રુચિ સોયા માટે પતંજલિને પછાડીને અદાણી સર્વોચ્ચ બિડર: કરી રૂ.6,000 કરોડની ઓફર - Sandesh
  • Home
  • Business
  • રુચિ સોયા માટે પતંજલિને પછાડીને અદાણી સર્વોચ્ચ બિડર: કરી રૂ.6,000 કરોડની ઓફર

રુચિ સોયા માટે પતંજલિને પછાડીને અદાણી સર્વોચ્ચ બિડર: કરી રૂ.6,000 કરોડની ઓફર

 | 4:07 pm IST

રુચિ સોયા માટે નવેસરથી બેંકો દ્વારા નવેસરથી બીડ મંગાવાયા બાદ ગૌતમ અદાણી જૂથ લગભગ રૂ.6,000 કરોડની ઓફર સાથે સર્વોચ્ચ બિડર બન્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ડિફોલ્ટ થયેલી કંપની માટે બાબા રામદેવની પતંજલિ આયુર્વેદે રૂ.5,700 કરોડનું બિડિંગ કર્યું હતું. જોકે, સ્વિસ ચેલેન્જ પદ્ધતિ હેઠળ પતંજલિને અદાણી જૂથની ઓફરની બરાબરી કરવાનો હક મળશે.

પતંજલિ અને અદાણી જૂથ ઉપરાંત, ઇમામી એગ્રોટેક અને ગોદરેજ એગ્રોવેટે રુચિ સોયાને હસ્તગત કરવામાં રસ દર્શાવ્યો હતો. પતંજલિ આયુર્વેદ પહેલેથી જ ખાદ્ય તેલના રિફાઇનિંગ અને પેકેજિંગ માટે રુચિ સોયા સાથે જોડાણ ધરાવે છે. કંપની આગામી સમયમાં ખાદ્ય તેલના બિઝનેસમાં વિસ્તરણ માટે પણ સક્રિય છે.

પતંજલિ ગ્રૂપે બિડના મૂલ્ય અંગે માહિતી આપી ન હતી. જોકે, કંપનીએ અદાણી વિલ્મરની લો કંપની સિરિલ અમરચંદ મંગલદાસના રાજીનામા અંગેના મીડિયા અહેવાલોને ટાંકી પ્રક્રિયાની તટસ્થતા સામે પ્રશ્ન કર્યો હતો. લો ફર્મ રુચિ સોયાના રિઝોલ્યુશન પ્રોફેશનલની પણ સલાહકાર હતી.

પતંજલિના પ્રવક્તા એસ કે તિજારાવાલાએ જણાવ્યું હતું કે, “અમને આશ્ચર્ય થયું છે અને અમે CoC પાસે વિગતો માંગી છે. અમે સિરિલ અમરચંદ મંગલદાસના રાજીનામા બાબતે પત્ર લખ્યો છે.” સૂત્રોના જણાવ્યા અનુસાર રુચિ સોયા પાસેથી લગભગ રૂ.12,000 કરોડની લોન રિકવર કરનારા ધિરાણકારો પ્રારંભિક બિડ્સથી ખુશ ન હતા.

રુચિ સોયાના કમિટી ઓફ ક્રેડિટર્સ (CoC)ની મંગળવારની બેઠકમાં બે દાવેદાર પતંજલિ ગ્રૂપ અને અદાણી વિલ્મરની બિડ ખોલવામાં આવી હતી. CoCએ રુચિ સોયાની એસેટ્સનું મહત્તમ મૂલ્ય મેળવવા ‘સ્વિસ ચેલેન્જ’ પદ્ધતિ અપનાવવાનો નિર્ણય લીધો હતો.

રુચિ સોયાનું કુલ ઋણ લગભગ રૂ.12,000 કરોડ છે. કંપની ઘણા ઉત્પાદન પ્લાન્ટ્સ ધરાવે છે. તેમની અગ્રણી બ્રાન્ડ્સમાં ન્યુટ્રેલા, મહાકોષ, સનરિચ, રુચિ સ્ટાર અને રુચિ ગોલ્ડનો સમાવેશ થાય છે.

ડિસેમ્બર 2017માં રુચિ સોયા ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેટ ઈનસોલ્વન્સી રિઝોલ્યુશન પ્રોસેસ (CIRP)માં પ્રવેશી હતી અને શૈલેન્દ્ર અજમેરાની ઇન્ટરિમ રિઝોલ્યુશન પ્રોફેશનલ (IRP) તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ક્રેડિટર્સ સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્ક અને DBS બેન્કની અરજીના આધારે NCLTએ ઈનસોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ હેઠળ આ નિમણૂક કરી હતી.

શરૂઆતના બિડિંગમાં પતંજલિએ લગભગ રૂ.4,300 કરોડ અને અદાણીએ રૂ.3,300 કરોડની ઓફર કરી હતી. ‘સ્વિસ ચેલેન્જ’ પદ્ધતિ હેઠળ પતંજલિ આગામી સમયમાં અદાણી જૂથની રૂ.6,000 કરોડની બિડની બરાબરી કરશે અથવા તેનાથી વધુ બિડિંગ કરશે તો અદાણીને ઓફર વધારવાની તક મળશે.