આગરામાં રેલવેસ્ટેશન પાસે બે બોમ્બ બ્લાસ્ટ : કોઈ જાનહાનિ નહીં

40

આગરા :

શનિવારે સવારે આગરા સ્ટેશન પાસે બે અલગ અલગ બોમ્બ બ્લાસ્ટ થયા હતા, જેને કારણે અફરાતફરી મચી ગઈ હતી, જોકે આ બંને બ્લાસ્ટમાં કોઈ જાનહાનિ થયાના અહેવાલ નથી. એક વિસ્ફોટ આગરા કેન્ટ રેલવે સ્ટેશન પાસે કચરાના ઢગલામાં થયો, જ્યારે બીજો વિસ્ફોટ એક પ્લમ્બરનાં ઘર પાસે થયો હતો. બોમ્બ બ્લાસ્ટ કરનારનો ઈરાદો આંદામાન એક્સ્પ્રેસને ઊથલાવવાનો હતો. સમગ્ર ઘટનાની તપાસ કરાઈ રહી છે. ઘટનાસ્થળેથી આઈએસઆઈનો એક પત્ર મળ્યો છે.

પહેલો બ્લાસ્ટ સવારે ૬.૩૦ કલાકે કચરાના ઢગલા પાસે થયો હતો. બીજો એક પ્લમ્બરનાં ઘર પાસે થયો હતો. બંને સ્થળ વચ્ચેનું અંતર ૬૦થી ૭૦ મીટરનું છે. પ્લમ્બરનાં ઘરમાં બોમ્બ બનાવવામાં આવી રહ્યા હતા. આખા વિસ્તારને ઘેરી લેવાયો છે. ફોરેન્સિક નિષ્ણાતોને ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યો હતો. આ બોમ્બની તીવ્રતા ઘણી ઓછી હતી. ડીઆઈજીએ કહ્યું હતું કે શનિવારે સવારે બોમ્બ વિસ્ફોટ પછી આ સ્થળે સર્વત્ર ધુમાડો છવાયો હતો. તપાસ ચાલી રહી છે તે પછી સાચી હકીકતો જાણવા મળશે. હજી ગયા ગુરુવારે જ તાજમહાલને ફૂંકી મારવાની ધમકી મળી હતી તેના બે દિવસ પછી આ ઘટના બની હતી. ધમકી પછી આખા શહેરમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આંદામાન એક્સ્પ્રેસને ઊથલાવવાની કોશિશ

આગરામાં મલપુરા પોલીસથાણાનાં ભાંડઈ સ્ટેશન પાસે શુક્રવારે રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા પાટા પર તોતિંગ પથ્થર મૂકીને ચેન્નઈથી જમ્મુ જઈ રહેલી આંદામાન એક્સ્પ્રેસને ઊથલાવવાનો પ્રયાસ કરાયો હતો, જોકે ટ્રેન પથ્થર તોડીને આગળ નીકળી ગઈ હતી તેથી મોટી દુર્ઘટના નિવારી શકાઈ હતી. ટ્રેન પથ્થરને ટકરાતાં મોટો અવાજ આવ્યો હતો. ટ્રેનના ડ્રાઈવરે આની જાણકારી કન્ટ્રોલરૂમને કરી હતી. આ પછી લાઇનમેનને તપાસ માટે ઘટનાસ્થળે મોકલવામાં આવ્યો હતો. જ્યાં પાટા નજીક પથ્થરના ટુકડા અને એક પત્ર મળી આવ્યો હતો. પત્ર લખનારે પોતાની ઓળખ આઈએસઆઈના કંપની કમાન્ડર અને રાષ્ટ્રીય અધ્યક્ષ મોહમ્મદ મિર્ઝા તરીકે આપી હતી.

પત્રમાં શું લખ્યું છે?

પત્ર લખનારે પોલીસખાતાનાં લોકો તેમજ નેતાઓ અને બિઝનેસમેનને ૧૪ એપ્રિલની મુબારકબાદી આપી છે. આગરામાં તેઓ ઝંડા, ટૂંડા અને વિસ્ફોટની સામગ્રી સાથે આવી ગયા છે તેવું લખ્યું છે. આઠ સ્થળે હુમલા કરાશે તેવી જાણકારી આપી છે. પહેલો હુમલો સંસદ ભવન, બીજો લખનઉમાં, ત્રીજો મથુરા, ચોથો ઉત્તર મધ્ય રેલવેમાં, પાંચમો આગરામાં, છઠ્ઠો મોદીને ટાર્ગેટ બનાવવા અને સાતમો ગૃહપ્રધાનને ટાર્ગેટ બનાવવા તેમજ આઠમો સમય અનુસાર થશે તેમ લખ્યું છે. આગરા છાવણીથી દિલ્હીનાં મોટાં મોટાં રેલવે સ્ટેશનોને ટાર્ગેટ બનાવાશે. બીજા એક કાગળ પર રેલવેને સાવધ રહેવા કહેવાયું છે. ટ્રેનોમાં હાહાકાર મચાવાશે તેવી ધમકી અપાઈ છે.