આખરે ઝીણાએ 1947માં કત્લેઆમ શા માટે ના અટકાવી? - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • આખરે ઝીણાએ 1947માં કત્લેઆમ શા માટે ના અટકાવી?

આખરે ઝીણાએ 1947માં કત્લેઆમ શા માટે ના અટકાવી?

 | 10:00 am IST
  • Share

૧૯૪૭ના રોજ આઝાદી પહેલાં જ પંજાબ, બંગાળ, દિલ્હી અને દેશના અનેક વિસ્તારોમાં રમખાણો ચાલુ થઇ ગયાં હતાં. તે ભડકાવવામાં મોહમ્મદ અલી ઝીણા પોતાની ઉશ્કેરણીજનક ભૂમિકા અદા કરી ચૂક્યા હતા.

મોહમ્મદ અલી ઝીણા ૭ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ સફદરજંગ એરપોર્ટથી કરાચી માટે રવાના થયા હતા. તેમણે વિમાનની અંદર જતાં પહેલાં દિલ્હીના આકાશને થોડીક પળો માટે નિહાળ્યું હતું. કદાચ તેઓ વિચારી રહ્યા હતા કે હવે તેઓ આ શહેરમાં કદી પાછા નહીં ફરે. તેમની સાથે તેમની નાની બહેન ફાતિમા ઝીણા પણ હતી. ઝીણા જ્યારે દિલ્હીથી જઇ રહ્યા હતા ત્યારે જ ત્યાં અને આસપાસનાં શહેરોમાં અનેક શહેરોમાં સાંપ્રદાયિક રમખાણો ફાટી નીકળ્યાં હતાં. પરંતુ તેમણે ક્યાંય પહોંચીને રમખાણો અટકાવવા પ્રયાસ નહોતો કર્યો. તેમણે પાકિસ્તાન પહોંચીને પણ તે કામ નહોતું કર્યું. ઝીણા એક બુદ્ધિજીવી હતા. નાણાના પૂજારી હતા. રોજ મિત્રો સાથે શરાબ પીતા હતા. દેશના ભાગલા પડયા તેના થોડા સમય પહેલાં સુધી ઝીણા એર ઇન્ડિયાના શેર ખરીદતા રહ્યા હતા. હકીકતે કોંગ્રેસ અને મુસ્લિમ લીગ માર્ચ, ૧૯૪૭ સુધીમાં દેશના ભાગલા પાડવા રાજી થઇ ગયા હતા. તેમ છતાં ઝીણા તો પોતાના માટે રોકાણની સારી તકો જ શોધી રહ્યા હતા. અર્થાત્ તેમને પણ ભરોસો નહોતો કે પાકિસ્તાન ખરેખર બની જ જશે. તેમના મનમાં ક્યાંક શંકાનો ભાવ ભરેલો હતો. તેમણે તે માર્ચ, ૧૯૪૭ના મહિનામાં જ એર ઇન્ડિયા લિમિટેડના ૫૦૦ શેર ખરીદ કર્યા હતા. હવે તમે તે સોદાને કઇ રીતે મૂલવશો? તેઓ મુંબઇ નજીક આવેલા સેન્ડો કેસલ નામના જમીનના એક મોટા ટુકડાને મેળવવાનું પણ ઇચ્છી રહ્યા હતા. અરબ સાગરને સ્પર્શતું સ્થાન હોવાથી તેઓ તે સ્થાન ખરીદ કરવા માંગતા હતા. તે સ્થાનની કિંમત રૃપિયા પાંચ લાખ હતી. આ જાણકારી ‘ઝીણા પેપર્સ – સ્ટ્રગલિંગ ફોર સર્વાઇવલ’માં આપવામાં આવી છે. તેના લેખક ઝેડ. એચ. ઝૈદી હતા. ઝીણા પેપર્સમાં ઝીણા દ્વારા શેર ખરીદી થઇ હોવાની વાત નોંધાયેલી હોવાથી તે મુદ્દે કોઇ વિવાદ પણ કરી શકે તેમ નથી.

ઝીણા દિલ્હીથી કરાચી જતા પહેલાં ૧૦, ઓરંગઝેબ રોડ (હવે એપીજે અબ્દુલ કલામ રોડ) સ્થિત બંગલામાં સ્વાદિષ્ટ ભોજન અને પોતાના મિત્રોને શરાબ પાર્ટી આપવામાં વ્યસ્ત હતા. તેઓ પોતાના બંગલાને વેચવાને કામે પણ લાગ્યા હતા. તેઓ બંગલાના સંભવિત ગ્રાહકો શોધી રહ્યા હતા.

પાકિસ્તાન ૧૪ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ વિશ્વ નકશા પર આવી ગયું હતું. તે પહેલાં જ પંજાબ, બંગાળ, દિલ્હી અને દેશના અનેક વિસ્તારોમાં રમખાણો ચાલુ થઇ ગયાં હતાં. રમખાણોની આગ ભડકાવવામાં મોહમ્મદ અલી ઝીણા પોતાની ઉશ્કેરણીજનક ભૂમિકા અદા કરી ચૂક્યા હતા. તેમણે જ ૧૬ ઓગસ્ટ, ૧૯૪૬ માટે ડાયરેક્ટ એક્શન (સીધા પગલાં) માટે આહ્વાન કર્યું હતું. રમખાણોની તે યોજનાબદ્ધ શરૃઆત હતી. તે રમખાણોમાં ૫૦૦૦ નિર્દોષ લોકો માર્યા ગયા હતા. મૃતકોમાં ઓડિશાના શ્રમિકોની સંખ્યા સૌથી મોટી હતી. તે પછી ચોમેર રમખાણોની આગ ફેલાઇ ગઇ હતી. મે, ૧૯૪૭માં રાવલપિંડી ખાતે મુસ્લિમ લીગના ગુંડાઓએ હિંદુ અને શીખોની કત્લેઆમ કરી. તેમની સંપત્તિ અને મહિલાઓની ઇજ્જત લૂંટી. રાવલપિંડીમાં શીખ અને હિંદુ પરિવારો ધનવાન પરિવારો હતા. તેમની સંપત્તિને નિશાન બનાવવામાં આવી. પરંતુ ઝીણાએ કદી તે રમખાણોને અટકાવવા અપીલ નહોતી કરી. રમખાણો અટકે તે માટે તેમણે એકવાર પણ રમખાણગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પણ નહોતી લીધી.

પાકિસ્તાનના નિર્ભય ઇતિહાસકાર પ્રો.ઇશ્તાક અહમદે પોતાના શાનદાર પુસ્તક ‘પંજાબ બલ્ડિડ પાર્ટીશન’માં લખ્યું છે કે,’ જોકે, ગાંધીજી અને કોંગ્રેસના બાકી નેતા રમખાણોને અટકાવવા તમામ પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ ઝીણાએ આ પ્રકારનાં પગલાં લેવાની કોઇ આવશ્યકતા ના જોઇ. મુસ્લિમ લીગના બાકી નેતા પણ રમખાણોને અટકાવવાના કામે નહીં પણ ઉશ્કેરવાના કામે લાગ્યા હતા.’બીજી તરફ ગાંધીજી પૂર્વ બંગાળના નોઆખલીથી માંડીને કોલકાતા અને પછી દિલ્હીમાં રમખાણોને અટકાવવાને કામે લાગ્યા હતા.

ખેર, ૧૪ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ કરાચીમાં ઝીણાને પાકિસ્તાનના ગવર્નર જનરલ પદના શપથ લેવડાવવામાં આવ્યા. ભારતના વાઇસરોય લોર્ડ માઉન્ટ બેટને તેમને શપથ લેવડાવ્યા હતા. તે પછી તો સાંપ્રદાયિક રમખાણો વધવા લાગ્યાં અને માનવતા મારી પરવારવા લાગી. પરંતુ ઝીણા કે માઉન્ટ બેટને રમખાણોને કારણે કેટલું લોહી વહી રહ્યું છે તેની લેશમાત્ર પરવા ના કરી. પિૃમ પંજાબના મુખ્ય શહેરો જેવાં કે લાહોર, શેખપુર, કસૂર, રાવલપિંડી, ચકવાલ, મુલતાનમાં હિંદુ અને શીખ હણાઇ રહ્યા હતા. પાકિસ્તાનમાં ઊભું થયેલું નવું પોલીસ દળ રમખાણ કરી રહેલા લોકોને સાથ આપી રહી હતી. ઝીણાસાહેબ મોજમસ્તી કરી રહ્યા હતા.

ઝીણાના ગુણગાન કરનારા એ વાત પણ યાદ રાખે કે તેઓ એકવાર પણ જેલમાં ગયા નહોતા. શું કોઇ એ પ્રકારનો નેતા હશે કે જેણે કદી જેલયાત્રા ના કરી હોય અને પોલીસની લાઠી પણ ના ઝીલી હોય?

રમખાણોને બાદ કરતાં વાત કરવામાં આવે તો કેટલાક કહેવાતા ઇતિહાસકાર ઝીણાને ધર્મનિરપેક્ષ કહેવામાં પરેજ નથી પાળતા. અર્થાત જે વ્યક્તિ ધર્મને નામે દેશના ભાગલા પડાવી ચૂક્યો છે તેને જ ધર્મનિરપેક્ષ કહેવામાં આવે છે. પોતાના તર્કને આધાર આપવા માટે આવા લોકો ઝીણાએ ૧૧ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ આપેલા ભાષણને ટાંકે છે. તે ભાષણમાં ઝીણા કહે છે કે, ‘પાકિસ્તાનમાં તમામને પોતાનો ધર્મ પાળવાની આઝાદી રહેશે.’ આ ભાષણને ટાંકનારા લોકો ઝીણાએ ૨૪ માર્ચ, ૧૯૪૦ના રોજ લાહોરની બાદશાહી મસ્જિદની સામે જ બનેલા મિન્ટો પાર્ક (હવે ઇકબાલ પાર્ક)માં ઝીણાએ આપેલા ભાષણને યાદ નથી કરતા. તે દિવસે અખિલ ભારતીય મુસ્લિમ લીગે અલગ મુસ્લિમ રાષ્ટ્રની માગણી કરતી દરખાસ્ત પસાર કરી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ (મુસ્લિમ લીગ) મુસ્લિમો માટે અલગ રાષ્ટ્રનું સપનું જોઇ રહ્યાં છે. મુસ્લિમ લીગ તે સપનું પૂરું કરીને જ જંપશે. તે દરખાસ્ત પસાર થયા પહેલાં મોહમ્મદ અલી ઝીણાએ પોતાના બે કલાક લાંબા ભાષણમાં હિંદુઓની ખૂબ આલોચના કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘હિંદુ અને મુસ્લિમ બે અલગ ધર્મ છે. બે અલગ વિચાર છે. બંનેની પરંપરા અને ઇતિહાસ અલગ છે. બંનેના નાયક અલગ છે. તેથી બંને કદી સાથે ના રહી શકે.’ ઝીણાએ પોતાના સંબોધનમાં લાલા લજપતરાયથી માંડીને ચિત્તરંજનદાસને અપશબ્દો કહ્યા હતા. તેમના ભાષણ દરમિયાન એક પ્રતિનિધિ મલિક બરકતઅલીએ લાલા લજપતરાયને રાષ્ટ્રવાદી હિંદી કહેતાં જવાબમાં ઝીણાએ કહ્યું હતું કે. ‘કોઇ હિંદુ રાષ્ટ્રવાદી ના હોઇ શકે. તેઓ આરંભે અને અંતે પણ હિંદુ જ છે.’ હવે કેટલાક જ્ઞાાનીજનો ઝીણાને ધર્મનિરપેક્ષ ગાંધીજીના કદના નેતા સાબિત કરવા પ્રયાસ કરે છે ત્યારે આૃર્ય થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન