સાચા ગુરુ વગર સિદ્ધિ ન મળે! - Sandesh

સાચા ગુરુ વગર સિદ્ધિ ન મળે!

 | 12:11 am IST

ચિત્તશક્તિ :- પરમસ્વામી

આવા ગુરુજન સાંસારિક સંપત્તિનો અનુચિત જણાતો ત્યાગ કરવા નથી કહેતા, એ તો ત્યાગ કરાવે છે જીવત્વનો. તેઓ દ્વેષ કરે છે, પરંતુ જીવત્વનો; ઈર્ષ્યા કરે છે, પણ વ્યક્તિત્વની; ક્રોધ કરે છે, પરંતુ ભેદભાવ પ્રત્યે! પરમાત્માએ સર્જેલા આ જગતની વસ્તુઓનો ત્યાગ કરાવીને તેઓ શિષ્યના અંતરને શૂન્ય અને શુષ્ક નથી બનાવી મૂકતા.

સંસારમાં માતા-પિતા કે સ્વજનો સાથે રહેવા છતાંય શિષ્યના એ પ્રકારના સહજ-સામાન્ય જીવનને પણ શ્રી ગુરુ તો પોતાની પારમેશ્વરી કૃપા દ્વારા દિવ્યત્વથી ભરી દે છે. સમાજમાં પોતાનો જીવન-વ્યવહાર ચાલુ રાખીને પણ, સંસારને પરમેશ્વરના પ્રસાદરૂપ સમજીને ઈશ્વર આરાધના-બુદ્ધિથી કર્મ કરતાં કરતાં, ગુરુકૃપા પ્રાપ્ત કરીને ધ્યાન દ્વારા મનુષ્ય પોતાના અંતરતમમાં પ્રકાશિત આત્માનાં દર્શન સરળતાથી કરી શકે છે. સાચા ગુરુ મેળવ્યા વગર બિચારો મનુષ્ય કંઈ કેટલીયે દીક્ષાઓ ગ્રહણ કરીને જંગલ કે ગુફાઓમાં દેહ ગાળી-ગાળીને છેવટે કશું હાથ ન લાગતાં હતોત્સાહ થઈ જાય છે. પછી પોતાના પ્રારબ્ધ અને કર્મનો વાંક કાઢીને રોદણાં રડે છે! આખરે પરમાત્માની પ્રાપ્તિ ન થતાં ‘એ ક્યારે મળશે? કોણ એનાં દર્શન કરાવશે?’ એવી ચિંતામાં બળ્યા કરે છે.

શ્રી ગુરુ તો મહાન, ચમત્કારિક, દૈવી શક્તિ છે. સાક્ષાત્કારી ગુરુને મામૂલી માનીને છોડી ન દો. ગુરુની મહાનતાનો સાચો ખ્યાલ ત્યારે જ આવે કે જ્યારે તેમની સંપૂર્ણ કૃપા પ્રાપ્ત થાય. સાચા ગુરુ પોતાના શિષ્યોને ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરાવી, સત્ય સ્વરૂપ દર્શાવી, શિવનું મિલન કરાવી શિવરૂપ જ બનાવી દે છે. ગુરુમાં એક એવી અનોખી શક્તિ હોય છે કે જેનાથી તેઓ મનુષ્યમાં અદ્ભુત પલટો લાવી દે છે; એને જરારહિત, દુઃખહીન નવજીવન બક્ષે છે, આ ભવમાં જ પૂર્ણતા પ્રદાન કરે છે. જેવી રીતે પોતાની આંખોના દોષને કારણે ઘૂવડ દિવસે કશું ભાળી નથી શકતું અને રાતની દુનિયાને કાગડો જોઈ નથી શકતો, તેવી જ રીતે ગુરુકૃપા વગર મનુષ્ય જગતને સ્વર્ગસમ નહીં, પરંતુ દુઃખમય જ અનુભવે છે.

ગુરુ મંત્ર-ચૈતન્યકારક, મંત્રદ્રષ્ટા, શક્તિપાતકુશળ અને સમર્થ હોવા ઘટે. તેઓ ગૃહસ્થ હોય કે ગૃહત્યાગી-એમનામાં એવું સામર્થ્ય હોવું જોઈએ કે શિષ્યમાં શક્તિસંચાર કરી શકે. તેમનામાં પારમેશ્વરી અનુગ્રાહિકા શક્તિનો વાસ હોવો જોઈએ. ગુરુની બાબતમાં લિંગભેદ ન હોઈ શકે, તેઓ તો અલિંગ છે. ગુરુ જ પરશિવ છે, ગુરુ જ પરાશક્તિ ચિતિ છે. જ્ઞાનના દૃષ્ટિકોણથી જોતાં પુરુષ કે સ્ત્રી એક જ છે. એક જ શક્તિ, એક જ આત્મા તેઓ બંને ધરાવે છે. જે પુરુષ કે સ્ત્રીમાં ચિતિશક્તિનું સંચરણ થઈ જાય તેમનામાં પછી નર કે નારીનો ભેદ નથી રહેવા પામતો. વખત જતાં એ જ શિષ્ય ગુરુસમાન બની જાય છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન