અભિનય કરવા જ ન માગતી ભાનુરેખા કઇ રીતે રેખા બની? - Sandesh
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • અભિનય કરવા જ ન માગતી ભાનુરેખા કઇ રીતે રેખા બની?

અભિનય કરવા જ ન માગતી ભાનુરેખા કઇ રીતે રેખા બની?

 | 3:22 am IST

રેખા…. અભિનેત્રીનું નામ સાંભળતા જ અનેક ઉપમાઓ આપવાનું મન થઇ આવે, નીડર બાળક, નજાકતથી ભરપૂર પ્રેમિકા, સુંદર સ્ત્રી, અને રહસ્યમય છતાં ખુલ્લી કિતાબ સમું એક વ્યક્તિત્વ. ૬૪ વર્ષની ઉંમરે પણ રેખાની સુંદરતાનો કોઇ જવાબ નથી, સાંસદ બન્યા બાદ પહેલીવાર જ્યારે તેણે સંસદસભામાં પગ મૂક્યો હતો, ત્યારે ઘણાબધા લોકો ખાસ તે દિવસે તેને જોવા માટે જ હાજર રહ્યા હતા. વેલ આજે પણ રેખાએ તેનો ગ્રેસ અને સુંદરતા બંને જાળવી રાખ્યા છે. આ અભિનેત્રીએ જીવનમાં ઘણાં ચડાવ-ઉતાર જોયા છે, આમ જોવા જઇએ તો તેનું સમગ્ર જીવન લોકો સામે એક ખુલ્લી કિતાબ જેવું જ છે, છતાં તે ઘણા બધા રહસ્યોથી ભરપૂર છે. રેખાના બાળપણથી લઇને અત્યારસુધીની સફર એક ફિલ્મ જેવી જ કહી શકાય. તો ચાલો આજે રેખાના જીવનની ફિલ્મમાં એક ડોકિયું કરીએ.

ભાનુરેખાના નામે ૧૦ ઓક્ટોબર ૧૯૫૪માં જન્મેલી રેખાનું બાળપણ ઘણી કડવી યાદોથી ભરેલું છે, પરંતુ રેખા તેના જીવનના આ પાસાને પણ ગર્વભેર સ્વીકારે છે અને દુનિયા સામે રાખતા તેને કોઇ છોછ નથી, સિમિ ગરેવાલ સાથેના એક ઇન્ટરવ્યૂમાં રેખા જણાવે છે કે તેના પિતાએ ત્રણ લગ્ન કર્યાં હતાં. રેખાના પિતા જેમીની ગણેશન તમિલ એક્ટર હતા, જ્યારે માતા પુષ્પાવલી તેલુગુ એક્ટ્રેસ હતી. રેખા જ્યારે પુષ્પાવલીના ગર્ભમાં હતી ત્યારે તેના માતા-પિતાના લગ્ન નહોતા થયા. અને જ્યારે રેખાનો જન્મ થયો. બાળપણમાં તેને એક પિતાની જરૂર હતી પણ તેના પિતા તેમની સાથે નહોતા, રેખા પાસે પિતા સાથેની એવી કોઇ યાદ નથી જેને તે વાગોળી શકે. નાનપણથી માતા-પિતાના પ્રેમભંગની વાત હોય કે મોટા થઇને પોતાના ત્રણ ત્રણ પ્રેમભંગનો પ્રસંગ હોય, છતાં રેખાના જીવનમાં પ્રેમનું મહત્ત્વ ઘણું જ રહ્યું છે. રેખા પ્રેમને જીવનની અત્યંત સુંદર લાગણીમાંની એક ગણે છે અને તેનંુ માનવંુ છે કે પ્રેમમાં જો તકલીફ ન હોય તો તે પ્રેમ લાંબા સમય સુધી ટકતો નથી. તેથી પ્રેમમાં તકલીફને પણ પોતાનું આગવંુ મહત્ત્વ હોય છે.

રેખા જણાવે છે કે મારી માતા અને પિતા વચ્ચે જે પણ તકલીફ હતી જોકે તેનો ઉલ્લેખ ક્યારેય મારી માતાએ અમારી સામે નથી કર્યો, અને મારી માતા પાસેથી શીખવા જેવી કોઇ સુંદર બાબત હોય તો તે એ જ છે, પિતા માટેની તેની એકપણ વાતમાં ક્યારેય એવું નથી આવ્યંુ કે બાળકો તરીકે અમારા માનસપટ ઉપર પિતા માટે ખરાબ ઇમ્પ્રેશન ઊભી થાય, ઊલટાનું જ્યારે પણ મારી માતા અમને પિતા વિશે જણાવતી ત્યારે હંમેશાં તેઓ કઇ રીતે પ્રેમમાં પડયા, કઇ રીતે માતાને આકર્ષવા પિતાએ મહેનત કરી, તેમની પહેલી કિસ કેવી હતી, આ તમામ મીઠી યાદો મા અમને જણાવતી. આમ નાની ભાનુરેખાના માનસ પર પિતા માટે નફરતના બદલે પ્રેમ માટે ઊંડી શ્રદ્ધાનો જન્મ થવા લાગ્યો.

રેખા તો માતા વિશે ત્યાં સુધી કહે છે કે તેના પિતાની બીજી પત્નીઓ સાથે પણ તેમના સારા સંબંધ હશે તેમ હું અનુમાન લગાવંુ છું, કારણ કે પિતાની બીજી પત્ની વિશે પણ મારી માતા ક્યારેય ખરાબ નથી બોલી, તે હંમેશાં તેમના સંપર્કમાં હતી, અથવા એમ પણ બની શકે કે તે અમારી સામે ક્યારેય તેમના વિશે ઘસાતંુ નથી બોલી. તે નહોતી ઈચ્છતી કે અમારા માનસપટ ઉપર તેની ખરાબ અસર થાય. રેખા કહે છે હું મારા પિતા જેવી જ લાગું છું, પણ મને નથી યાદ કે મારા પિતાએ ક્યારેય મને મળવાનો પ્રયત્ન કર્યો હોય, ખરેખર તો રેખાના માનસપટમાં તેમની સાથે લાંબી બાપ-દીકરી જેવી વાતચીત કર્યાંનું પણ યાદ નથી. રેખા કહે છે મને પિતા શું હોય તેની પણ ખબર નહોતી, મતલબ મારા જીવનમાં મને પિતાની વ્યાખ્યાની સમજ જ નથી પડી. હા ઘણીવાર મને સાંભળવા મળતું કે હું મારા પિતા જેવી દેખાઉ છું ત્યારે મને તેમની સાથે વાત કરવાનું મન થતું, પણ તે લાંબો સમય ટકતંુ નહીં. મારા જીવનમાં તેમનું મહત્ત્વ માત્ર હું તેમના જેવી લાગંુ છું તે પૂરતું જ હતું. રેખા તેના પિતા જ નહીં તેના ભાઇ-બહેનથી પણ ક્યારેય એટલી નજીક નથી રહી. હા પરિવારને સાચવવાની ફાઇનાન્શિયલી જવાબદારી નાની ભાનુરેખા પર હતી, પરંતુ તે માત્ર જવાબદારી જ હતી, તેની અંદર લાગણીના અંશો ઓછા હતા.

રેખાનું બાળપણ અનેક કષ્ટમાંથી પસાર થયંુ છે. દસ વર્ષની ભણવાની અને રમવાની ઉંમરે રેખાને કામે લાગવું પડયું હતું, તેણે કરિઅરની શરૂઆત તેલુગુ ફિલ્મોથી કરી હતી. રેખા તે સમયે બાળક હોવાને કારણે તેને એક ફરિયાદ હંમેશાં રહેતી. અડોશ-પડોશના બાળકો અને રેખાના બીજા મિત્રો જે સમયે રમતા અને મજા કરતાં તે સમયે રેખા સેટ ઉપર જઇને કલાકોના કલાકો સુધી કામ કરતી, તેને એકના એક સીનને વારંવાર રિટેક કરવાનો ખૂબ કંટાળો આવતો, તેનું બાળમાનસ એ સમજી નહોતું શકતું કે કેમેરાની સામે ઊભા રહીને રિટેક કેમ કરવા પડે?

રેખા કહે છે મને તે સમયે એ વાતનો હંમેશાં વસવસો રહેતો કે મારી ઉંમરના મારા મિત્રો આખો દિવસ ઘરે રમે છે જ્યારે મારે અલગ- અલગ જગ્યાએ જઇને કેમેરા સામે શૂટ કરવું પડે છે, મને રમવું ખૂબ ગમતંુ, હું રમતિયાળ હતી, તેથી હું સેટ ઉપર પણ જેમતેમ કરીને રમવાનો સમય કાઢી લેતી હતી, આમતેમ ઉછળકૂદ કરતી હું કોઇ ખૂણામાં જતી રહેતી અને મારે શૂટ કરવાનું હોય ત્યારે સેટ ઉપરના લોકો મને શોધવા નીકળતા, જોકે ઘણીવાર એવું બનતંુ કે હું રમતાં-રમતાં સેટ પરથી બહાર પણ નીકળી જતી, તે સમયે મને શોધવી સેટના લોકો માટે મુશ્કેલ થઇ પડતી. રેખા કહે છે મૂળ એ સમયે મને એક્ટિંગ કરવાની ઇચ્છા જ નહોતી, મને આ લાઇનમાં આવવંુ જ નહોતંુ, પણ પરિસ્થિતિના કારણે મારે આવવું પડયંુ, જેથી છટકબારીના રસ્તા હું વારંવાર શોધ્યા કરતી. વેલ એ ભાનુરેખા બાળક હતી, પણ રેખા કહે છે કે રમતિયાળ તો હું હજીપણ છું જ, મારો સ્વભાવ નથી બદલાયો, હા ઉંમર જતાં માણસ મોટું થાય છે, મેચ્યોર બને છે, તેના વિચારો બદલાય છે, જીવન ઘણા અનુભવો થકી ઘણું બધંુ શીખવાડે છે પણ માણસનો મૂળ સ્વભાવ ક્યારેય બદલાતો નથી. તેથી ઉંમર વધતા રેખા શાંત બની એવું તો નહોતું જ, અલબત્ત તે સમજદાર બની હતી પણ રમતિયાળ તો રહી જ હતી.

જે સમયે રેખાને હિન્દી સિનેજગતમાં આવવાનું હતંુ તે સમય પણ રેખા માટે ઘણો અઘરો હતો, કારણ કે ભણી ન હોવાથી તેને તેલુગુ સિવાય બીજી કોઇ ભાષા બહુ નહોતી આવડતી. હા અંગ્રેજી ભાષા થોડી ઘણી આવડતી પરંતુ હિન્દી શીખવામાં રેખાને ખૂબ તકલીફ પડી હતી. તે સમયે તેની માતા પણ ખૂબ બીમાર હોવાથી સેટ ઉપર રેખા સાથે નહોતી જઇ શકતી, રેખાના કહેવા પ્રમાણે તે દિવસો તેના જીવનના સૌથી ખરાબ દિવસો હતા. કારણ કે તે સતત તેની માતાને ઝંખતી રહેતી અને માતા આવી શકે તેવી શક્યતા નહોતી. જ્યારે બોલિવૂડમાં મોટાભાગે લોકો હિન્દી અથવા પંજાબી ભાષા બોલતા, આવા સમયે ભાનુરેખા પોતાની જાતને ઘણી એકલી અનુભવતી. રેખા કહે છે કે તે જ સમયે હશે જ્યારે મંે મારી પરિસ્થિતિને, મારી માતાને અને મારી સાથે જોડાયેલી બીજી તમામ બાબતોને દિલ ફાડીને નફરત કરી હતી. પરંતુ સમય સારો શિક્ષક હોય છે, જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ રેખા ટેવાતી ગઇ, અને જીવનમાં સામે આવેલી નવી નવી વસ્તુઓને શીખતી ગઇ.

રેખાના કેસમાં એક વાત ખૂબ જ સારી બની છે, કે જેમ જેમ સમય જતો ગયો અને ઉંમર વધતી ગઇ તેમ તેમ રેખા વધારે સુંદર લાગતી જતી હતી. નાનપણમાં બોલિવૂડમાં ડગ માંડવા આવેલી ભાનુરેખા કાળી અને જાડી હતી, સુંદરતાના નામે જે રેખા અત્યારે ઓળખાય છે તે સમયે તેમાંનું કંઇ જ નહોતું. રેખા એ સમયની વાતો યાદ કરતાં કહે છે કે હું અને મારી સગી બહેન બંને એકબીજાથી તદ્દન અલગ હતાં. મારી બહેન એકદમ સુંદર અને રૂપાળી હતી જ્યારે હું કાળી અને જાડી હતી, અલબત્ત હું મારા પિતા જેવી દેખાતી તેમજ મારી બહેન પણ એવી જ લાગતી, મને ઘણીવાર નવાઈ લાગતી કે બંને બહેનોમાં આટલો તફાવત કેમ! આ સવાલનો જવાબ મને થોડા સમય બાદ ખાલીદ મહોમ્મદ પાસેથી મળ્યો હતો. વધુ આવતા બુધવારે.

[email protected]