religion is a skin. Change the dress, not the skin to Srimad Bhagwat,
  • Home
  • Astrology
  • શ્રીમદ્ ભાગવત અનુસાર ધર્મ તો ત્વચા છે. વસ્ત્ર બદલાય, ત્વચા નહીં

શ્રીમદ્ ભાગવત અનુસાર ધર્મ તો ત્વચા છે. વસ્ત્ર બદલાય, ત્વચા નહીં

 | 8:00 am IST

ભગવાન વેદવ્યાસ દ્વારા રચાયેલા શ્રીમદ્ ભાગવતની ખૂબ જાણીતી કથા છે. મનુ અને શતરૂપાને ત્રણ દીકરીઓ છે. જેમાં પ્રસૂતિ નામની પુત્રીને દક્ષ પ્રજાપતિ સાથે પરણાવવામાં આવે છે. દક્ષ અને પ્રસૂતિને કુલ સોળ દીકરીઓ પ્રાપ્ત થાય છે. જેમાં સતિ નામની પુત્રીને ભગવાન શિવ સાથે, સ્વાહા નામની પુત્રીને અગ્નિ સાથે અને સ્વધા નામની પુત્રીને પિતૃ સાથે પરણાવે છે, બાકીની તેર કન્યાઓને દેક્ષ ધર્મના પુરુષ સાથે પરણાવે છે.

શ્રદ્ધા

કોઈપણ ધર્મનું પ્રથમ લક્ષણ શ્રદ્ધા છે. જો શ્રદ્ધા ન હોય તો ધર્મનું અસ્તિત્વ શક્ય નથી. અંધશ્રદ્ધા કે અશ્રદ્ધાથી ધતિંગને પોષી શકાય, બાકી ધર્મના પોષણ માટે મૌલિક શ્રદ્ધા પ્રથમ અંગ છે.

મૈત્રી

ધર્મનું બીજું લક્ષણ મૈત્રી છે, કારણ સાચો અને સારો ધર્મ હંમેશાં મિત્રતાનું નિર્માણ કરે છે. એ ક્યારેય શત્રુતાનું સર્જન કરતો નથી. વિનોબાજીએ કહ્યું છે કે બે ધર્મ વચ્ચે ઝઘડો ક્યારેય થતો નથી અને થાય તો સમજવું કે એ ધર્મ નથી, પરંતુ ધર્મના પોશાકમાં બે અધર્મ ઝઘડી રહ્યા છે. માટે જ્યાં મૈત્રીભાવનું પવિત્ર ઝરણું સતત વહે છે એ ધર્મનું બીજું લક્ષણ છે.

દયા

ધર્મનું તૃતીય સોપાન દયા છે. આ દયાને ઊલટાવો તો યાદ બને છે. જેના હૃદયમાં દયા છે અને ઈશ્વર હંમેશાં યાદ કરે છે. આમ પણ દયાને ધર્મનું મૂળ કહેવામાં આવી છે. ધર્મ નામના વટવૃક્ષને ઊભા રહેવા માટે દયા નામના મૂળનો આશ્રય કરવો પડશે. નિર્દય માણસ સાચા અર્થમાં ધાર્મિક હોતો નથી.

શાંતિ

ધર્મનું ચોથું ચરણ શાંતિ છે. જ્યાં અશાંતિ થાય, ગોકીરો થાય, દેકારો થાય ત્યાં ધર્મ નથી કારણ ધર્મ ક્યારેય શાંતિને ખલેલ પહોંચાડતો નથી. જ્યાંથી શાંતિ રવાના થાય ત્યાંથી શાંતિના પગલે પગલે ધર્મ પણ ચાલ્યો જાય છે, કારણ જ્યાં શાંતિ નથી ત્યાં ધર્મ ટકી શક્તો નથી. શાંતિ અને ધર્મનાં ખોળિયાં જુદાં છે પણ જીવ એક છે.

તુષ્ટિ

ધર્મનું પાંચમું લક્ષણ તુષ્ટિ છે, તુષ્ટિ એટલે સંતોષ. જ્યાં અસંતોષ છે ત્યાં ધર્મ નથી. માણસ સફળતા મેળવે તે સારી બાબત છે, પરંતુ માણસ સંતોષ મેળવે તે ઉત્તમ બાબત છે. જ્યાં કરોડોની કમાણી હોય, અબજોની આવક હોય પણ સંતોષ ન હોય તો સમજવું કે અહીં ધન છે પણ ધર્મ નથી. યાદ રાખજો, આ જગતમાં સંતોષથી મોટું કોઈ ધન નથી. ધર્મ માણસને સંતોષી બનાવે છે. ધર્મ માણસને તુષ્ટિ પ્રદાન કરે છે.

પુષ્ટિ

તુષ્ટિ પછીનું લક્ષણ પુષ્ટિ છે. પુષ્ટિ એટલે પોષણ કરવું, બળ આપવું, પૂર્તતા કરવી એવો અર્થ થાય છે. ધર્મ માણસને બળ આપે છે, ધર્મ માણસને પોષણ આપે છે. માનવીને અધૂરપથી નહીં, પરંતુ મધુરપથી સભર કરે તે ધર્મ.

ક્રિયા

ધર્મનું સાતમું લક્ષણ ક્રિયા છે. જ્યાં નિષ્ક્રિયતા છે ત્યાં ધર્મ નથી. માણસને સક્રિય બનાવે તેનું નામ ધર્મ છે. મહાભારતમાં દુર્યોધન નિખાલસતાથી એકરાર કરે છે કે હું ધર્મને જાણું છું પણ એને મારી અંદર પ્રવૃત્ત કરી શક્તો નથી અને હું અધર્મને પણ જાણું છું જેને હું મારા અંદરથી નિવૃત્ત કરી શકતો નથી. કોઈપણ જાતની ક્રિયા વગર ધર્મ શક્ય નથી માટે ક્રિયાશીલતા ધર્મનું અનિવાર્ય અંગ છે.

ઉન્નતિ

ધર્મનું આઠમું ચરણ ઉન્નતિ છે. માણસને ઊર્ધ્વગતિ ન કરાવે તે ધર્મ નથી અને જે અધોગતિ કરાવે તે બીજું ગમે તે હોઈ શકે, પરંતુ ધર્મ નથી. જે રીતે જળને યંત્રથી અને મનને મંત્રથી ઊર્ધ્વગામી બનાવી શકાય તેમ માનવીને ધર્મથી ઉન્નતિ આપી શકાય. આપણે ત્યાં કહેવત છે કે ધર્મ વધે તો ધન વધે. ધન વધવાથી મન વધી જાય, મન વધવાથી જગતમાં માન વધે અને આમ બધું વધતાં વધતાં વધી જાય. માણસનો સર્વાંગી વિકાસ કરીને એને ઉન્નત મસ્તક બનાવે તેનું નામ ધર્મ.

બુદ્ધિ

ધર્મનું નવમું સોપાન બુદ્ધિ છે. બુદ્ધિ બે પ્રકારની હોય છે. એક સુમતિ અને બીજી કુમતિ. જે ધર્મ સાથે પરણી તે સુમતિ અને અધર્મ સાથે પરણી તે કુમતિ. માણસની બુદ્ધિને બગાડે નહીં, પરંતુ સુધારે તેનું નામ ધર્મ છે. જીવનમાં બુદ્ધિની વૃદ્ધિ થાય તે સારી વાત છે, પરંતુ બુદ્ધિની શુદ્ધિ થાય તે ખૂબ જ સારી વાત છે, માટે માનવીની બુદ્ધિને શુદ્ધ કરે તે સાચો ધર્મ.

મેધા

ધર્મનું દશમું લક્ષણ મેધા છે. શાસ્ત્રોએ બુદ્ધિની ચાર કક્ષા બતાવી છે (૧) બુદ્ધિ (૨) મેઘા (૩) પ્રજ્ઞા (૪) ઋતંભરા પ્રજ્ઞા. માણસોની બુદ્ધિને જ્યારે પ્રથમ પ્રમોશન મળે ત્યારે તે મેઘા બને છે અને બીજું પ્રમોશન મળે ત્યારે પ્રજ્ઞા બને છે. આ પ્રજ્ઞા પણ જ્યારે સત્યથી સભર બને ત્યારે બુદ્ધિની સર્વોચ્ચ કક્ષા ઋતંભરા પ્રજ્ઞાને પ્રાપ્ત થાય છે. આમ માણસની બુદ્ધિને ઉત્તરોત્તર પ્રગતિ કરાવે તે ધર્મ. પ્રજ્ઞાવાન હોવું ધાર્મિક્તા છે. મૂઢ ધાર્મિક ન બની શકે.

તિતિક્ષા

ધર્મનું અગિયારનું ચરણ તિતિક્ષા છે. આ તિતિક્ષા શબ્દને ધ્યાનથી સમજવાની જરૂર છે. માણસમાં સંકટનો પ્રતિકાર કરવાની પૂરેપૂરી શક્તિ હોય છતાં પ્રતિકાર ન કરે અને ધીરજથી આવી પડેલાં દુઃખને સહન કરે એનું નામ તિતિક્ષા છે. ધર્મ માણસને ધીરજ પ્રદાન કરે છે અને કર્મનાં બંધનથી મુક્ત કરે છે. દુઃખનો પ્રતિકાર કર્યા વગર ભોગવી લેવા એ કર્મબંધનથી મુક્ત થવાની પ્રક્રિયા છે. આપણામાં ધૈર્ય છે, બધી જ પરિસ્થિતિમાં ગણવેશ ન હોય તો પણ આપણે ધાર્મિક છીએ. ઉપનિષદકારે કહ્યું છે, ‘ધૈર્ય કથા’. ગીતામાં દ્યુતિનો સ્વીકાર કરવામાં આવ્યો છે. દરેક પરિસ્થિતિ ધીરજ ધારણ કરે તે ધાર્મિક છે. કોઈ અપમાન કરે કે ગુણગાન ગાય ત્યારે ધીરજ રાખવી એ ધાર્મિક્તાનો ખરેખરો પરિચય છે.

લજ્જા

ધર્મનું બારમું લક્ષણ લજ્જા છે. લજ્જા એટલે લાજ, લજ્જા એટલે શરમ. જ્યાં ધર્મ છે ત્યાં શરમ છે. કારણ ધર્મ ક્યારેય બેશરમ હોતો નથી. શરમની સાથે ર્ગિભત રીતે સંયમ પણ છુપાયેલો છે. પ્રભુનાં દર્શન પણ સંયમથી કરવા જોઈએ, માટે જે રીતે ક્ષમા વીર પુરુષનું ભૂષણ છે, લજ્જા સ્ત્રીનું ભૂષણ છે તે રીતે લજ્જા ધર્મની શોભા છે.

મૂર્તિ

ધર્મનું તેરમું લક્ષણ મૂર્તિ છે. મૂર્તિનો અર્થ પ્રતિમા અથવા બૂત એવો થાય છે. વિશ્વના જે ધર્મોમાં મૂર્તિપૂજાનો મહિમા નથી અથવા બૂતખાનાનો રિવાજ નથી તેવા ધર્મમાં પણ ભક્ત પોતાના માનસમાં પોતાના સદ્ગુરુ અથવા માલિકની કલ્પના કરી પૂજા અથવા બંદગી કરતો હોય છે. એવું જરૂરી નથી કે ધર્મમાં મૂર્તિ હોવી જ જોઈએ પણ દરેક માણસ ચાહે આસ્તિક હોય કે નાસ્તિક હોય તેના હૃદયમાં કોઈ ને કોઈ વ્યક્તિ કે ઈશ્વર પ્રત્યેની સદ્ભાવનાની પ્રતિમા અવશ્ય હોય છે. માટે ધર્મનું છેલ્લું લક્ષણ મૂર્તિ છે.

શ્રીમદ્ ભાગવતમાં એ ધર્મ નામના પુરુષને તેર પત્નીઓ પાસેથી જે પુત્રો પ્રાપ્ત થાય છે તેનાં નામ પણ અર્થસભર અને આજે પણ પ્રસ્તુત છે. ધર્મને શ્રદ્ધા પાસેથી શુભ નામનો પુત્ર મળે છે. મૈત્રી પાસેથી પ્રસાદ એટલે કે પ્રસન્ન નામનો પુત્ર મળે છે. દયાની કૂખેથી અભય જન્મે છે કારણ નિર્દયી માણસ હંમેશાં ડરપોક હોય છે.

જે દયાળુ હોય એ જ સાચા અર્થમાં અભય હોય છે. શાંતિ પાસેથી સુખ મળે છે, તુષ્ટિ પાસેથી મોદ મળે છે જે મધ્યમ કક્ષાનો આનંદ થયો. મોદ અને પ્રમોદ બંને બહુ નજીકના શબ્દો છે. પુષ્ટિ પાસેથી સંયમ મળે છે. ક્રિયાના પુત્રનું નામ યોગ છે. ઉન્નતિનો દર્પ છે. આ દર્પ એટલે અભિમાન. બુદ્ધિ પાસેથી અર્થ અને મેધા પાસેથી સ્મૃતિ મળે છે. તિતિક્ષાની કૂખેથી ક્ષેમ જન્મે છે. લજ્જા પાસેથી વિનય મળે છે, કારણ કે નિર્લજ્જ હશે તે અવિવેકી હશે અને છેલ્લે મૂર્તિ પાસેથી નર અને નારાયણ નામના બે પુત્રો મળે છે. વેદવ્યાસે લખેલી યુગો જૂની વાત અત્યારે પણ ધર્મને સમજવા માટે પર્યાપ્ત છે.

કવર સ્ટોરી  :- પૂ. મોરારિ બાપુ

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન