'સંઘર્ષ' બાદ કરિયરમાં 'શાનદાર' સફળતા મળી, પણ 'શ્રીમાનને શ્રીમતી' ન મળી - Sandesh
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • ‘સંઘર્ષ’ બાદ કરિયરમાં ‘શાનદાર’ સફળતા મળી, પણ ‘શ્રીમાનને શ્રીમતી’ ન મળી

‘સંઘર્ષ’ બાદ કરિયરમાં ‘શાનદાર’ સફળતા મળી, પણ ‘શ્રીમાનને શ્રીમતી’ ન મળી

 | 12:16 am IST

સિનેવર્લ્ડ

કરિયરમાં સંઘર્ષ બાદ સફળતા મળી અને ઘણી જ શાનદાર સફળતા મળી જેમાં ફિલ્મફેર એવોર્ડ સહિત નેશનલ એવોર્ડનો પણ સમાવેશ થાય છે, પરંતુ શ્રીમાન સંજીવને તેમની શ્રીમતી ક્યારેય ન મળી. આની પાછળ ખરું કારણ શું હતું? અલબત્ત આની પાછળના કારણોની ચર્ચા અલગ-અલગ લોકોના મોઢે અલગ-અલગ સાંભળવા મળે છે, અલબત્ત આમ તો સંજીવનું જીવન ખુલી કિતાબ સમાન હતું, છતાં ઘણાં લોકો સંજીવના લગ્ન નહીં થવા પાછળ સુલક્ષણા પંડિત સાથેના તેના સંબંધ માને છે તો ઘણાં લોકો આ પાછળ બીજું કારણ છે તેમ જણાવે છે. આ સુપરસ્ટારની કરિયર જેટલી લાજવાબ હતી એટલું જ તેનું અંગત જીવન પણ લાજવાબ હતું, તો ચાલો તેની અંદર એક ડોકીયું કરી લઇએ.

ઇન્ડસ્ટ્રીમાં ઘણોખરો વર્ગ એવો હતો જે સંજીવ કુમારને કંજૂસ ગણતો, અને આ બાબતે તેની મજાક પણ ઉડાવવામાં આવતી, જોકે સંજીવ કુમારે આ બાબતને ક્યારેય મન પર નથી લીધી, તેની સામે જો કોઇ તેને કંજૂસ કહે તો તે હસીને જવાબ આપતો કે જનાબ કંજૂસ હોના ભી અપને આપ મેં એક અચ્છી આદત હૈ, ક્યા ઇસસે તુમ અપને ભવિષ્ય કે લીયે બચત કર સકતે હો, વેલ સંજીવ માટે આ વાત એટલી જ સહજ હતી જેટલી કે કોઇ તેની સામે તેના વખાણ કરતાં તે સહજતાની લાગણી અનુભવતો. અલબત્ત સંજીવ ઘણી બધી બાબતોમાં ઉદાર હતો, પરંતુ તે હંમેશાં દુનિયા સામે કંજૂસ દેખાવામાં છોછ નહોતો અનુભવતો, એનું એક કારણ તેનું બાળપણ પણ કહી શકાય, તે જે પ્રકારના બાળપણમાં ઉછર્યો હતો તે સમયે તેમના ઘરની પરિસ્થિતિ સાવ સામાન્ય હતી, તેથી નાનપણથી જ દરેક બાબતમાં કરકસર જોનાર વ્યકિત પોતાના જીવનમાં પણ આગળ જતાં કરકસર કરતો થઇ જાય છે. એટલું જ નહીં સંજીવની આજુબાજુના અંગત લોકો તેને હંમેશાં એ વાતે ડરાવ્યા કરતાં કે લોકો તારા ભોળપણનો ફાયદો ન ઉઠાવે તેનું ખાસ ધ્યાન રાખવું, જેથી તે હંમેશાં લોકોમાં પણ પોતાની છાપ કંજૂસની ઊભી થાય તો બહુ પરવા ન કરતો.

સંજીવ કુમારના જીવનની બીજી મોટી વાત એ પણ કહી શકાય કે તેને મુંબઇમાં જીવનભર ભાડાના મકાનમાં રહેવું પડયું હતું, વેલ આની પાછળ સંજીવની કંજૂસી નહોતી જ, કારણ કે સંજીવને મુંબઇના બાન્દ્રા વિસ્તારમાં એક સુંદર મકાન ખૂબ ગમી ગયું હતું, તેને આ મકાન ખરીદવું જ હતું, પરંતુ જે સમયે તેને તે મકાન ખરીદવું હતું તે સમયે મકાન માલિકે જણાવેલા પૈસા તેની પાસે નહોતા, બાદમાં જ્યારે મકાન માલિકે તે સમયે જણાવેલા પૈસા ભેગા થયા ત્યારે ફરીથી મકાનની કિંમત વધી ગઇ અને આમ સંજીવ બાંન્દ્રાનું તેનું ડ્રીમ હાઉસ નહોતો લઇ શક્યો, જોકે બાદમાં તેણે ચેતન આનંદના બંગલાની બાજુમાં એક મોટી જગ્યા ખરીદી હતી, પરંતુ આ જગ્યાએ ઘર બને તે પહેલાં જ સંજીવ કુમારે આ દુનિયામાંથી વિદાઇ લઇ લીધી. આમ સંજીવ મુંબઇ આવ્યા બાદ ભાડાના મકાનમાં જ રહેતો હતો.

સંજીવની લવ લાઇફ ઉપર એક નજર કરીએ તો આ એક્ટરનું નામ આમ તો ઘણી સ્ત્રીઓ સાથે જોડાયું છે, પરંતુ આ એકપણ એક્ટ્રેસ સાથે તેના સંબંધ લાંબા નહોતા ટક્યા, અને વાત ક્યારેય લગ્ન સુધી પહોંચી જ નહીં. સંજીવ કુમારનું નામ સૌથી પહેલાં જયશ્રી.ટી નામની નવીસવી અભિનેત્રી સાથે ચર્ચાયું હતું, પણ આ સંબંધ તો અત્યારે કદાચ કોઇને યાદ પણ નહીં હોય, આ સંબંધનું આયુષ્ય ઘણું જ ટૂંકું હતું, બાદમાં સુલક્ષણા પંડિત સાથે સંજીવનું નામ ચર્ચાયું હતું, જોકે સુલક્ષણા સાથે સંજીવના સંબંધ ઘણા સારા ચાલ્યા હતા, બંનેને એકબીજા માટે અપાર પ્રેમ હતો, પરંતુ તે સમયે પણ સંજીવના નજીકના અમુક લોકોએ સંજીવને કહ્યું કે સુલક્ષણા કદાચ તેના પૈસાના કારણે તેની સાથે જોડાઇ છે, આ કારણે સંજીવે સુલક્ષણા સાથે લગ્ન કરવાની ના કહી દીધી હતી, પરિણામ એ આવ્યું કે સુલક્ષણા આ જીવન કુંવારી રહી, તેણે ક્યારેય બીજા કોઇ સાથે લગ્ન ન કર્યાં. જ્યારે સંજીવ કુમારને હેમા માલિની સાથે આકર્ષણ થયું તે જ સમયે શોલે ફિલ્મ તેને ઓફર થઇ હતી, આ ફિલ્મના શૂટિંગ દરમિયાન કાયદેસર સંજીવે હેમાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું, આ વાત જગજાહેર છે, પરંતુ હેમાનો લવ ઇન્ટ્રેસ્ટ અલગ હતો, હેમા તે સમયે જ ધર્મેન્દ્રની નજીક જઇ રહી હતી, પરિણામે હેમાને સંજીવની લગ્નની ઓફરને નકારી કઢી . સંજીવને આ આઘાત જરૂર લાગ્યો હતો. બાદમાં પણ સંજીવનું નામ બીજી નાની મોટી ઘણી અભિનેત્રીઓ સાથે ચર્ચાતું રહ્યું, પરંતુ કોઇ સાથે લગ્ન સુધી વાત ન પહોંચી.

ઘણી બધી એક્ટ્રેસ સાથે લવ અફેર બાદ પણ સંજીવ આજીવન કુંવારો રહ્યો તેની પાછળનું બીજું કારણ એ પણ હોઇ શકે કે સંજીવના ઘરમાં વર્ષોથી એક દુઃખદ ઘટના બનતી, તેના ઘરમાં કોઇ પુરુષ ૫૦ વર્ષથી ઉપર નથી જીવ્યા, સંજીવના દાદા, પિતા, કાકા, ભાઇઓ આ દરેકનો દાખલો લઇએ તો આ બધાની સરેરાશ ઉંમર ૫૦ કે તેથી નીચેની હતી, સંજીવ આ વાત જાણતા અને કદાચ એમ કહી શકાય કે આ વાત તેમના મગજમાં એટલી ઊંડી છાપ છોડી ગઇ હતી કે કદાચ એટલે જ તેમણે હેમા માલિની સિવાય ક્યારેય કોઇ સ્ત્રીને લગ્ન માટે પ્રપોઝ નહોતું કર્યું. હેમા માલિની એકમાત્ર એવી સ્ત્રી હતી જેને તેણે લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું, બાકી સુલક્ષણા પંડિતને પણ તેણે લગ્ન કરવાની ના કહી દીધી હતી. જોકે સંજીવ સાથે બન્યું પણ એવું જ, તેના બીજા પરિવારના સભ્યોની જેમ જ સંજીવ કુમારે પણ ૪૭ વર્ષની નાની ઉંમરે જ તેના જીવનની માયા સંકેલી લીધી અને આ દુનિયાને અલવિદા કહી દીધું.

અલબત્ત સંજીવ કુમારનું બાદમાં નામ અંજુ મહેન્દ્રુ સાથે પણ ચર્ચાયું હતું, પરંતુ અંજુ આ અંગે કહે છે કે હું અને સંજીવ બેસ્ટ બડીઝ હતા, અમારી વચ્ચે ક્યારેય ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડના સંબંધ બંધાવાની શક્યતા જ નહોતી, કારણ કે મારી માતા સંજીવને રાખડી બાંધતી અને બાદમાં હું પણ સંજીવને રાખડી બાંધતી હતી. વળી મારો અને સંજીવનો સંબંધ બે પુરુષ મિત્રો સમાન હતો, હું અને તે સાથે બેસીને કલાકો સુધી ચા પીતા પીતા તેની ગર્લફ્રેન્ડસ વિશે ચર્ચા કરતાં, એટલું જ નહીં સંજીવ જ્યારે પણ તેની કોઇ ગર્લફ્રેન્ડને મળવા જતો ત્યારે તે મને જણાવતો અને મને કહેતો કે આજે હું મારી ફલાણી સ્ત્રીમિત્રને મળવા જઇ રહ્યો છું, જ્યારે કાલે બીજીને મળવા જવાનો છું. અંજુ કહે છે સંજીવનું સ્મિત ઘણું જ નિખાલસ હતું. તેથી ઘણી એવી સ્ત્રીઓ હતી જે તેના પ્રેમમાં પડી જતી, અને તેને પ્રપોઝ કરતી, સંજીવ આ વાતે ખુશ થતો, પરંતુ તે લગ્ન માટે હંમેશાં પોતાના પરિવારની તેમજ પોતાના અમુક અંગત મિત્રોની સલાહ લેતો, એ મિત્રો સંજીવને એક જ વાત કહેતા કે ક્યાંક કોઇ સ્ત્રી તારા પૈસાના કારણે તો તારી સાથે સંબંધમાં નથી ને તે વાતનું ધ્યાન રાખજે, હું આ વાતે સંજીવ ઉપર ખૂબ ગીન્નાતી અને તેને કહેતી કે લોકો શું કહે છે એ વિચારવા કરતાં તારી પોતાની પાસે નિર્ણયશક્તિ નથી, તું જાતે જ નક્કી કર કે કોણ તને વફાદાર છે અને કોણ તારા પૈસા માટે તારી સાથે છે.

[email protected]