રોમાંચ માટે સાહસ કરવું છે પરંતુ અજ્ઞાત ભય છવાયેલો છે - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • રોમાંચ માટે સાહસ કરવું છે પરંતુ અજ્ઞાત ભય છવાયેલો છે

રોમાંચ માટે સાહસ કરવું છે પરંતુ અજ્ઞાત ભય છવાયેલો છે

 | 8:30 pm IST

કોરોના વાઇરસની મહામારીના કારણે ગ્લોબલ સ્પોર્ટ્સ વેરવિખેર થઈ ગયું છે અને તેનાથી નાણાકીય નુકસાન પણ મોટું થયું છે તેમાં કોઈ શંકા નથી. વિશ્વની ટોચની ફૂટબોલ ક્લબો, ક્રિકેટ બોર્ડ તથા વિવિધ ફેડરેશનો છેલ્લા ત્રણ મહિનાના લોકડાઉનના કારણે તેમને કેટલું નુકસાન થયું છે તેની ગણતરી કરવા માટે બેસી ગયા છે. કોરોના વાઇરસના કારણે જ્યારે પૂરા દેશમાં લોકડાઉનનો અમલ કરવામાં આવ્યો હતો ત્યારે લગભગ માર્ચની મધ્યનો સમય હતો. વેકેશનની લગભગ શરૂઆત થઈ ચૂકી હતી. તમામ લોકો ક્રિકેટ સહિત વિવિધ રમતોમાં રદ થયેલી ટૂર્નામેન્ટ અથવા તો તેમાં થનારા નુકસાન અંગે ચર્ચા કરી રહ્યા છે પરંતુ વેકેશનમાં બાળકોની સાહસિક પ્રવૃત્તિ સપાટી ઉપર આવે તેવા એન્ડવેન્ચર કેમ્પની કોઈ વાતચીત કરતું નથી. સમય છે, પ્લાનિંગ છે પરંતુ એક અલગ પ્રકારનો ભય છે. બહાર નીકળવાનું સાહસ છે પરંતુ તેના ઉપર અજ્ઞાત ભય હાવી થઈ ગયો છે.

વેકેશનમાં મુખ્યત્વે કુલુ-મનાલીના કેમ્પ વધારે યોજાતા હોય છે. કોરોનાના કારણે અત્યારે હિમાચલ પ્રદેશનો આ ભાગ સૂનો પડયો છે. સામાન્ય રીતે માર્ચથી જૂન સુધી આ ભાગ હંમેશાં પ્રવાસીઓ તથા કેમ્પર્સથી ભરચક હોય છે. પ્રત્યેક રમતોની જેમ એડવેન્ચર સ્પોર્ટ્સને પણ કરોડો રૂપિયાનું નુકસાન થયું છે તેની ભાગ્યે જ કોઈએ નોંધ લીધી છે. એડવેન્ચર કેમ્પમાં મુખ્ય આકર્ષણ પેરા ગ્લાઇડિંગ, રિવર રાફ્ટિંગ તથા ટ્રેકિંગ મુખ્ય આકર્ષણ હોય છે. પ્રત્યેક સમર વેકેશનમાં લગભગ અમદાવાદ સહિત પૂરા ગુજરાતમાંથી છથી સાત દિવસનું પેકેજ હોય તેવા લગભગ ૫૦૦ જેટલા કેમ્પ કુલુ-મનાલી જાય છે.

એડવેન્ચર કેમ્પમાં મુખ્યત્વે પ્રત્યેક સમર સિઝનમાં રિવર રાફ્ટિંગમાં લગભગ એક લાખ સ્કૂલ તથા કોલેજોના વિદ્યાર્થીઓ આઇસ ચિલ્ડ પાણીમાં રબરની બોટ્સ દ્વારા રાફ્ટિંગનો આનંદ માણે છે. આ ઉપરાંત હિમાલયની વાદીઓ તથા બરફથી ઢંકાયેલા પર્વતોને નિહાળવાની તક પણ કેમ્પર્સ છોડતા નથી. આ પ્રકારના કેમ્પમાં જો તમે નસીબદાર હોવ તો ગ્રીન સ્પોટેડ માઉન્ટેન લેપર્ડ, વાઇટ પૂંછડીવાળા શિયાળ, ઝુંડમાં રહેતા ગ્રીન રંગના કબૂતર સહિત વાઇલ્ડ લાઇફ અને બર્ડ સેન્ચ્યુરીનો આનંદ પણ માણવા મળતો હોય છે. ક્યારેક નદીની રેતી હોય તેવા ઝીણા બરફના તોફાનનો પણ સામનો કરવો પડે છે.

વેકેશન આવે તે પહેલાં જ સ્કૂલના બાળકો રજાના સમયમાં કયા કેમ્પમાં જવું છે તેનો ગ્રૂપ સાથે નિર્ણય લઈ લે છે. લોકડાઉનના કારણે ચાલુ વર્ષે હવે તો દિવાળી સુધી આ પ્રકારના કેમ્પ યોજાય તેવી નહિવત્ સંભાવના છે. માનવામાં આવી રહ્યું છે કે કોરોના વાઇરસના કારણે કુલુ-મનાલીના કેમ્પ ઓપરેટર્સને થયેલું કરોડો રૂપિયાનું નુકસાન આગામી બે વર્ષ સુધી ભરપાઈ થઈ શકે તેમ નથી. આ માત્ર

કુલુ-મનાલીની જ નહીં પરંતુ ડેલ હાઉસી, માઉન્ટ આબુ તથા સાપુતારા સહિત વિવિધ સ્થળોએ યોજાતા એડવેન્ચર્સ કેમ્પની હાલત ખરાબ થઈ છે. હા એક બાબત ચોક્કસ છે કે કેમ્પર્સ તથા પ્રવાસીઓ બંધ થવાના કારણે પ્રદૂષણ ઓછું થયું છે અને લાંબા અંતરથી કુલુ-મનાલીના બરફથી ઢંકાયેલી પર્વતમાળા દેખાય છે. નોંધનીય છે કે બાળકો પર્યાવરણની જાળવણી કરવા માટે બ્રિગુ લેક, રાણી સૂઈ કે લામા દુર્ગ જતી વખતે રસ્તામાં કચરો પડયો હોય તો તેઓ તરત જ લઈ લે છે અને યોગ્ય જગ્યાએ તેનો નિકાલ કરે છે.

કેમ્પ ઓપરેટર્સની સાથે રિવર રાફ્ટિંગના બોટ્સ ચલાવતા એક્સ્પર્ટ, પેરા ગ્લાઇડર્સ સહિત ટ્રેકર્સની પણ કફોડી હાલત થઈ છે. તેમના માટે સમર વેકેશનના ત્રણથી ચાર મહિનાની જ સિઝન હોય છે. ત્યારબાદ તેઓ પોતપોતાના વતન જતા રહે છે. દિવાળી પછી સ્નો-ફોલ થવાના કારણે રસ્તાઓ પણ બંધ કરવામાં આવે છે. કેટલાક ઉત્સાહી યુવક યુવતીઓ ક્રિસમસ વેકેશન તથા ન્યૂ યર સેલિબ્રેશન માટે બરફની વચ્ચે પણ કુલુ-મનાલી પહોંચી જતા હોય છે પરંતુ ચાલુ વર્ષના અંતે આ પ્રકારના કેમ્પ પણ યોજાશે કે કેમ તેની પણ શંકા છે. વિશ્વભરની રમતોની સાથે બાળકો માટે સાહસિકતાનો પરિચય આપતા આ પ્રકારના એડવેન્ચર કેમ્પ પણ કોરોનાના પ્રકોપમાંથી બચી શક્યા નથી.

કવર પોઇન્ટ : રિપ્પલ ક્રિસ્ટી

ripple18765@gmail.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન