અધિકમાસ અને રમઝાન સાથે : 16મીથી અધિકમાસ તો 17મી શરૂ થશે રમઝાન - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • અધિકમાસ અને રમઝાન સાથે : 16મીથી અધિકમાસ તો 17મી શરૂ થશે રમઝાન

અધિકમાસ અને રમઝાન સાથે : 16મીથી અધિકમાસ તો 17મી શરૂ થશે રમઝાન

 | 10:04 pm IST

હિંદૂ સમુદાયમાં જપ, તપ, દાન, સેવાકાર્યની દૃષ્ટિએ ભારે મહાત્મ્ય ધરાવતા અધિક માસની બુધવારથી શરૃઆત થશે. તો મુસ્લિમ બિરાદરો માટે પવિત્ર ગણાતા રમઝાન મહિનાની શરૂઆત ગુરુવારથી થશે. બુધવારે જ ચાંદ દેખાઈ જતાં ગુરુવારથી  રમઝાન મહિનો શરૂ થતો હોવાની ઘોષણા કરવામાં આવી છે.

અધિકમાસમાં જ સંકટ ચોથ, સોમ પ્રદોષ સહિતના ૬ ધાર્મિક પર્વો મનાવાશે. ૧૩ જૂન સુધી ચાલનારા અધિક માસને લઇને એક મહિના સુધી લગ્ન સહિતના શુભ કાર્યો પર રોક લાગી જશે. વર્ષો પછી જેઠ માસમાં અધિક માસ મનાવાશે. દરમિયાન ૧૮ મેએ વિનાયક ચોથ, ૨ જૂને સંકટ ચોથ સહિતના પર્વોની ઉજવણી કરાશે.

અધિક માસના મહત્ત્વને લઇને ‘અધીકે અધીકં ફલમ્’ના સંસ્કૃત વાક્ય, શ્લોકમાં આવરી લેવાયું છે. અધિક માસમાં કરેલું દાન, કર્મનું ફળ અધિક મળવાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં કરાયો છે. જે અંતર્ગત ચાલુ વર્ષે બુધવારના રોજ જેઠ સુદ પડવો, ગંગાપૂજન સાથે અધિક માસની શરૃઆત થશે. બુધવાર એ ભગવાન વિષ્ણુનો વાર ગણાય છે. તેથી બુધવારે શરૂ થતાં અધિકમાસનું પણ વિશેષ મહત્વ છે. જ્યારે ૧૮ મેના શુક્રવારે વિનાયક ચોથ, ૨૫ મેના શુક્રવારે કમલા એકાદશી, ૨૬ મેના શનિવારે વ્યતીપાત યોગ, શનિ પ્રદોષની ઉજવણી કરાશે. વ્યતીપાત યોગમાં દાન કરવાનું પુણ્ય અનંતગણું મળે છે. આ સિવાય ૨૯ મેના મંગળવારે પુનમ, ૨ જૂને રાત્રિએ ૧૦.૧૭ વાગ્યે ચંદ્રોદય સાથે સંકટચોથ, ૫ જૂનના મંગળવારે વૈદ્યુતયોગ, ૧૦ જૂનના રવિવારે કમલા એકાદશી, ૧૧ જૂનના રોજ સોમ પ્રદોષ બાદ ૧૩ જૂનના બુધવારે અમાસ સાથે અધિક માસ પૂર્ણ થશે.

અધિક માસમાં દાનનું મહત્ત્વ છે. તાંબાના તરભાણામાં તલ ભરી તેની ઉપર બીજું તરભાણું ઢાંકી તેનું દાન, કળશમાં પાણી ભરી તેનું દાન, દીપ દાન, કાંસાની થાળી કે વાટકીમાં માલુડા(૩૧ નંગ) મૂકી તેના ઉપર બીજી કાંસાની વાડકી ઢાંકી તેના પર સુતરના ૩૦ તાર વિંટાડી તેનું દાન, ઘંટડીનું દાન, દર્પણ દાન, પગરખાનું દાન વિશેષ ફળદાયી સાબિત થાય છે. ૬ ધાર્મિક પર્વો વેળાએ આ દાનનું મહત્ત્વ અનેકગણું વધી જાય છે. અગિયારસ અને પુનમના દિવસે પુરુષોત્તમ ભગવાનને તુલસી અર્પણ કરવાનું પણ અનેરું મહત્ત્વ છે.

વહોરા અને મુસ્લિમ સમુદાયમાં રમજાન માસની રોનક જામશે
હિન્દુ સમુદાયમાં અધિક માસની ઉજવણી સાથે જ વહોરા અને મુસ્લિમ સમુદાયમાં રમજાન માસની રોનક જામશે. બીજનો ચાંદ દેખાયા પછી રમઝાન મહિનાની શરૂઆત થશે. તેથી બુધવારે બીજનો ચાંદ દેખાયા પછી ગુરુવારથી જ પવિત્ર રમજાન માસનો આરંભ ગણાશે. ધાર્મિક માન્યતા અને વાયકા પ્રમાણે ઉજવાતા રમઝાન માસને લઇને દાઉદી, મુસ્લિમ બિરાદરોમાં બંદગી, ઇબાદતનો દોર જોવા મળશે. એક મહિનો સુધી રોજા પાડવાની સાથે જ બિરાદરો ખુદાની બંદગીમાં લીન થઇ જશે.