એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ મેન્ટેન નહીં કરવા બદલની પેનલ્ટીમાં ઘટાડો - Sandesh
  • Home
  • Business
  • એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ મેન્ટેન નહીં કરવા બદલની પેનલ્ટીમાં ઘટાડો

એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ મેન્ટેન નહીં કરવા બદલની પેનલ્ટીમાં ઘટાડો

 | 3:43 am IST

નવી દિલ્હી,તા.૧૩

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ)એ કરોડો ગ્રાહકોને રાહત આપી છે. એકાઉન્ટમાં બેલેન્સ મેનટેન નહી કરવા બદલ પેનલ્ટીમાં બેંકે ભારે ઘટાડો કર્યો છે. સેવિંગ્સ એકાઉન્ટ ઉપર લાગુ થનારા આ ચાર્જમાં બેંકે ૭૫ ટકા ઘટાડો કર્યો છે જે આગામી મહિને પહેલી એપ્રિલથી લાગુ થશે. હવે કોઇપણ ગ્રાહકે રૂ.૧૫થી વધુ પેનલ્ટી આપવી નહીં પડે. અત્યાર સુધી પેનલ્ટી મહત્તમ રૂ.૫૦ હતી.

મેટ્રો અને શહેરી વિસ્તારોમાં કમસે કમ બેલેન્સ નહીં રાખવા ઉપર ચાર્જ રૂ.૫૦ ઉપરથી ઘટાડી રૂ.૧૫ કરવામાં આવ્યો છે. નાના શહેરોમાં આ ચાર્જ રૂ.૪૦ ઉપરથી ઘટાડી રૂ.૧૨ કરવામાં આવ્યો છે. એ જ પ્રમાણે ગ્રામ્ય વિસ્તારોમાં આ ચાર્જ રૂ.૪૦ને બદલે રૂ.૧૦ કરવામાં આવ્યો છે. આમાં જીએસટી અલગથી લાગુ થશે.

બેંકના રિટેલ અને ડિજિટલ બેન્કિંગના એમડી પી.કે.ગુપ્તાએ જણાવ્યું હતું કે અમારા ગ્રાહકો પાસેથી માહિતી અને અભિપ્રાય જાણ્યા બાદ અમે આ પગલું લીધું છે.

બેંકના આ પગલાથી ૨૫ કરોડ ગ્રાહકોને લાભ થશે. હાલમાં બેંકમાં ૪૧ કરોડ સેવિંગ્સ ખાતા છે. તેમાં ૧૬ કરોડ ખાતાઓ વડા પ્રધાનની જનધન યોજના અંતર્ગત ખોલવામાં આવ્યા છે. બેંકે રેગ્યુલર સેવિંગ્સ એકાઉન્ટને બેઝિક સેવિંગ એકાઉન્ટમાં ફેરવવા માટેની સુવિધા પણ આપી છે.

એસબીઆઇએ હાલમાં જ ડિપોઝિટ અને ધિરાણ દરમાં વધારો કર્યો હતો. લોનનો દર ૦.૨૫ ટકા વધારવામાં આવ્યો હતો. એસબીઆઇએ એમસીએલઆર (માર્જીનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ)ના દરમાં વધારો કર્યો હતો. આ દરને માપદંડ તરીકે ગણતરીમાં લઇને બેંક લોન આપે છે. આને પરિણામે હોમ લોન, ઓટો લોન અને પર્સનલ લોન સહિત તમામ લોન મોંઘી ઔથઇ છે.

એસબીઆઇએ ત્રણ વર્ષ માટેના એમસીએલઆર દર ૮.૧૦ ટકા ઉપરથી વધારી ૮.૩૫ ટકા કર્યા હતા. એ જ પ્રમાણે બે વર્ષના એમસીએલઆરના દર ૮.૦૫ ટકા ઉપરથી વધારી ૮.૨૫ ટકા કર્યા હતા. એક વર્ષના એમસીએલઆરના દર ૭.૯૫ ટકા ઉપરથી વધારી ૮.૧૫ ટકા કરવામાં આવ્યા હતા.

;