Ahmedabad 12 gangs active in East for theft, robbery, kidnapping
  • Home
  • Ahmedabad
  • પૂર્વમાં પોલીસની નિષ્ક્રિયતાથી ચોરી, લૂંટફાટ, હત્યા, અપહરણના ગુના આચરતી 12 જેટલી ગેંગ સક્રિય

પૂર્વમાં પોલીસની નિષ્ક્રિયતાથી ચોરી, લૂંટફાટ, હત્યા, અપહરણના ગુના આચરતી 12 જેટલી ગેંગ સક્રિય

 | 8:24 am IST
  • Share

કાચિંડા ગેંગ, શેટ્ટી, અનુપમ, લોટિયા, બિચ્છુ, ઈગલ, ફ્રેક્ચર, સુખડી ગેંગ, ગૌરવ ચૌહાણની ગેંગ, ગોવા રબારી ગેંગનો આતંક

શહેરના પૂર્વ વિસ્તારમાં ગુનેગારોએ કાયદો અને વ્યવસ્થાના ધજિયાં ઉડાવી દીધા છે. બીજી તરફ પોલીસે પેદા કરેલા ગુનેગારો તેમના જ માથે છાણાં થાપી રહ્યા છે, જેના કારણે પૂર્વ વિસ્તારોમાં ૧૨થી પણ વધુ ખૂંખાર ગેંગ સક્રિય છે. જેને ડામવા માટે ઝોન-૫ના ડીસીપી અચલ ત્યાગીએ પ્રયોગના ભાગરૃપે ગૌરવ ચૌહાણ અને તેની ગેંગની ધરપકડ કરી ગુજસીટોક હેઠળ કાર્યાવાહી કરી છે.

આ ઉપરાંત ગુનેગારોની બેનામી સંપત્તિ જપ્ત કરવા સુધીની પણ કાર્યવાહી કરી છે. નોંધનીય છે કે, સમગ્ર ગુજરાતમાં ગુનાખોરીમાં અમરાઈવાડીનો પ્રથમ નંબર આવતો હોવાથી સરકારે બુદ્ધિપૂર્વક અમરાઈવાડી પોલીસ સ્ટેશનના ત્રણ ભાગ પાડી દીધા છે. જેના ભાગરૃપે જ રામોલ અને ખોખરા પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યાં છે.

પૂર્વ વિસ્તારમાં કાચિંડા ગેંગ, શેટ્ટી ગેંગ, અનુપમ ગેંગ, લોટિયા ગેંગ, બિચ્છુ ગેંગ, ઈગલ ગેંગ, ફ્રેક્ચર ગેંગ, અનુપમ ગેંગ, સુખડી ગેંગ, ગૌરવ ચૌહાણની ગેંગ, ગોવા રબારીની ગેંગ, એલજી ગેંગ સહિતની ૧૨ જેટલી ગેંગ હાલ પણ ચોરી, લૂંટફાટ, હત્યા, ડીઝલ ચોરી, અપહરણ સહિતના ગુના આચરી રહી છે.

જોકે આ તમામ ગેંગને મોટી કરવા માટે પોલીસ પણ મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે. આ અંગે ઝોન-૫ ડીસીપી અચલ ત્યાગીને જાણ થતાં તેમના રીડર પીએસઆઈ સમંદર ચૌહાણને કામે લગાડીને ગુનેગારોની એક ડાયરી બનાવી છે, જેમાં નાની મોટી થઈને પૂર્વ વિસ્તારની ૫૦ જેટલી ગેંગ હોવાનું બહાર આવ્યું હતું.

આ ઉપરાંત બૂટલેગર દેવેન્દ્ર પરિહાર ઉર્ફે બંસી અને તેનો માલિક વિનોદ સિંધી ગુજરાત બહારથી મોટા પાયે વિદેશી દારૃ પૂર્વ વિસ્તારના ઓઢવ, રામોલ, નારોલ, ગોમતીપુર, નરોડા જેવા વિસ્તારોમાં તેમજ કેટલાક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ગોઠવણ કરીને રોજનો કરોડો રૃપિયાનો દારૃ અમદાવાદ શહેરમાં ઘુસાડવામાં આવે છે. આ સિવાય દેશભરમાં અને વિદેશોમાં પણ ક્રિકેટ મેચના સટ્ટામાં મણિનગરની ગેંગ સંડોવાયેલી છે, જેમાં ર્ધિમન ચૌહાણ, ચિરાગ પરીખ, કિરણ ઠક્કર ઉર્ફે માલા મોટી ભૂમિકા ભજવી રહ્યા છે.

તેમજ સરદારનગરનો કુખ્યાત બુકી કમુ બટકો પોલીસની મિલિભગતથી ક્રિકેટના સટ્ટાના આઈડી વેચીને રોજની કરોડોની હેરાફેરી કરે છે. આ ઉપરાંત પૂર્વ વિસ્તારના કેટલાક ફાર્મ હાઉસો તેમજ હોટેલ્સમાં પોલીસ અને બિલ્ડરો સાથે મળી હુક્કાબાર અને દારૃની મહેફિલો માણે છે.  નોંધનીય છે કે, મણિનગરની એલજી હોસ્પિટલમાં જ ગેંગવોર થતાં ડીઝલ ચોરીની બે ગેંગ વચ્ચે સામસામે હુમલો થતાં ડબલ મર્ડરની ઘટના સૌપ્રથમ વાર હોસ્પિટલમાં બની હતી.

આ અંગે ઝોન ૫ના ડીસીપીએ શરૃઆત બુટલેગર અને કોલ સેન્ટર ચલાવતો ગૌરવ ચૌહાણથી કરી છે. તેની સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો છે. આ ઉપરાંત કેન્દ્રની ઈડી, ઈન્કમટેક્સ જેવી એજન્સીઓને પણ આ ગુનેગારોની મિલ્કત ટાંચમાં લેવા માટે સકંજો કસવાની કાર્યવાહી કરવાના આદેશ અપાયા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો