Lal Krishna Advani Gave First Reaction On Judgment Of SC On Ayodhya
  • Home
  • Ayodhya Verdict
  • અયોધ્યા ચુકાદા પર સામે આવી લાલકૃષ્ણ અડવાણીની પહેલી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

અયોધ્યા ચુકાદા પર સામે આવી લાલકૃષ્ણ અડવાણીની પહેલી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

 | 7:46 pm IST

અયોધ્યા પર સુપ્રીમ કોર્ટનાં ચુકાદાનું બીજેપીનાં વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ સ્વાગત કર્યું છે. અયોધ્યામાં રામ મંદિર માટે રામ રથ યાત્રા નીકળનારા આ દિગ્ગજ નેતાએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે સુપ્રીમ કોર્ટનાં આ ઐતિહાસિક ચુકાદાથી તેઓ અત્યંત ખુશ છે. અડવાણીએ કહ્યું કે, “સુપ્રીમ કોર્ટનાં 5 જજોની ખંડપીઠ દ્વારા અયોધ્યા મામલે આપવામાં આવેલા ચુકાદાનું સ્વાગત કરવામાં હું પણ દેશવાસીઓ સાથે છું.” તેમણે કહ્યું કે, “હું મારી જાતને ધન્ય અનુભવું છું.”

તેમણે કહ્યું કે, “સુપ્રીમ કોર્ટે રામ જન્મભૂમિ પર ભગવાન રામ માટે એક ભવ્ય મંદિરનાં નિર્માણનો માર્ગ આપતા સર્વસંમતિથી ચુકાદો આપ્યો છે.” અડવાણીએ રામ મંદિર આંદોલનમાં પોતાના હોવાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, “”આ પૂર્ણતાની ક્ષણ છે, કેમકે ભગવાને મને ભારતનાં સ્વતંત્રતા આંદોલન બાદ બીજા સૌથી મોટા આંદોલનમાં સામેલ થવાની તક આપી. સુપ્રીમ કોર્ટનાં ચુકાદાનાં કારણે આજે આ સંભવ થયું.”

તેમણે કહ્યું કે, “હવે અયોધ્યામાં રામ મંદિરનાં નિર્માણનો રસ્તો સાફ થઈ ગયો છે, તો આવામાં હવે સમય આવી ગયો છે કે આપણે બધા તમામ વિવાદો અને કડવાશને પાછળ છોડી દઇએ. સદભાવ અને શાંતિને ગળે લગાવીએ.” ઉલ્લેખનીય છે કે વર્ષો સુધી ચાલેલી કાયદાકીય લડાઈ, 40 દિવસ સુધી સતત મેરાથન સુનાવણી બાદ આજે અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટનો બહુપ્રતીક્ષિત ચુકાદો આવ્યો છે.

રાજનૈતિક રીતે સંવેદનશીલ રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટનાં 5 જજોની બેન્ચે સર્વસંમતિ એટલે કે 5-0થી ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો. નિર્મોહી અખાડાનાં દાવાને ફગાવતા સુપ્રીમ કોર્ટે રામલલા બિરાજમાન અને સુન્ની વક્ફ બૉર્ડને જ પક્ષકાર માન્યા. ટૉપ કોર્ટે ઇલાહાબાદ હાઈકોર્ટ દ્વારા વિવાદીત જમીનને ત્રણ પક્ષોમાં વહેંચવાને અતાર્કિક ગણાવ્યો. અંતમાં સુપ્રીમ કોર્ટે રામલલા બિરાજમાનનાં પક્ષમાં નિર્ણય સંભળાવ્યો. કૉર્ટે સાથે એ પણ આદેશ આપ્યો કે સુન્ની વક્ફ બૉર્ડને અયોધ્યામાં જ ક્યાંક બીજે 5 એકર જમીન આપવામાં આવે. કૉર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે તેઓ મંદિર નિર્માણ માટે 3 મહિનામાં ટ્રસ્ટ બનાવે. આ ટ્રસ્ટમાં નિર્મોહી અખાડાને પણ પ્રતિનિધિત્વ આપવા જણાવ્યું છે.

આ વિડીયો પણ જુઓ: સુપ્રીમ કોર્ટનાચુકાદા બાદ અયોધ્યાનો માહોલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન