આચાર્ય કૃપલાણી અને સુચેતાબહેન - Sandesh

આચાર્ય કૃપલાણી અને સુચેતાબહેન

 | 2:44 am IST

મહાપુરુષોના પ્રેમતરંગઃ પ્રભાકર ખમાર

અહીં, આખરે અમે પરણવાનો નિર્ણય શી રીતે કર્યો, અને તેમાં  શી શી મુશ્કેલીઓ આવી, તે બધું સુચેતાએ પોતાની અધૂરી  રહેલી જીવનઝરમરમાં વર્ણવેલું છે, તે જ ઉતારું છું. એ જીવનઝરમર  મિત્રો અને પ્રશંસકોએ તેઓ જે નોંધો મૂકી ગયાં હતાં તેને  આધારે પૂરી કરી છે.”

કૃપલાનીજી સાથે પોતાનો સંપર્ક શી રીતે થયો તે અંગે જણાવતાં સુચેતાબહેન જણાવે છેઃ  “આચાર્ય કૃપલાની અને વેરિયલ એલવનિ યુ.પી.માં  ખાદી-પ્રચારનું કાર્ય કરતા હતા, ત્યારે મારે તેમના સંપર્કમાં  આવવાનું બન્યું. તેઓ ખાદીનું અર્થશાસ્ત્ર અને તેના રાજકીય  મહત્ત્વને લોકપ્રિય બનાવવા પ્રયત્નશીલ રહેતા હતા. તેઓ  સારનાથ જઈ રહ્યા હતા ત્યારે તેમણે તેમની સાથે જોડાવા મને  આમંત્રણ આપ્યું. હું તેમની સાથે ગઈ અને મુસાફરી સારી રીતે  માણી. તેમની સોબત મારે માટે પ્રેરણાદાયક રહી. એ બંને  મહાનુભાવો ખૂબ જ બુદ્ધિશાળી અને અત્યંત અભ્યાસી વ્યક્તિઓ હતા.  તેમની વાતચીતનો ફલક વિશાળ રહેતો અને તેમાં વ્યંગ અને  હાસ્યરસ ભરપૂર માત્રામાં હોતાં. ચાલુ રાજકીય પરિસ્થિતિ ઉપર  ટીકા-ટિપ્પણી વિશેષ રહેતી હતી. મારે મન તેઓ આ વિશાળ ખુલ્લી  દુનિયામાં તાજી હવા રૂપે હતા. અમારી વિમેન્સ કોલેજનું  વાતાવરણ સામાન્ય રીતે શાંત હતું. જ્યારે જ્યારે કૃપલાની  બનારસ આવતા ત્યારે ત્યારે મને મળવા માટે બોલાવતા હતા.  તેઓ ઘણીવાર અમારી યુનિ.માં આવતા હતા, કેમ કે રાજકીય ચળવળ  માટે વોલન્ટિયરો મેળવવાનું તે એક જાણીતું સ્થળ હતું!”

“કૃપલાનીજી અને હું એકબીજાના ગાઢ સંપર્કમાં હતાં.  અમે નિયમિત રીતે એકબીજા ઉપર પત્ર પાઠવતાં હતાં. તેમના  પત્રો અદ્દભુત હતાં. તેઓ તેમાં ભારતને પરદેશી શાસનમાંથી  મુક્ત કરવા માટે તથા તેની ગરીબાઈ અને દુઃખો અને પડતી દશા  દૂર કરવા માટે અંતરના ઊંડાણમાંથી લખતા હતા. ભારત બીજા આઝાદ  દેશોની જેમ જ વિશ્વમાં પોતાની એક આગવી પ્રતિભા ઊભી કરશે,  એવું કૃપલાની ભારપૂર્વક માનતા હતા, કેમ કે તેની પ્રાચીન  સંસ્કૃતિ જ તેને તેમ કરવાની ફરજ પાડશે. આ રીતે મારી અને  એમની માન્યતાઓ તથા દ્રષ્ટિબિંદુઓ સરખાં હોવાથી અમારી  મિત્રતા જામી હતી. અમે લગ્નગ્રંથિથી જોડાવવાનું નક્કી કર્યું.  અમારી વચ્ચે ઉંમરનો મોટો તફાવત હતો અને તેઓ અતિ સંયમી  અને કઠણાઈભર્યું જીવન જીવતા હતા. મારી બાએ આ લગ્નનો વિરોધ  કર્યો, કેમ કે મારી બા મને નિરાંત અને સુખ-સગવડવાળું જીવન  મળે તેવું ઈચ્છતા હતા. એક સામાન્ય ગૃહિણીનું જીવન હું જીવું  તેવું મારી બા ઈચ્છતા હતાં.”

કૃપલાનીજીના પક્ષે, તેમનાં એકમાત્ર બહેન કીકીબહેને  આવી મોટી ઉંમરે (તે વખતે કૃપલાની તેમની ચાલીસીમાં હતા)  તેમના સાધુભાઈ પરણે, એ સામે ભારે વિરોધ કર્યો. આ લગ્નથી  તેમની આબરૂ ધૂળમાં મળી જશે અને એમની જીવનભરની સેવા  ધોવાઈ જશે, કેમ કે તેઓ ખૂબ જાણીતા કોંગ્રેસ કાર્યકર અને  સિંધના નેતા હતા, એમ કીકીબહેને ગાંધીજીને લખ્યું.

ગાંધીજીએ પણ આ લગ્નનો વિરોધ કરેલો. સુચેતાને  આ બાબતમાં મળવા પણ બોલાવેલાં અને તેમને કહેલું: “If  you marry him, you will break my right arm.” સુચેતાએ સામું  પૂછેલું, “Why did he not think instead of one national worker he would  gain two!”

કૃપલાનજી અને સુચેતાની મૈત્રી સંબંધી કેટલીક હળવી  વાતો લોકોમાં ચાલતી આવી. વાતોથી સામાન્ય રીતે સ્ત્રીના  વ્યક્તિત્વને નુકસાન થાય છે. એમાંથી નીકળી જવા કૃપલાનીજી  સુચેતા સાથે લગ્ન કરવા તૈયાર થયા. એમના મિત્રો અને  લોકોમાં એક એવી માન્યતા હતી કે, બ્રહ્મચર્યવ્રત લીધેલ માણસ  લગ્ન કરે તે કેમ ચાલે? પણ હકીકતમાં એ વાત સત્યથી વેગળી  હતી. કેમ કે કૃપલાનીજી વ્રત વગેરે લેવા-કરવામાં માનતા ન  હતા. અને તેમણે એવું કોઈ વ્રત લીધું ન હતું. ગાંધીજીએ આ  બાબતમાં માત્ર એક જ વાર કૃપલાનીજી સાથે વાતચીત કરેલી.  તેમણે કૃપલાનીજીએ કહેલું કે આપણે જે સમાજમાં રહીએ છીએ,  તેમાં લોકો, આપણે ભોગે જાતજાતની વાતો કરે તેવું ન થાય  તો સારું. ગાંધીજી લગ્નની બાબતમાં કૃપલાનીજી સાથે વધુ  દલીલબાજીમાં ઊતર્યા ન હતા. કેમ કે તેઓ જાણતા હતા કે,  કૃપલાની જેવો માથાફરેલો માણસ એક વખત તેણે જે નક્કી કર્યું  તે ક્યારેય છોડશે નહીં.

જવાહરલાલ નહેરુને તે અરસામાં લાંબી સજા થઈ  હોવાથી આ લગ્ન તત્પૂરતું મુલતવી રાખવામાં આવ્યું.  કૃપલાનીજી અને જવાહરલાલ બહુ નજીકના મિત્રો હતા. મિત્ર જેલમાં  હોય ત્યારે લગ્ન કરવાનું કૃપલાનીજી વિચારી જ કેમ શકે? આમ બે  વર્ષનો ગાળો પસાર થઈ ગયો. આ સમય દરમિયાન લગ્ન ન  કરવાનું સમજાવવા માટે ગાંધીજીએ સુચેતાને બે-ત્રણ વાર વર્ધા  બોલાવ્યાં હતાં. છેવટે સુચેતા ગાંધીજીના મત અને આગ્રહને  વશ થયાં અને તેમણે લગ્નનો વિચાર છોડી દીધો! ત્યારે  ગાંધીજીએ સુચેતાને કહેલું: “You have to give him up in thought  word and deed; have no contact, no letters even.” એમાં પણ સુચેતા  સહમત થયાં. પછી બીજે દિવસે ગાંધીજીએ બીજો પ્રસ્તાવ સુચેતા  સમક્ષ મૂક્યોઃ “If you remain unhappy, it will oppress Kriplani; so  you must marry someone else.” ત્યારે સુચેતાએ ગાંધીજીને સંભળાવી  દીધું, ‘તમે જે સૂઝાવ સૂચવો છો, તે ખોટો છે એવું કરવું એ  અન્યાય અને અનૈતિક્તા આચરી ગણાશે.’ ગાંધીજીએ આનો કોઈ  વળતો જવાબ ન આપ્યો અને તેમની ચર્ચા ત્યાં જ પૂરી થઈ.

જમનલાલજીની સહાનુભૂતિ કૃપલાનીજી અને સુચેતા  પ્રતિ હતી. ગાંધીજી સમક્ષ તેમણે બંનેની વકીલાતનું કામ પણ  કરેલું. પછી ૧૯૩૬ની શરૂઆતમાં ગાંધીજીએ સુચેતાને બોલાવીને  કહેલું કે, તેમને આ લગ્ન સામે કોઈ વિરોધ નથી, પણ તેઓ આ  લગ્નને આશીર્વાદ તો નહીં આપી શકે! તેઓ માત્ર બંને માટે  પ્રાર્થના જ કરશે, તેઓ બંને ગાંધીજીની પ્રાર્થનાથી સંતુષ્ટ  થયાં. ઈ.સ. ૧૯૩૬માં બ્રહ્મોસમાજ વિધિ પ્રમાણે બનારસમાં બંને  પરણી ગયાં!

ત્યાંથી તેઓ અલ્હાબાદ ગયા. તેમનું લગ્ન  આનંદભવનમાં રજિસ્ટર થયું. તેમાં જવાહરલાલજી સાક્ષીઓ પૈકીના  એક હતા. વિજયાલક્ષ્મીએ નાનકડો સત્કાર-સમારંભ ગોઠવ્યો. જેમાં  અલ્હાબાદના કેટલાક જાણીતા કોંગ્રેસીઓને નિમંત્ર્યા હતા.  જવાહરલાલનાં માતુશ્રી સ્વરૂપરાણીએ સુચેતાજીને લગ્નની ભેટ  તરીકે એક સુંદર સાડી આપી. બંનેએ તેમના લગ્ન અંગે કદી  ગાંધીજીએ જાણ કરી નહીં. ગાંધીજીએ તે સમાચાર છાપાંઓ દ્વારા જાણ્યા  હશે.

પાછળથી સુચેતા ગાંધીજીના પ્રિય સાક્ષી બન્યાં.  કસ્તુરબા ટ્રસ્ટના કાર્યમાં તેમને જનરલ સેક્રેટરી પણ બનાવવામાં  આવ્યાં. એવું કહેવાતુું હતું કે, સુચેતા ગાંધીજીના પ્રિય  કાર્યકરોમાંના એક હતાં. કૃપલાનીજીનાં બહેન કીકીબહેન સાથે  પણ તેમનો સંબંધ સહૃદયી બન્યો. કુટુંબના અન્ય સભ્યો સાથે  પણ સારા સંબંધો થઈ ગયાં. લગ્ન પછી પણ કોંગ્રેસના જનરલ  સેક્રેટરી તરીકે કૃપલાનીજી કાર્ય કરતા રહ્યા અને સુચેતા બનારસ  હિન્દુ યુનિ.માં અધ્યાપનનું કાર્ય કરતાં રહ્યા.

સુચેતાજી રાજકારણમાં ન પડે તેવું કૃપલાની ઈચ્છતા  હતા. હિન્દીમાં સલાહ આપતા એમણે કહેલું, કોઈપણ  કામ કર પણ ‘અપના દીમાગ સાફ રખના!’ તે સલાહ સુચેતાજીએ  જીવનભર પાળી હતી.

પતિની  વિચારવાની, કાર્ય કરવાની રીતનો પ્રભાવ પોતા પર હતો.  તેવું તે સહર્ષ સ્વીકારતાં.

[email protected]