After SP Alliance BSP Supremo Mayawati on EVM and Ram Mandir
  • Home
  • Featured
  • સપા સાથેના ગઠબંધન બાદ પણ માયાવતીને સતાવી રહ્યો છે આ ડર

સપા સાથેના ગઠબંધન બાદ પણ માયાવતીને સતાવી રહ્યો છે આ ડર

 | 6:49 pm IST

2019ની લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિજય રથને રોકવા ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ ગઠબંધનની જાહેરાત કરી છે. તે દરમિયાન બસપા સુપ્રીમો માયાવતી એ ઐતિહાસિક જીતનો દાવો પણ કર્યો છે. પરંતુ તેમને કેટલોક ડર સતાવી રહ્યો છે.

માયાવતીએ ગઠબંધનની જાહેરાત દરમિયાન મનમાં રહેલા ડરને પણ જાહેર કર્યો હતો. માયાવતીને અખિલેશ સાથે હાથ મિલાવ્યા બાદ પણ ઈવીએમ અને રામ મંદિરને લઈને ભારે ડર સતાવી રહ્યો છે.

સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવ સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરતા માયાવતીએ કહ્યું હતું કે, 80 બેઠકો ધરાવતા ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણી 2019 દરમિયાન ગઠબંધન ભાજપને રોકવામાં સફળ રહેશે અને કેન્દ્રમાં ભાજપની સરકાર નહીં બની શકે. જો અગાઉની માફક ઈવીએમમાં કોઈ ગડબડ ના કરવામાં આવે અને રામ મંદિર મામલે લોકોની ભાવનાઓને ભડકાવવામાં ના આવે.

ગેરરીતીથી વિધાનસભાની ચૂંટણી જીત્યું હતું ભાજપ : માયાવતી

આ અગાઉ માયાવતીએ કહ્યું હતું કે, 2017ની ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ગેરરીતી કરીને સત્તા હાંસલ કરી હતી. અમારૂ ગઠબંધન આ જનવિરોધી સરકારને સત્તામાં આવતા રોકશે. ભાજપની અહંકારી સરકારથી લોકો ત્રાહિમામ છે. જેવી રીતે અમે સાથે મળીને ભાજપને પેટાચૂંટણીમાં હરાવ્યું હતું તેવી જ રીતે અમે લોકસભાની ચૂંટણીમાં હરાવીશું.