વાસ્તુ શાસ્ત્ર મુજબ, ચોરસ મકાન બનાવવું શુભ રહેશે - Sandesh
  • Home
  • Supplements
  • Nakshatra
  • વાસ્તુ શાસ્ત્ર મુજબ, ચોરસ મકાન બનાવવું શુભ રહેશે

વાસ્તુ શાસ્ત્ર મુજબ, ચોરસ મકાન બનાવવું શુભ રહેશે

 | 1:33 am IST

જન્મકુંડળીમાં શનિ બારમા ભાવમાં હોય તો ભવન નિર્માણ કરવાના સમયે એને અધૂરું ના છોડો અર્થાત્ મકાન બનાવાનું કાર્ય વચ્ચે પડતું ન મૂકો. ચોરસ મકાન બનાવવું શુભ રહેશે. જો ભવનનો મુખ્ય દરવાજો દક્ષિણ દિશામાં હશે તો સ્ત્રીને કષ્ટ, જેલ જવા સુધીની નોબત આવશે તથા જાતકે વિધુર જીવન પસાર કરવું પડશે. ઘરમાં રોગ અને એના ઈલાજ માટે આખો પરિવાર તંગી વેઠશે. એના નિવારણ માટે વર્ષમાં ઓછામાં ઓછું એકવાર બકરીનું દાન કરો. જો બકરીનું દાન કરી શક્તા નથી તો નાક વિંધાવો. દાંત સાફ રાખો. વ્યંડળોને લીલી બંગડીઓ અને લીલા વસ્ત્રનું દાન કરો. લીલી ફોતરાવાળી મગની દાળનું દાન કરો. પોતાના ભોજનનો એક કોળિયો ગાયને, બીજો કૂતરાને અને ત્રીજો કાગડો કે પોપટને નાંખો. દુર્ગા ઉપાસના અને દુર્ગા સપ્તશતીનો પાઠ કરો. પુત્રી, બહેન, માસી અને સાળીના આશીર્વાદ લો. બુધવારનું વ્રત પણ કરો.

જો જાતકની જન્મકુંડળીમાં શનિ અગિયારમાં ભાવમાં હોય તો ભવનનું દ્વાર ક્યારેય પણ દક્ષિણ બાજુ ના રાખો. જો એમ કરશો તો જાતક તથા એના પરિવારને વિવિધ રોગોના લીધે તડપી તડપીને ભયાનક કષ્ટો સહન કરવા પડશે. લાલ કિતાબ પ્રમાણે મકાન પર અશુભ ગ્રહોનો પ્રભાવ ઓછો કરવાના ઉપાયો આ પ્રમાણે છે.

આ નિયમોમાં ઉત્તમ ભૂમિની પસંદગી, દિશાઓનો વિચાર અને ભવન નિર્માણ વેળા પાણી, આગ, મકાનના મુખ્ય માણસના રહેવાનું સ્થાન વગેરે સામેલ છે. ઉત્તમ ભૂમિનું ચયન કરવાના સમયે ભૂમિની લંબાઈ, પહોળાઈ કરતાં ડબલથી વધુ ન હોવી જોઈએ. એમાં ચાર ભૂજાવાળો પ્લોટ જે ૯૦ંની ભૂજાઓવાળો હોય એને શ્રેષ્ઠ મનાય છે. અન્ય બાબતમાં કહેવાયું છે કે આઠ, અઢાર, તેર, ત્રણ અને પાંચ કોણમાં ક્યારેય મંદિર બનાવવા નહીં. અર્થાત્ ચાર ખૂણાવાળા પ્લોટ સિવાયના વધારામાં બાકીના ખૂણાવાળા આ પ્લોટ અશુભ હોય છે.

ભૂમિની શુભતા-અશુભતાની પરખ માટે જમીનની અંદર દૂધથી ભરેલા વાસણ દબાવો. વાસણ દબાવાના દિવસથી પ્રારંભ કરીને જન્મકુંડળીમાં બેઠેલ શનિ આપને સારો કે ખરાબ પ્રભાવ મકાન બનાવ્યા પછી આપશે. અને તરત જ જાહેર કરી દેશે. જો અશુભ પ્રભાવ હશે તો અચાનક બીમારી, ઝઘડા જેવું થાય તો એ પછી જે વાસણ જમીનમાં દબાવ્યું છે એને બહાર કાઢી વહેતા પાણીમાં વહાવી દો. કારણ કે એ જગ્યાએ મકાન બનાવવું તમારા માટે શુભ નથી.

મુખ્ય આઠ દિશાઓ હોય છે જેનો વિચાર કરવો જોઈએ તથા પૂર્વ-ઉત્તર અને ઈશાન દિશાઓમાં શેષ દિશાઓની અપેક્ષાએ વધુ ખાલી સ્થાન છોડવું જોઈએ છે. પાણીની વ્યવસ્થા અને પૂજાનું સ્થળ આ દિશામાં હોવું શુભ છે. ધરતીનો ઢાળ પણ આ દિશામાં શુભ છે. દક્ષિણ-પૂર્વમાં રસોઈ બનાવવી જોઈએ. જનરેટર, મેઈન સ્વિચ, સોલર કૂકર તથા અન્ય જ્વલનશીલ વસ્તુઓનું અગ્નિખૂણામાં સ્થાન રાખવું જોઈએ.

પોતાના ઘરની ચારે તરફ ઊંચી દીવાલ અવશ્ય બનાવવી જોઈએ. તથા દક્ષિણ અને પશ્ચિમની દીવાલ પૂર્વ અને ઉત્તરની દીવાલોથી કંઈક ઊંચી અને મોટી રાખવી જોઈએ.

ભવનનો જમીનનો ઢોળાવ ઉત્તર, પૂર્વ અને ઈશાન કોણની તરફ રાખવો જોઈએ. જળને પણ આ દિશામાં જ રાખો. જો ઈશાન કોણથી જળ નીકળે તો ઉત્તમ છે. એનાથી જાતકને ઐશ્વર્ય લાભ, પારિવારિક, સુખ, સમૃદ્ધિ, માન-સન્માન વંશ વૃદ્ધિ અને શાંતિ મળશે.

સ્નાનઘર પૂર્વ કે ઉત્તર દિશા (જલતત્ત્વનો વિસ્તાર) માં સર્વશ્રેષ્ઠ છે. એનાથી શારીરિક અને માનસિક શક્તિમાં વધારો થાય છે.

ભવનમાં રસોડું હંમેશાં અગ્નિ દિશામાં બનાવવું જોઈએ અને રસોઈ બનાવતી વખતે સ્ત્રીનું મુખ પૂર્વ તરફ હોવું જોઈએ તથા મુખ્ય બારણાંથી ચુલો દેખાવવો જોઈએ નહીં. આવું થવાથી સ્વાસ્થ્ય વર્ધક, સર્વ સુખદાયક હોય છે. એનાથી સ્ત્રીની કમર, એડી પણ વગેરેમાં દર્દની ફરિયાદ નહીં રહે.

ભવનમાં બોરિંગ, કૂવો કે કુંડ ઈશાન કોણમાં પૂર્વ ઉત્તર દિશામાં જ ખોદાવવા જોઈએ. એનાથી ઐશ્વર્ય વૃદ્ધિ, પ્રસન્નતા અને સુખ શાંતિ વધે છે.

ભવનમાં પૂજાનું સ્થાન ઈશાન કોણમાં હોવું જોઈએ. એથી સર્વ કાર્યમાં સફળતા, પ્રભુચિંતન અને પૂજાનું પૂરું ફળ મળે છે.

સુવાનો ખંડ ભવનના દક્ષિણ, નૈઋત્ય (પશ્ચિમ-દક્ષિણ) કોણમાં શ્રેષ્ઠ છે. પલંગ દક્ષિણ દિશા અથવા નૈઋત્ય કોણમાં મૂક્વો જોઈએ અને ઊંઘતી વખતે માથું હંમેશાં દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ તરફ રાખીનું સૂવું જોઈએ. ભૂલથી પણ માથું ઉત્તર દિશા તરફ રાખવં  નહીં. આવું સ્વાસ્થ્ય વર્ધક છે. જાતકને બીક લાગવી કે ઊંઘ આવતાં ભયજનક સ્વપ્ન બંધ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન