે. ટૂંકમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાહિત્યનો સાગર ઘૂઘવી રહ્યો છે.

અધ્યાત્મ વિદ્યાનો રંગ ચઢાવીને  શ્રીજીમહારાજે  પોષેલ એ સંતો, કવિઓ, પ્રણાલિકાઓ, સાહિત્ય, કલા, સંગીત, ઉત્સવો, સમૈયા મંદિરોએ સકળ ધર્મસામગ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ભારતીય સંસ્કૃતિને સાગમટે સાંપડી હતી.

એક સાથે અનેકના જીવનનું આમૂલ પરિવર્તન કરનાર, તેમના જીવનમાં  ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ જેવા ગુણોનું સિંચન કરીને અક્ષરધામના દિવ્યાતિદિવ્ય સુખને પામી શકે તેવા પાત્ર કરનારા સંસ્કૃતિના સંવર્ધક પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનનો જેઠ સુદ-દશમના રોજ ૧૮૯ મો અંતર્ધાનદિન છે ત્યારે આપણે સહુ કોઈ તેમણે આપેલા જ્ઞાનને જીવનમાં ઉતારીએ અને કૃતાર્થ બનીએ.

સંસ્કાર

  • સાધુ હરિકૃષ્ણસ્વરૂપદાસજી કુમકુમ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન