Adil Rashid's Ball Of the Century That Make Shock KL Rahul
  • Home
  • Sports
  • Cricket
  • ઇંગ્લેન્ડનાં રાશિદે ‘બૉલ ઑફ ધ સેન્ચ્યુરી’ ફેંકી આ રીતે ઉડાડ્યું કેએલ રાહુલનું ઑફ સ્ટંપ

ઇંગ્લેન્ડનાં રાશિદે ‘બૉલ ઑફ ધ સેન્ચ્યુરી’ ફેંકી આ રીતે ઉડાડ્યું કેએલ રાહુલનું ઑફ સ્ટંપ

 | 12:50 pm IST

ઑવલ ટેસ્ટમાં છેલ્લા દિવસે ભારતીય ઑપનર કેએલ રાહુલ અને વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતની ભાગીદારીને કારણે એક સમયે ભારત ટેસ્ટ મેચ બચાવી લેશે તેવી આશાઓ જાગી હતી, પરંતુ ઇંગ્લેન્ડનાં લેગ સ્પિનર આદિલ રાશિદે શેન વૉર્ન જેવો જ ‘જાદુઈ બોલ’ ફેંકીને રાહુલને બૉલ્ડ કર્યો હતો અને ભારતની આશાઓ પર પાણી ફેરવ્યું હતુ.

આ સાથે ઇંગ્લેન્ડે મંગળવારે પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ 118 રને જીતીને પાંચ મેચોની ટેસ્ટ સીરીઝ પર 4-1થી કબજો કર્યો હતો. રાહુલે 224 બોલનો સામનો કરીને 149 રન ફટકાર્યા હતા. આ ઇનિંગમાં તેણે 20 ચોગ્ગા અને 1 છગ્ગો માર્યો હતો. ઋષભ પંતે 146 બોલમાં 114 રન માર્યા હતા. બંનેએ છઠ્ઠી વિકેટ માટે 204 રનની ભાગેદારી કરી હતી. જો કે ચાનાં વિરામ બાદ આ બંને ખેલાડીઓ 3 રનની અંદર જ આઉટ થઈ ગયા હતા.

ઇંગ્લેન્ડનાં કેપ્ટન જો રૂટે 80 ઑવર બાદ પણ નવો બોલ લીધો નહતો અને સ્પિનર રાશિદે લેગ સ્ટંપની ઘણી બહાર બૉલ ફેંકીને રાહુલનું ઑફ સ્ટંપ ઉડાવ્યુ હતુ. રાહુલ જે બોલે આઉટ થયો તેને 21મી સદીનો ‘સર્વશ્રેષ્ઠ બોલ’ કહેવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે 1993માં એશિઝ દરમિયાન શેન વૉર્ને પણ આવો જ બોલ ફેંક્યો હતો અને તેને 20મી સદીનો સર્વશ્રેષ્ઠ બોલ કહેવામાં આવે છે.