અફઘાનિસ્તાને ભારત પાસે મદદ માગતા પાક.માં ખળભળાટ - Sandesh
  • Home
  • World
  • અફઘાનિસ્તાને ભારત પાસે મદદ માગતા પાક.માં ખળભળાટ

અફઘાનિસ્તાને ભારત પાસે મદદ માગતા પાક.માં ખળભળાટ

 | 11:50 am IST

અફઘાનિસ્તાન મુદ્દે અમેરિકાના વલણમાં ભારે પરિવર્તન આવ્યું છે. અમેરિકાના મતાનુસાર અફઘાનિસ્તાનની સુરક્ષામાં પાકિસ્તાન કરતાં ભારત વધારે મદદરૂપ બની શકે છે. અમેરિકાના વલણમાં આ મુજબના ફેરફારને પગલે પાકિસ્તાનના તંબુમાં ખળભળાટ મચી ગયો છે.

તાજેતરમાં જ ભારતે અફઘાનિસ્તાનને ચાર એમઆઈ-25 હેલિકોપ્ટર ભેટ આપ્યા હતાં. અફઘાન સેનાએ હવે ભારતને વધુ હેલિકોપ્ટર આપવા અનુરોધ કર્યો છે. અત્યાર સુધી અમેરિકી અધિકારીઓ એવું માનતા હતા કે અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની ઉપસ્થિતિ ભારત કરતાં વધારે મહત્વની છે. અફઘાન સરકારના વિચાર પરિવર્તનને પગલે અમેરિકા પણ હવે માનવા લાગ્યું છે કે અફઘાનિસ્તાનમાં પાકિસ્તાન કરતાં ભારત વધુ સારી રીતે આતંકવાદનો સામનો કરી શકે છે.

અફઘાનિસ્તાનમાં અમેરિકાના ટોચના કમાન્ડર જ્હોન નિકોલસ તાજેતરમાં જ ભારતની મુલાકાતે આવ્યા હતાં. તેઓ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભલ, વિદેશ સચિવ એસ. જયશંકર અને સરંક્ષણ સચિવ મોહનકુમારને મળ્યા હતાં. આ મુલાકાતમાં એમઆઈ-25 હેલિકોપ્ટરના સ્પેર પાર્ટસનો મુદ્દો ઉદભવ્યો હતો. ભારતે આ હેલિકોપ્ટર રશિયા પાસેથી ખરીદ્યા છે.

દરમિયાન પાકિસ્તાનની સેનાના વડા રાહિલ શરીફે જણાવ્યું હતું કે અમેરિકાની નીતિ ભારત તરફી ઝોક ધરાવે છે. જોકે જ્હોન નિકલસને જણાવ્યું હતું કે અમેરિકાનો આશય આતંકવાદનો સફાયો કરવાનો છે. આ મુદ્દે અમેરિકા ભારત અને પાકિસ્તાનને સમાન મહત્વ આપે છે.

તેમણે જણાવ્યું હતું કે લશ્કરે તોઈબાનો જન્મ અફઘાનિસ્તાનના કુનાર પ્રાંતમાં થયો હતો. જોકે હવે તે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ સાથે મળીને ભારતમાં આતંક ફેલાવે છે. પેન્ટાગોન પણ માને છે કે પાકિસ્તાન હક્કાની નેટવર્ક સામે યોગ્ય કાર્યવાહી કરતું નથી. હક્કાની નેટવર્ક અને તાલિબાનને પાકિસ્તાનમાં આશ્રય મળી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન