કૃષિમાં સરકાર ફેલ : ખેડૂતોના ભોગે વેપારલક્ષી નિર્ણયો   - Sandesh
NIFTY 10,980.45 -27.60  |  SENSEX 36,373.44 +-146.52  |  USD 68.6200 +0.17
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • કૃષિમાં સરકાર ફેલ : ખેડૂતોના ભોગે વેપારલક્ષી નિર્ણયો  

કૃષિમાં સરકાર ફેલ : ખેડૂતોના ભોગે વેપારલક્ષી નિર્ણયો  

 | 4:01 am IST

એગ્રો વર્લ્ડ

છોકરાએ ઘરડાને દેવાં-કરજતળે ડુબાડી દીધા, ગામડામાં મોટા થઈને શહેરોમાં જઈને વસ્યા અને ધંધા બચાવવા ખેતીને ડુબાડી દીધી, ગુજરાતમાં કમસે કમ સરકાર બદલાઈ હોત તો દેવું તો માફ થાત. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, પંજાબ બાદ હવે રાજસ્થાન સરકારે પણ ખેડૂતોનું રૂપિયા ૫૦ હજાર સુધીનું દેવું માફ કરી દીધું છે. પકોડાં અને ટોપ પોલિટિક્સ વચ્ચે ખેડૂતલક્ષી તમામ ગ્રૂપોમાં આ મેસેજ ટોપ ટ્રેન્ડમાં છે. વર્ષ ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી પૂર્વે કૃષિ અને ગ્રામીણલક્ષી બજેટ જાહેર કરનાર કેન્દ્ર સરકાર બાદ રાજસ્થાનમાં રાજે સરકારે ખેડૂતોને પડખે લેવાના પ્રયત્નો શરૂ કર્યા છે. બજેટમાં ૧ લાખ અબજ નિકાસના સરકારે લક્ષ્યાંકો મૂક્યા છે. ખરેખર આ ઝાંઝવાનાં નીર સાબિત થશે. સરકારના કૃષિમાં આયાત-નિકાસના નિર્ણયો વેપારીલક્ષી વધુ અને ખેડૂતો માટે ખોટના સોદા સાબિત થઈ રહ્યા છે. કઠોળમાં એક પણ પાકના ભાવ ટેકાથી ઊંચા નથી ત્યાં આયાતમાં આંશિક પ્રતિબંધો અને આયાતડયૂટીમાં વધારાના નિર્ણયો તરકટ સાબિત થયા છે. સરકાર ડબલ ગેમ રમી રહી છે. વિદેશથી આયાતની છૂટછાટમાં વેપારીઓનાં ખિસ્સાં ભરાઈ રહ્યાં છે અને ખેડૂતો પાસેથી ટેકાએ ઊંચા ભાવે ખરીદી કરી બજારમાં નીચા ભાવે વેચાણ કરી લોકોના પરસેવાની કમાણીનાં ટેક્સ પેટે ઉધરાવેલાં નાણાંના લાખના બાર હજાર કરી રહી છે. મગફળી તેનું તાજેતરનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે.

કઠોળના ખેડૂતોને આ વર્ષે ઊંચા ભાવ મળે તેવી સંભાવના હવે ઓછી છે. આ વર્ષે ૨૩૦ લાખ ટનથી વધુ કઠોળનું ઉત્પાદન છતાં રેકોર્ડબ્રેક આયાત થઈ છે. આંશિક પ્રતિબંધો ખોખલા પુરવાર થયા છે. સરકાર દ્વારા જાહેર કરેલા આંક પ્રમાણે એપ્રિલથી ડિસેમ્બર સુધીમાં કુલ ૫૦.૮૦ લાખ ટન કઠોળની આયાત થઈ છે, જે પેટે ભારતે ૧૭,૨૮૦ કરોડ રૂપિયાનું વિદેશી હૂંડિયામણ ગુમાવ્યું છે. દેશમાં વર્ષ ૨૦૧૬-૧૭માં ૨૨૯ લાખ ટન કઠોળનું ઉત્પાદન થયું છે. સરકાર પાસે ૧૯ લાખ ટનનો સ્ટોક છે, જેના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવા વચ્ચે સરકારે ૩૦મી જાન્યુઆરી સુધી ફરી ૫.૬૦ લાખ ટન કઠોળની ખરીદી પેટે ખેડૂતોને ૩,૦૭૭ કરોડ રૂપિયાની ચુકવણી કરી છે. સરકારે ઓસ્ટ્રેલિયા, ટાન્ઝાનિયામાંથી ચણાની સતત આયાતને પગલે ૨૧ ડિસેમ્બરના રોજથી ચણાની આયાત પર ૩૦ ટકા આયાતશુલ્ક લગાવ્યો છે પણ એપ્રિલથી ઓક્ટોબર સુધીમાં ચણાની આયાત ૫.૮૩ લાખ ટન થઈ છે ગત વર્ષે આ આંક ૧.૨૨ લાખ ટન હતો. બજારમાં ઓછા ભાવ વચ્ચે ખેડૂતો પાસે ટેકાના ભાવે ખરીદી એ જરૂરી છે પણ સરકારનાં આયોજનના અભાવે ૫૧ લાખ ટન કઠોળની આયાત થઈ ચૂકી છે. દેશની ૨૪૫ લાખ ટન કઠોળની વપરાશ વચ્ચે હવે સ્થાનિક ખેડૂતોએ પકવેલા કઠોળના ભાવ નથી મળી રહ્યા અને આપણે વિદેશી ખેડૂતોને સારા ભાવ ચૂકવ્યા છે.

આ જ સ્થિતિ ઘઉંના પાકની છે. દેશના બીજા નંબરના ધાન્યપાક ઘઉંમાં આયાતડયૂટી વધારવા છેલ્લા બે માસથી રજૂઆતો કરાઈ રહી છે પણ સાઉથની મિલો ઘઉંની આયાત પૂરી કરે તેની સરકાર રાહ જોઈ રહી હોય તેમ નિર્ણય લેવાતો જ નથી. દેશમાં ૯૮૩ લાખ ટન ઘઉંનાં ઉત્પાદન વચ્ચે ગત વર્ષે ૫૯ લાખ ટન આયાત થઈ હતી. આ વર્ષે પણ ૩૫થી ૪૦ લાખ ટન ઘઉંની આયાત થવાની સંભાવના છે. સ્થાનિકમાં ખેડૂતોને ભાવ મળતા નથી અને વેપારીઓ સતત આયાત કરી રહ્યા છે. ડુંગળીની નિકાસ વચ્ચે ખેડૂતોને ઊંચા મળતા ભાવમાં સરકારે તુરત જ લઘુતમ નિકાસભાવ પ્રતિ ટન ૮૫૦ ડોલર કરી દીધા હતા અને ઘઉંના ખેડૂતોની ભાવની પરેશાની સરકાર નજરઅંદાજ કરી રહી છે. ખાદ્યતેલમાં પણ ક્રૂડ અને રિફાઇન્ડની આયાતડયૂટી વધારવા માટે સી સહિતની તેલીબિયાં સંસ્થાઓની રજૂઆતોને અનેક વાર અભરાઈએ ચડાવી દેવાય છે. ખાંડબજારમાં મંદી થતાં શુગરમિલોને નુક્સાન થતાં તાત્કાલિક આયાતડયૂટીમાં ૧૦૦ ટકાનો વધારો કરી દેવાયો છે. આ જ પ્રકારના ત્વરિત એક્શન ખેડૂતો માટે લેવામાં સરકાર ઊણી ઊતરી રહી છે.

ભારતમાં કૃષિસંલગ્ન નિકાસ છેલ્લાં ચાર વર્ષમાં ૧૯ ટકા ઘટી ગઈ છે. વર્ષ ૨૦૧૩-૧૪માં ૩૯.૬ અબજ ડોલરનો વેપાર વર્ષ ૨૦૧૬-૧૭માં ઘટીને ૩૨ અબજ ડોલર રહી ગયો છે. આ સમયગાળામાં કૃષિ સંબંધિત વસ્તુઓની આયાતમાં ૬૬ ટકાનો વધારો થયો છે, વર્ષ ૨૦૧૩-૧૪માં ૧૪.૬ અબજ ડોલરથી વધીને વર્ષ ૨૦૧૬-૧૭માં ૨૪.૨ અબજ ડોલરે પહોંચી ગઈ છે. કૃષિક્ષેત્રની નિકાસમાં વધારો થાય તો કૃષિવિકાસને ચાર ચાંદ લાગે પણ આયાત-નિકાસમાં આયોજનોને અભાવે કૃષિ વિકાસદર ઘટીને ૨.૧ ટકા રહે તેવી સંભાવના છે.