વેલેન્ટાઈન્સ ડેના જન્મેલી રાજકોટની રાધિકા મૃત્યુ પછી અનેકને જીવાડી ગઈ ! - Sandesh
  • Home
  • Gujarat
  • વેલેન્ટાઈન્સ ડેના જન્મેલી રાજકોટની રાધિકા મૃત્યુ પછી અનેકને જીવાડી ગઈ !

વેલેન્ટાઈન્સ ડેના જન્મેલી રાજકોટની રાધિકા મૃત્યુ પછી અનેકને જીવાડી ગઈ !

 | 1:13 pm IST

એક બીજાને ગમતા રહીએ, એવો પ્રેમ બે પાત્રો કે બહુ તો પરિવાર પુરતો મર્યાદિત હોય છે. વેલેન્ટાઈન્સ ડે એ વિદેશમાંથી ભારતમાં આયાત થયેલો છે. જ્યારે ભારતની પરંપરા તો ‘વસુદૈવ કુટૂંબકમ’ની, બહુ જ ઉદાત અને વિશાળ છે. જેમાં પૃથ્વી આખીને પરિવાર અને પરિચિતો જ નહીં, સાવ જ અપરિચિત, અજાણ્યા લોકોને પણ કુટૂંબી ગણવામાં આવે છે. આ પરંપરાને રાજકોટની રાધિકા મૃત્યુ પછી નિભાવી ગઈ. જેમાં નિમિત બન્યો તેનો પરિવાર.

૧૪મી ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઈન્સ ડે. પ્રેમના સ્વીકારનો પવિત્ર દિવસ. આ દિવસે પ્રજાપતિ પરિવારમાં જન્મેલી ભાવનાબેન મંડલીની દીકરી રાધિકાનું તા. ર૪ એપ્રિલ ર૦૧૬ના યુવા વયે અવસાન થયું. દીકરીના મૃત્યુના આઘાત સાથે જ તેના અંગનું દાન કરીને અન્યોને જીવન દાન આપવાનો સંકલ્પ પ્રજાપતિ પરિવારે કર્યો. અને રાધિકા મૃત્યુ પછી પણ જીવતી રહી. સાથે જ અંગદાનનો મહિમા પણ ધબકાવતી ગઈ.

રાધિકાના જન્મ દિવસને ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના સભ્યો દ્વારા ઉજવવાનું નક્કી કરાયું. અને તાજેતરમાં ૧૧મી ફેબ્રુઆરીએ પ્રજાપતિ સમાજના સમૂહલગ્ન સુરેન્દ્રનગર ખાતે યોજાયા. ત્યારે અંગદાનની પ્રવૃત્તિનો વ્યાપ અને જાગૃત્તિ વધારવામાં મશાલચી બનેલી રાધિકાના માતા ભાવનાબેનનું સન્માન કરાયું, તેમજ આ તકે હજારો લોકોએ સમાજમાં અંગદાનની જાગૃત્તિ ફેલાવવાનો અને તેમાં સહાયક થવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો.